પ્રાથમિક શિક્ષણમાં 100 ટકા નામાંકન થાય અને કન્યા કેળવણીના ધ્યેયને સિધ્ધ કરવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પાણી પુરવઠા, મત્સ્યોદ્યોગ અને કલ્પસર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્તે ઘોટણ પ્રાથમિક શાળામાં ધો. 1માં 47 અને આંગણવાડીમાં 6 બાળકો જ્યારે દિક્ષલ પ્રાથમિક કેન્દ્ર શાળામાં ધો. 1માં 42 બાળકો અને આંગણવાડીમાં 5 બાળકોનો કુમકુમ તિલકથી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
રાજય સરકારે ખાનગી શાળાઓ કરતા પણ સારી સુવિદ્યાઓ ઉપલબ્ધ કરી રહી છે.વૈજ્ઞાનિક ઢબે ખેતીવાડીથી માંડીને નોકરી ધંધામાં શિક્ષણ ખૂબ જ જરૂરી બન્યું છે. જેથી શિક્ષણની ભૂખ સંતોષવા માટે શાળામાં લાઈબ્રેરી પણ બનાવવામાં આવશે. અસ્ટોલ યોજના સાકાર થતા દરેક ઘરે ઘરે પાણી પહોંચી રહ્યું છે તેમ સિંચાઈ માટે પણ કપરાડા તાલુકામાં પાણી મળી રહે તેવા પ્રયાસ ગુજરાત સરકાર કરી રહી છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. દૂર શહેર અને ગામડામાંથી કપરાડા તાલુકામાં બાળકોમાં શિક્ષણની જ્યોત જલાવનાર શિક્ષકોને અભિનંદન પાઠવી મંત્રીશ્રીએ કહ્યું કે, કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પણ હવે શિક્ષણની ભૂખ જાગી રહી છે તે દર વર્ષ વધતી જતી વિદ્યાર્થીઓની સંખ્યા પરથી પ્રતિત થાય છે.
મંત્રીએ શિક્ષકને વિદ્યાર્થી હંમેશા જીવનભર યાદ કરે છે તેનું દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે, તાજેતરમાં નવસારી પધારેલા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આટલો વર્ષો બાદ પણ પોતાના શિક્ષકને ભૂલ્યા ન હતા. વ્યારામાં રહેતા પોતાના શિક્ષકની મુલાકાત કરી ગુરૂવંદના કરી હતી. જેથી વિદ્યાર્થીઓ માટે શિક્ષકનું મહત્વ સૌથી વધુ છે. જેમાં ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકો પોતાના શિક્ષકને કદી ભૂલતા નથી. તાલુકાની તમામ શાળામાં ભૌતિક સુવિધા ઉપલબ્ધ કરાવાશે જેથી બાળકોને મુશ્કેલી ન પડે. જૂની સ્કૂલોમાં નવા 550 ઓરડા પણ બનાવવાનું આયોજન પણ કરાયું છે.
શાળા પ્રવેશોત્સવની સાથે સાથે. ……
સહ્યાદ્રી ગિરિમાળામાં આવેલી દિક્ષલ શાળામાં મંત્રીનું વિદ્યાર્થીઓએ બેન્ડવાજા અને તારપા સાથે ઉષ્માભેર સ્વાગત કર્યુ
દિક્ષલ અને ઘોટણ પ્રાથમિક શાળામાં કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓએ જ કર્યું હતું
છેલ્લા વર્ષમાં શાળામાં 100 ટકા હાજરી ધરાવનાર બાળકોનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું હતુ
ઘોટણ પ્રાથમિક શાળામાં બાળાઓએ મેરા દેશ મહાન ગીત પર કૃતિ રજૂ કરી હતી
શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ વડે મંત્રી એ નવાજ્યા હતા
દિક્ષલ શાળાની શિક્ષિકા બહેનો ડ્રેસ કોડમાં જોવા મળતા મંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી
બાળકોએ આઝાદીના અમૃત મહોત્સવ અંગે વકતવ્ય આપ્યું હતું
ધો.1 અને આંગણવાડીમાં પ્રવેશ મેળવનારા બાળકોને જ્યારે પુસ્તકોનો સેટ અપાયો ત્યારે તેના ચહેરા ખીલી ઉઠયા હતા
ઘોટણ શાળામાં એસએમસીની બેઠકમાં મંત્રીશ્રીએ શાળાના શૌચાલયમાં પાણીની સુવિધા અને જાતિના દાખલાના પ્રશ્નો સાંભળ્યા હતા.