વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે પારસી પરિવારનું 200થી વધુ વર્ષ જુનુ બંધ મકાન સોમવારના રોજ ભારે વરસાદમાં તૂટી પડ્યું હતું. વર્ષો જુનું આ મકાન અનોખી નકશીકામ તેમજ પ્રાચીન આર્કિટેક પદ્ધતિથી નિર્માણ પામેલુ હતું. જેની કલાકારીગરી નિહાળવા અનેક વખત આર્કિટેક કોલેજના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી.
નારગોલ ગામે પારસી પરિવારનું 200થી વધુ વર્ષ જુનુ બંધ મકાન સોમવારના રોજ ભારે વરસાદ દરમિયાન તૂટી પડયું હતું. આ અંગે મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના નારગોલ ગામે કારભારી પારસી પરિવારનું 200 વર્ષ જૂનું મકાન આવેલ છે. આ મકાન લાંબા સમયથી બંધ હાલતમાં હતું. મકાન જર્જરિત થવાથી સોમવારે ભારે વરસાદ દરમિયાન ધડાકા સાથે તૂટી પડતા આજુબાજુના રહિશોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું.
પાડોશી વિનોદભાઈ ભગતના જણાવ્યા મુજબ તેમના મકાનને અડીને આવેલ મકાન એકાએક તુટી પડતાં તેમના પરિવારજનો ખૂબ જ ગભરાઈ ગયા હતા. જોકે આ મકાન પડવાથી તેમના મકાનને કે, પરિવારના સદસ્યને કોઈપણ પ્રકારની નુકસાની થઇ નથી. પરંતુ, મકાનનો કાટમાળ જોખમી રીતે લટકી રહ્યો છે જે ક્યારેય પણ તૂટી પડવાથી ભારે નુકસાન થવાની શક્યતા છે.
આ બાબતે સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચને જાણ કરતાં સરપંચ સ્વીટીબેન ભંડારીએ સ્થળ મુલાકાત કરી મકાન તૂટી પડયાની જાણકારી સરકારી વિભાગને કરી છે. મકાન માલિકો બહારગામ રહેતા હોય મકાન તૂટી પડયાની જાણકારી વહેલી તકે મકાન માલિકોને પહોંચે અને જોખમી મકાનના લટકી રહેલા કાટમાળ ને જમીનદોસ્ત કરવામાં આવે તે દિશામાં ગ્રામ પંચાયત દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે.
નારગોલ ગામમાં પારસીઓના ઐતિહાસિક મકાનો જર્જરિત થતાં તૂટી રહ્યા છે. પારસીઓના ઇતિહાસ સાથે જોડાયેલ નારગોલ ગામમાં પારસીઓની હયાતીના પુરાવા આપતા વર્ષો જુના મકાનો છે. ગામમાં 300થી 500 વર્ષ જૂના પારસીઓના જુના મકાનોના અવશેષો જોવા મળે છે. વર્ષો પહેલા નિર્માણ કરેલા મકાનો આજના આર્કિટેક્ટને પણ આકર્ષિત કરે છે. વર્ષ દરમિયાન અનેક આર્કિટેક કોલેજના વિદ્યાર્થીઓ નારગોલ ગામમાં રહેલા પારસીઓના જૂના મકાનોની મુલાકાત લઈ પ્રાચીન કલાકારીગરી માંથી આધુનિક કલાકારીગરી માં નવો ઓપ આપે છે.
ઉલ્લેખનીય છે કે, જે તે સમયે વેજીટેબલ કલરથી ચીતરેલ નકશીકામ તેમજ ચુનાના પ્લાસ્ટર વાળા આ મકાનો વર્ષોથી અડીખમ હતા. પરંતુ હવે જાળવણીના અભાવે અનેક મકાનો તૂટી પડ્યા છે. તો કેટલાક જર્જરિત હાલતમાં છે.