દમણના દરિયામાં ડૂબવાની ઘટનાઓને અટકાવવા ગત શુક્રવારે દમણ જિલ્લા કલેકટરે ચોમાસા દરમ્યાન પ્રવાસીઓને દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરંતુ માત્ર બે જ દિવસમાં સહેલાણીઓએ કલેકટરના આદેશના ધજાગરા ઉડાડ્યા હતા,
રવિવારના દિવસે દમણના જમ્પોર બીચ પર સહેલાણીઓના ઘોડાપુર ઉમટ્યા હતા, જમ્પોર બીચથી દિવા દાંડી સુધીના ત્રણ કિમીના કાંઠા વિસ્તારમાં ઠેરઠેર સહેલાણીઓ દરિયામાં કુદકા મારતા નજરે ચઢ્યા હતા, હજારોની સંખ્યામાં ઉમટેલા આ સહેલાણીઓને સાચવવા માટે દરિયા કિનારે માત્ર બે જ પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યા હતા, જો કે પોલીસ જવાનોએ તો કલેકટરના આદેશનું પાલન કરાવવા માટે પોતાની પૂરતી ફરજ નિભાવી હતી, પરંતુ બેજવાબદાર સહેલાણીઓને એક જગ્યાએથી બહાર કાઢે તો તેઓ બીજી જગ્યાએ પહોંચીને દરિયામાં કૂદી પડતા હતા,
આમ પોલીસ જવાનો આખો દિવસ દરિયામાં દૂર સુધી ન્હાવા પડેલા તમામ લોકોને ખેંચી ખેંચીને બહાર કાઢવાની ભારે મથામણ કરતા નજરે ચઢ્યા હતા, પરંતુ વિશાળ સંખ્યામાં આવેલા સહેલાણીઓ સામે માત્ર બે થી ત્રણ પોલીસ જવાનોની સંખ્યા ખુબ જ વામણી સાબિત થઇ હતી, જો કે એવું પણ બની શકે કે અહીં ફરવા આવેલા પ્રવાસીઓને કલેકટરના આદેશની કોઈ જાણ ન હોય, ત્યારે પ્રશાસનના આદેશનું સંપૂર્ણ રીતે પાલન થાય એ માટે તંત્રએ દરિયા કાંઠા પર પોલીસ જવાનોની સંખ્યા વધારે તે ખુબ જરૂરી થઇ પડ્યું છે, તેમજ અહીં ફરવા આવતા દરેક વ્યક્તિને પ્રતિબંધોની જાણકારી મળે તેવા પગલાં લઈને તેમને દરિયા કાંઠાથી દૂર રાખવાના પ્રયાસો હાથ ધરવા જોઈએ, કે જેથી ચોમાસામાં કોઈ મોટી દરિયાઈ દુર્ઘટનાથી બચી શકાય.