વાપીમાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) એ એપ્રિલ 2021 થી માર્ચ 2022 સુધીમાં 15 કંપનીને ક્લોઝર નોટિસ, 253 ને શૉકોઝ નોટિસ, તો 41 કંપનીને નોટિસ ઓફ ડાયરેકશન ફટકારી કુલ 1750 કંપનીઓમાં ઇન્સ્પેકશન હાથ ધરી મહત્વની કામગીરી કરી છે. GPCB એ વલસાડ જિલ્લાના વાપી GIDC માં વર્ષ 2019માં 46 કંપનીઓને ક્લોઝર નોટિસ આપ્યા બાદ વર્ષ 2020માં 55 કંપનીઓને ક્લોઝર નોટિસ પાઠવી પ્રદુષણ ઓકતી કંપનીઓ સામે કાર્યવાહી કરી હતી. જ્યારે વર્ષ 2021-22માં વાઈટલ કંપનીને, અતુલ કંપનીને, મંગલમ કંપનીને 1 કરોડ આસપાસનો દંડ ફટકારી પ્રદુષણ ઓકતા કે કેમિકલ વેસ્ટનો બારોબાર નિકાલ કરતા એકમો સામે આ વર્ષે પણ લાલ આંખ કરી છે.
વાપી GIDCના એકમો વર્ષોથી પ્રદુષણ મામલે બદનામ થતા એકમો છે. ભૂગર્ભ જળ, હવા પ્રદુષણ અને ઘન કચરાના મામલે વર્ષોથી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા અનેક એકમો સામે કરોડોનો દંડ ફટકાર્યો છે. તેમ છતાં વાપી GIDC માં પ્રદુષણ ફેલાવતા એકમોના સંચાલકો સુધર્યા નથી. વર્ષ 2019માં 46 કંપનીઓને ક્લોઝર નોટિસ આપ્યા બાદ વર્ષ 2020માં GPCB એ 55 કંપનીઓને ક્લોઝર નોટિસ પાઠવી હતી. જ્યારે વર્ષ 2021-22માં 15 કંપનીઓને ક્લોઝર નોટિસ પાઠવી છે.
વલસાડ જિલ્લાના વાપી સહિત ગુંદલાવ સુધીના પટ્ટામાં અને વાપી થી ઉમરગામ સુધીના વિસ્તારમાં કેમીકલ, ફાર્માસ્યુટિકલ, પેપર, એન્જીનીયરીંગ, પેકેજીંગ જેવી અંદાજિત 4 હજારથી વધુ કંપનીઓ કાર્યરત છે. આ ઉદ્યોગોમાં કેટલાક ઉદ્યોગો દ્વારા પ્રદુષણ ફેલાવી વાપીને પ્રદુષિત ઝોનમાં સામેલ કરી દીધું હતું. જો કે થોડા વર્ષો પહેલા ઉદ્યોગકારોને પ્રતાપે વાપી ક્રિટિકલ ઝોનમાંથી બહાર નીકળ્યું હતું. પરંતુ ફરી એ જ પરિસ્થિતિ નિર્માણ થતી જોયા બાદ GPCB તેના પર નિયંત્રણ લાવવામાં સફળ થઈ રહ્યું છે.
વર્ષ 2019 અને વર્ષ 2020માં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા એકમોમાં જે કાર્યવાહી કરવામાં આવી હતી. તે જોતા ક્રિટીકલ શ્રેણીમાંથી બહાર આવ્યા બાદ પણ વાપી GIDC માં પ્રદુષણ બાબતે કોઈ સુધારો થયો નહોતો. છાશવારે બનતા ગંભીર આગના બનાવો, વેસ્ટ કેમિકલને સગેવગે કરવાના ગોરખધંધા મોટાપાયે ફુલ્યાફાલ્યા છે. વર્ષ 2019માં GBCB એ 46 એકમોને ક્લોઝર નોટિસ, 174 એકમોને શો – કોઝ પાઠવી હતી. વિતેલા વર્ષ 2020 માં વાપી વસાહતમાં પ્રદુષણ ઓકતી 55 કંપનીને ક્લોઝર, 119 કંપનીઓને શૉકોઝ અને 30 એકમોને નોટિસ ઓફ ડાયરેક્શન અપાયા હતાં. જ્યારે હાલમાં વર્ષ 2021-22માં GPCB ની ટીમે સતર્ક બની એપ્રિલ 2021 થી માર્ચ 2022 સુધીમાં કુલ 1750 કંપનીઓમાં ઇન્સ્પેકશન હાથ ધરી 15 કંપનીને ક્લોઝર નોટિસ, 253 ને શૉકોઝ નોટિસ, તો 41 કંપનીને નોટિસ ઓફ ડાયરેકશન ફટકારી મહત્વની કામગીરી કરી છે.
