Friday, October 18News That Matters

કોરોના કેસ વધતા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું, જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 12 થયો

વલસાડ જિલ્લામાં વધતા કોરોના મહામારીના કેસ ને લઈ જિલ્લા કલેકટરે મહત્વ નો નિર્ણય લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં આવતા મુલાકાતી, અરજદારો તથા સરકારી કર્મચારીઓએ માસ્ક ફરજીયાત પહેરવા જિલ્લા કલેક્ટર દ્રારા આદેશ કરવામાં આવ્યા છે. 
વલસાડ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાં 12 કોરોનાના એક્ટિવ કેસ નોંધાયા છે જેને પગલે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે દ્રારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાની તમામ સરકારી કચેરીમાં બહારથી આવતા અરજદારો, મુલાકાતીઓ અને સરકારી કચેરીમાં કામ કરતા તમામ કર્મચારી અને અધિકારીઓને માસ્ક ફરજિયાત પહેરવા માટે જિલ્લા કલેકટર દ્રારા આદેશ કરવામાં આવ્યા છે 
 
રાજ્યમાં ફરી કોરોનાના કેસમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાં બુધવારે વલસાડ તાલુકામાંથી 4 અને ઉમરગામ તાલુકામાં 1 કેસ સાથે કોરોનાના નવા 5 કેસ સામે આવ્યાં છે. 
 
વલસાડ તાલુકાના નોંધાયેલા 4 સંક્રમિત દર્દીઓ પૈકી એક કેદારનાથ દર્શન કરી ઘરે પરત ફરતા કોરોનાના લક્ષણ જણાઈ આવતા ટેસ્ટ કરાવ્યો હતો, જ્યારે બીજા સંક્રમિત દર્દીની અન્ય રાજ્યમાં ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે. ત્રીજા કોરોના સંક્રમિત વ્યક્તિની સંક્રમિત દર્દીની કોન્ટેક હિસ્ટ્રી સામે આવી છે. ચોથા કેસમાં યુવક શિપમાં નોકરી માટે જવાનો હોવાથી ટેસ્ટ કરાવતા કોરોના સંક્રમિત જાહેર થયો હતો. ઉમરગામ તાલુકાની મહિલા કોરોના સંક્રમિત દર્દીના સંપર્કમાં આવતા સંક્રમિત બની હોવાનું તાલુકા આરોગ્ય અધિકારી અનિલ પટેલે જણાવ્યું છે.
 
વલસાડ જિલ્લામાં કુલ 12 એક્ટિવ કેસ નોંધાયા છે. આ 12 દર્દીઓ પૈકી વલસાડ તાલુકામાં 7, પારડી તાલુકામાં 1, ઉમરગામ તાલુકામાં 3, અને વાપી તાલુકામાં 1 મળી કુલ 12 એક્ટિવ કેસ નોંધાયા છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 5,83,924 લોકોએ ટેસ્ટ કરાવ્યા જેમાંથી 5,71,195 દર્દીઓ નેગેટિવ જ્યારે 12,729 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. અત્યાર સુધીમાં 12,221 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી હતી. કોરોનાના કારણે 84 તેમજ કોમોર્બીડીટીના કારણે 412 કોરોના સંક્રમિતોના મૃત્યુ થયા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *