સમગ્ર વિશ્વમાં જ્યારે 14મી જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઊજવણી થઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લાના રક્તદાન કેન્દ્ર કે જે રિજિયોનલ બ્લડ બેન્ક છે, તેમના દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સમગ્ર વલસાડ જિલ્લાના તેમજ દમણ અને દાદરા નગર હવેલીના જરૂરિયાતમંદ દર્દીઓને સંબંધીઓ તરફથી લોહીની અપેક્ષા રાખ્યા વગર વિના મૂલ્યે લોહી પૂરું પડાઈ રહ્યું છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાનકડા ગામની ૫ વર્ષની બાળકીને કે જેનું બ્લડ ગૃપ A +ve છે અને એ પ્લાસ્ટિક એનિમિયાના રોગથી પીડીત હોવાથી વારંવાર લોહી ચઢાવવાની જરૂર પડે છે. આ બાળકી માટે વલસાડ રક્તદાન કેન્દ્ર અને રક્તદાતાઓ દ્વારા 18 યુનિટ RCC, 254 યુનિટ પ્લેટલેટ, 2 યુનિટ SDP અને 1 યુનિટ પ્લાઝમા મળી કુલ 285 યુનિટ રક્ત આપવામાં આવ્યું છે.
વલસાડ રક્તદાન કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ હેઠળ સરકારી હોસ્પિટલોમાં જરૂરિયાતમંદ દર્દીઓને એમના સંબંધીઓ તરફથી લોહીની અપેક્ષા વગર 17,509 યુનિટ રક્ત(19.4%) પુરુ પાડવામાં આવ્યું છે. જેમાંથી 10,088 યુનિટ રક્ત કેવળ સગર્ભા બહેનોને જ આપવામાં આવ્યુ છે,. બાકીના 7421 યુનિટ રક્ત વલસાડ અને ડાંગ જિલ્લાના વિવિધ સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં કાર્યરત કુલ 10 સેંટરો ઉપર ઇમરજન્સી વપરાશ માટે વિતરણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત વલસાડ્ની અનુસૂચિત જનજાતિના જરૂરિયાતમંદ દર્દીઓને 7627 યુનિટ રક્ત(8.5%) આપવામાં આવ્યું છે. આમ વલસાડ રક્તદાન કેન્દ્ર સરકારી હોસ્પિટલોમાં કુલ જથ્થામાંથી 47.3 % રક્ત પહોચાડે છે.
વલસાડ રક્તદાન કેંદ્ર દ્વારા નવજાત શિશુઓ માટે એક્સચેંજ ટ્રાંસફ્યુઝન થેરાપીનો નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. ઘણાં શિશુઓ ઓછા મહિને જન્મે છે ત્યારે તેમનું વજન ખૂબ જ ઓછું હોય છે જેના કારણે એમને લોહીને લગતી તકલીફો ઊભી થાય છે.
જેમાં Neonatal jaundice (નવજાત શિશુને થતો કમળો) કે જેમાં બાળકના શરીરમાં હીમોગ્લોબીનનું પ્રમણ ઘટતું જાય છે. જેની સારવાર માટે રક્તનું એસ્કચેંજ ટ્રાંન્સફ્યુઝન કરવું પડે છે, જેના માટે whole bloodની જરૂર પડે છે. એસ્કચેંજ ટ્રાંન્સફ્યુઝન એટલે ખરાબ રક્તને કાઢી નવું તાજુ લોહી આપવું. જેના દ્વારા કેંદ્રએ છેલ્લા 6 મહિનામાં જરૂરિયાતમંદ નવજાત દર્દીઓને 11 યુનિટ રક્ત પુરું પાડીને નવજીવન આપવામાં આવ્યુ છે. આ કેન્દ્રમાં ડૉ. કમલભાઈ પટેલ(MD Transfusion Medicine) છેલ્લા 2 વર્ષથી સેવા આપી રહ્યા છે.