વાપીની બદનામ બીલખાડીના રીગ્રેડીંગ, રીસેક્શનીંગ એન્ડ લાઇનીંગ માટે 22.24 કરોડના ખર્ચે ત્રીજા તબક્કાના કામનું રાજ્યના નાણાં અને ઉર્જા પ્રધાન કનું દેસાઈના હસ્તે ખાત મુહરત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાણાપ્રધાને જણાવ્યું હતું કે બીલખાડી અને દમણગંગા નહેર ને પ્રદુષિત કરનારા ભંગારીયાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અને જે ભંગારીયાઓ પાસે GPCB ની ગાઈડલાઈન મુજબ લાયસન્સ હશે તેને જ ધંધો કરવા દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વાપી નજીક કરવડથી બલિઠા સલવાવ સુધી મોટાપાયે ગેરકાયદેસર ભંગારના ગોડાઉન ધમધમે છે.
બીલખાડીના ત્રીજા તબક્કાની કામગીરી નું ખાત મુહરત કરવા આવેલા નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈની મીડિયા સાથેની વાતચીતમાં જાહેરાત કરી હતી કે, વાપીમાં બીલખાડી આસપાસ અને દમણગંગા નહેર આસપાસ જેટલા પણ ગેરકાયદેસર ધમધમતાં ભંગારીયાઓ છે. તેમણે GPCB ની ગાઈડલાઈન મુજબ લાયસન્સ લેવું જરૂરી છે. જેનું રજિસ્ટ્રેશન હશે તેને જ ધંધો કરવા દેવામાં આવે તેવી રજુઆત કરી છે. આનું સંપૂર્ણ પાલન કરાવવા પણ સરકાર કટિબદ્ધ છે. તો, દમણગંગા નહેરનું પણ આગામી દિવસોમાં રીનોવેશન હાથ ધરવામાં આવશે.
નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગુજરાત સરકાર દ્વારા “રીગ્રેડીંગ, રીસેક્શનીંગ એન્ડ લાઇનીંગ ઓફ બિલખાડી ફ્રોમ પ્રમુખહિલ એપાર્ટમેન્ટ ટુ NH-8 – વાપી સુધીની 3.31 કિ.મી. લંબાઇ માટે 22.24 કરોડના ખર્ચે આર.સી.સી. લાઇનીંગ કરવામાં આવનાર છે. 11 મહિનામાં પૂર્ણ થનાર આ ત્રીજા તબક્કાના પ્રોજેક્ટનું નાણાપ્રધાન કનું દેસાઈ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કંપનીઓ અને ભંગારીયાઓ ના પાપે બદનામ બનેલી બિલખાડી ડુંગરા વિસ્તારમાંથી નીકળી કરવડ, છીરી, છરવાડા, સલવાવ, બલીઠા, મોરાઇ ગામોમાંથી પસાર થઈ કોલક નદીને મળે છે, કુલ લંબાઇ 11.33 કિલોમીટર લાંબી બિલખાડીનો કેચમેન્ટ વિસ્તાર 20.50 ચોરસ કિલોમીટર છે. જેેેમાં વહેતા ગંદા પાણી સાથે કેમિકલયુક્ત પાણી ભળવાથી આસપાસના ભૂગર્ભ જળ કેમિકલ યુક્ત થયા હતાં. તો અનેક પ્રકારનો કચરો તેમાં ઠલવાતો હોય છીછરી બની હતી. જેને પ્રતાપે વર્ષ 2012માં ચોમાસા દરમ્યાન વરસેલા અનરાધાર વરસાદથી ખાડીનું પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળતા મોટાપાયે જાનમાલની નુકસાની થઈ હતી. જો કે તે બાદ ધારાસભ્ય કનું દેસાઈની કુનેહ થી તેને RCC લાઇનિંગ કરવાની કામગીરી હાથ ધરી હતી. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં જી.આઇ.ડી.સી. વિસ્તારમાં 2.93 કિ.મી. લંબાઇમાં (કોપરલી રોડ સુધી) બિલખાડી પસાર થાય છે જે 7.95 કરોડના ખર્ચે વર્ષ 2012-13 માં આર.સી.સી. લાઇનીંગ જી.આઇ.ડી.સી. દ્વારા કરવામાં આવ્યું હતું.
બીજા તબક્કામાં દમણગંગા સિંચાઇ વિભાગ દ્વારા બિલખાડીને કોપરલી રોડથી પ્રમુખહિલ સુધી 8.36 કરોડના ખર્ચે આર.સી.સી. લાઇનીંગ કરતા વર્ષ 2019 દરમ્યાન વાપીમાં 150 ઇંચ જેટલો વરસાદ પડવા છતાં કોઇ જગ્યાએ પાણીનો ભરાવો થયો નહોતો.
આ પ્રસંગે કનું દેસાઈએ જણાવ્યું હતું કે વાપી , છીરી, છરવાડા, સલવાવ, બલીઠામાંથી પસાર થતી બિલખાડીનું આર.સી.સી. લાઇનીંગ થવાથી ખાડીની Flow Velocity વધશે અને ચોમાસા દરમ્યાન નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થતો અટકશે. બિલખાડી આર.સી.સી. લાઇનીંગ થવાથી મહત્તમ 6600 ક્યુસેક્સ પાણીનું વહન થશે. તેમજ ખાડીના ગંદા પાણીનું ઝરપણ અટકશે જેનાથી આસપાસના બોરીંગના પાણીની ગુણવત્તામાં સુધારો આવશે. આ પ્રસંગે કનું દેસાઈએ ખાડી આસપાસ થયેલા તમામ ગેરકાયદેસર દબાણો કોઈની પણ શહેશરમ રાખ્યા વિના દૂર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે બીલખાડીના ત્રીજા તબક્કાની કામગીરીના ખાતમુહરત પ્રસંગે સાંસદ ડૉ. ખાલપા પટેલ, નગરપાલિકા વાપીના પ્રમુખ-ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ભાજપ શહેર પ્રમુખ, પાલિકાના વોર્ડ સભ્યો, દમણગંગા નહેર વિભાગના અધિકારીઓ, છરવાડા, બલિઠા ના સરપંચ-સભ્યો સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.