વલસાડ જિલ્લાના ધરમપુરના સદગુરુ ધામ બરૂમાળ ખાતે આત્મા પ્રોજેટક દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે બે દિવસીય સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધરમપુર કપરાડા સહિતના 1000 થી વધુ ખેડૂતોએ હાજરી આપી પ્રાકૃતિક ખેતીનું જ્ઞાન મેળવ્યું હતું.
બારૂમાળ ખાતે આવેલ ભાવ ભાવેશ્વર હોલમાં રાજપીપળાના પોયચા ખાતેથી આવેલા કેવલય સ્વરૂપ સ્વામીજી જેઓ પ્રાકૃતિક ખેતીના તજજ્ઞ છે તેમના દ્વારા પ્રાકૃતિક ખેતી શુ છે. એના કેટલા ફાયદા છે. રાસાયણિક દવાના ઉપયોગથી થતી ખેતીમાં નુકશાન શુ છે. પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તે અંગે ઘરમાં મળતા સાધનોના ઉપયોગથી જીવામૃત બનાવવા અંગે ની રસપ્રદ માહિતી આપી હતી. બે દિવસ દરમ્યાન ફળો, ડાંગર, શેરડી, શાકભાજી, કઠોળની ખેતી પ્રાકૃતિક ઢબે કેવી રીતે કરવી તે અંગે માહિતી આપાઈ હતી
આ પ્રસંગે આત્મા પ્રોજેકટના વલસાડના પ્રોજેકટ ડાયરેકટર ડી.બી પટેલ સહિત જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી આવેલા ખેડૂતોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. જેઓએ પ્રાકૃતિક ખેતી અંગેની માવજત અને ઉપજ થકી આવક અંગે પ્રશ્નોતરી કરતા તે અંગે પણ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.