વાપી GIDC માં નોટિફાઇડ દ્વારા વર્ષો જુની વિવિધ ટેક્સ પેટેની રકમ વસૂલવા કડક કાર્યવાહી હાથ ધરી છે. રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારમાં મિલ્કતધારકો ને નોટિસ પાઠવી પાણી કનેક્શન કાપવા સહિત વીજ કનેક્શન ને પણ કાપવાની કામગીરી હાથ ધરતા કેટલાક મિલકત ધારકોએ ટેક્સની રકમ જમા કરી દીધી છે. જેનાથી નોટિફાઇડની તિજોરીમાં આવક વધી છે. અને આવનારા દિવસોમાં અન્ય વિકાસના કામોનું આયોજન શક્ય બન્યું છે.
વાપી નોટિફાઇડ દ્વારા હાલ ડ્રેનેજ પેટે લેવાતો ટેક્સ ભરવામાં મિલ્કતધારકોએ ઉદાસીનતા દાખવતા આખરે નોટિફાઇડ વિભાગે લાલ આંખ કરી કડક પગલાં ભરતા મિલ્કતધારકો માં ફફડાટ ફેલાયો છે. આ અંગે નોટિફાઇડ ના ચીફ ઓફિસર ડી. બી. સગરે જણાવ્યું હતું કે, વિભાગ દ્વારા હાલ મિલ્કતધારકો ને નોટિસ પાઠવવામાં આવી રહી છે. જેમાં વાપી નોટિફાઇડ વિસ્તારમાં આવેલ જૂની અને જર્જરિત ઇમારતોથી કોઈ નુકસાન ના થાય તે દિશામાં પ્રયાસ હાથ ધરી તેવી મિલકત ધરાવતા મિલ્કતધારકોને નોટિસ આપી જણાવ્યું છે કે તેઓ વહેલી તકે આવી જોખમી ઇમારતોની મરામત કરી તેની જાળવણી કરે.
એ જ રીતે નોટિફાઇડ દ્વારા GIDC વિસ્તારમાં આવેલ હાઉસિંગ સોસાયટીની ટેક્સની રકમ વસૂલવા પાણી કનેક્શન કટ કર્યા છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પાણી કનેક્શન કાપ્યા બાદ વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરી છે. આ મિલકત ધારકો પાસેથી નોટિફાઇડ દ્વારા ડ્રેનેજ વેરા પેટે 5 લાખથી 25 લાખ સુધીના લેણા વર્ષોથી બાકી છે. જો કે કડક કાર્યવાહી બાદ કેટલાક મિલ્કતધારકોએ તાત્કાલિક વેરો ભરી દીધો છે. તો હજુ પણ પાંચેક સોસાયટીઓ અને કંપનીઓનો વેરો બાકી છે જે રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ચીફ ઓફિસરે આ કડક કાર્યવાહી અંગે જણાવ્યું હતું કે નોટિફાઇડ એરિયામાં નવા વિકાસના કામો થઈ શકે તે માટે આ કડક કાર્યવાહી હાથ ધરી છે. તો, સાથે પ્રિમોન્સૂન કામગીરીને લઈને પણ દરેક વિસ્તારમાં ગટર સાફસફાઇના કાર્ય હાથ ધર્યા છે. ઉપરાંત જ્યાં પાણી ભરાવાના પ્રશ્નો છે તે વિસ્તારમાં પાકી ગટર બનાવી લોકો તેમાં કચરો ના નાખે તે માટે અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે નોટિફાઇડ દ્વારા વાપી GIDC માં આવેલ નંદવાણા, નાથાણી મશીનરી, વન્ડર કેમ, આર. એ. શેખ, એસ. જે. એન્જીનીયરીંગ જેવા એકમો ધરાવનાર 10 થી વધુ મિલ્કતધારકો તેમજ રવેશિયા, હિમાલા જેવી રેસિડેન્સીયલ સોસાયટીના ફ્લેટ ધારકોને આ નોટિસ આપી ડ્રેનેજ વેરાની કડક વસુલાત કરતા અન્ય મિલ્કતધારકોમાં ફફડાટ ફેલાયો છે.