જાયન્ટસના આદ્ય સ્થાપક પદ્મશ્રી નાના ચૂડાસમાએ એક સમયે ‘ગ્રીન મુંબઈ ક્લીન મુંબઈ’ની ઝુંબેશ ઉપાડી હતી. પર્યાવરણ ક્ષેત્રે એમણે કરેલી કામગીરીને ધ્યાને લઇ જાયન્ટસ ગ્રૂપ વલસાડના પ્રમુખ શ્રીમતી આશાબેન ગોહિલ તથા પ્રોજેક્ટ ચેરમેન જગદીશ આહીર , હાર્દિક પટેલ , રાજુભાઇ ઓઝા તથા સમગ્ર ટીમ દ્વારા સતત બીજાં વર્ષે રોપાનું જાહેર જનતા માટે વિનામૂલ્યે સર્કિટ હાઉસ પાસે સવારે 7 થી 9 સુધી વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં તુલસી, ગુલાબ, મોગરો, સેતુર, દાડમ, સીતાફળ, જમરુખી, ચંપો, સપ્તપર્ણ , લીંબી, બિલી, શતાવરી, વાંસ, વડ ઈત્યાદિ સુશોભનના , ફળોના , આયુર્વેદિકના તથા અન્ય 1000 જેટલાં ઉપયોગી છોડ વિતરણ કરવામાં આવ્યા હતા. નીલમભાઈ પટેલ (ખોબા)તથા જાગીરીથી બાબલભાઈ, શીતલબેન, હર્ષદભાઈ આહીર, ભીખુભાઈ ભાવસાર, જયંતીભાઈ (RNC), કલ્પેશ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. સતત બીજાં વર્ષે આ કાર્યક્રમનો લોકોએ લાભ લઈ નાનાં મોટાં વૃક્ષો રોપી એની જાળવણી કરવી એવા સંકલ્પ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની સાચા અર્થમાં ઉજવણી કરી હતી.
તો આ તરફ રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જલારામ મંદિર રોડને ગ્રીન ઝોન બનાવવા માટે વિવિધ કૂંડાઓમાં ટ્રી પ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સિટી પીઆઇ દિપકભાઈ ઢોલ સાથે મળીને પોલીસ સ્ટેશનની બહાર બોગનવેલ અને વિવિધ ફૂલો દ્વારા હરિયાળી જળવાઈ રહે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હોમગાર્ડ્સ ઓફિસ પાસે મહેશભાઈ આચાર્ય અને મૌલિકભાઈની હાજરીમાં ટ્રી પ્લાન્ટ કરાયું હતું.