વાપી GIDC ના પ્રદૂષણકારી એકમોને કારણે પાણી, હવા ને પારાવાર નુકસાન થયું છે. જોખમી ઘન કચરા અંગેના જરૂરી માપદંડોનું પાલન કરવામા આવતું નથી. પરિણામે વાપી GIDC ની છબી સતત ખરડાઈ રહી હતી. જે અંગે NGTએ પણ અનેકવાર ટકોર કરી કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વાપીમાં ભૂગર્ભ જળ, હવાના પ્રદુષણ અંગે છેલ્લા 3 વર્ષની પરિસ્થિતિ જોઈએ તો હવાના પ્રદુષણ મામલે AQI 300 પાર પહોંચ્યો હોવાના રેકોર્ડ નોંધાયા છે. કેમિકલયુક્ત પાણીના નિકાલને મામલે નદી-નાળા માં COD-BOD નું પ્રમાણ અનેકવાર જળવાયું નથી. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ આ અંગે દર વર્ષે પ્રદૂષણકારી એકમો સામે કાયદાનો દંડો ઉગામે છે.
વર્ષ 2021માં પ્રથમ જાન્યુઆરી માસમાં જ પ્રદુષણ ફેલાવવા મામલે આગમાં સ્વાહા થયેલ વાઈટલ લેબોરેટરીઝને 1 કરોડનો દંડ અને ક્લોઝર નોટિસ આપી હતી. બીજી કંપની યોગેશ્વર કેમિકલને પણ કેમિકલના નિકાલ મામલે 25 લાખનો દંડ અને કોલઝર નોટિસ પાઠવી છે. એ જ રીતે સુપર ડિલક્ષ, અભય ગરમેન્ટ્સ જેવી કંપનીઓને કલરયુક્ત કેમિકલ વેસ્ટ છોડવા બદલ તેમજ વરસાદી પાણીની લાઈનમાં એફલ્યુએન્ટ ના નિકાલ કરવા બદલ દંડ ફટકાર્યો છે.
મંગલમ ડ્રગ્સ, સાંહી કેમિકલ જેવી કંપનીઓને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં કેમિકલ ઠાલવવાના મામલે કરોડોનો દંડ ફટકાર્યો છે. તો અતુલ જેવી જાયન્ટ કંપનીને પણ પ્રદુષણ મામલે GPCB એ 1 કરોડનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરી છે. જો કે, GPCBની પ્રદુષણ મામલે સખત કાર્યવાહી પછી પણ ઉદ્યોગકારોમાં જાગૃતિ ઓછી અને સેટિંગ ડોટ કોમ મુજબ પ્રદુષણ ફેલાવી વધુ કમાણી કરવાની બદ દાનત વધુ જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે વાપી GIDC માં ઉદ્યોગ સંચાલકો બેફામ પણે વાયુ, જળ અને જમીનનું પ્રદુષણ ફેલાવતા હોય, CETP માં પ્રમાણસરનું COD જળવાતું ન હોય, વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ VGEL ના ડિરેક્ટરોની આંખ આડા કાન કરવાની નીતિ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન VIA ની એકને ખોળ બીજાને ગોળની બેધારી નીતિને કારણે NGTએ કાયદાનો દંડો ઉગામી પેનલ્ટી અને નોટિસ ફટકારી વાપી GIDC ને અવારનવાર ફટકાર પણ લગાવી છે. ત્યારે GIDC ની 700 જેટલી પ્રદૂષણના નામે બદનામ કંપનીઓ આસપાસના 8 લાખ લોકોના જીવ સાથે ચેડાં કરી રહી છે. એ પણ એટલા પૈસા માટે કે જેટલા પૈસા પ્રદૂષણના મામલે GPCBના રડાર માં પકડાયા બાદ પેનલ્ટી પેટે જ ચૂકવી દેવા પડે છે.