વલસાડ જિલ્લાના ભિલાડ નજીક આવેલ ઇન્ડિયા પાડા ખાતે ભક્તોની આસ્થાના પ્રતીક સમાં ત્રીનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં 10.50 કરોડના ખર્ચે 51 શક્તિપીઠ, ગૌશાળા, અન્નક્ષેત્ર, ધર્મશાળાના નિર્માણ માટે મંદિરના પૂજારી ગજું મહારાજ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા વિદ્વાન 4 પંડિતબંધુઓના મુખેથી આ સંગીતમય કથાનું રસપાન કરવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત થઈ રહ્યા છે.
ભિલાડ નરોલી માર્ગ પર આવેલ ઇન્ડિયા પાડા ખાતે શિવભક્ત ગજું મહારાજ દ્વારા ભવ્ય ત્રીનેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર ભોળાનાથના ભક્તો માટે દિવસોદિવસ આસ્થાના પ્રતીક તરીકે વિખ્યાત થઈ રહ્યું છે. ત્યારે અહીં જ 51 શક્તિઓનું શક્તિપીઠ બને, ભક્તો માટે રહેવાની વ્યવસ્થા સાથેની ધર્મશાળા બને, અન્નક્ષેત્ર બને, ગૌશાળા બને, કન્યાઓના શિક્ષણ માટે શિક્ષણ સંકુલ બને તેવા ઉદેશ્ય સાથે તેના નિર્માણ પહેલા 27મી એપ્રિલથી 3જી મેં સુધી સાંજના 3 થી 7 વાગ્યા દરમ્યાન શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિર્માણ થનાર 51 શક્તિપીઠ નો ખર્ચ 10.50 કરોડ આંકવામાં આવ્યો છે. જે માટે દાતાઓને દાનની સરવાણી વહાવવા ટહેલ નાખવામાં આવી છે.
51 શક્તિપીઠ માતાજીના મંદિરના નિર્માણ માટે ત્રીનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથામાં સુરત જિલ્લાના વિદ્વાન પંડિત બંધુઓ વિશુદ્ધ મહારાજ, આનંદ મહારાજ, સરસ્વતી મહારાજ અને અમરીશ મહારાજના મુખેથી સંગીતમય કથાનું રસપાન કરવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવી રહ્યા છે. કથામાં શિવ-પાર્વતીના મહિમા સાથે રાસગરબા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈનો પણ ફંડફાળો લીધા વિના આયોજિત કથા અંગે ગજું મહારાજે જણાવ્યું હતું કે જનકલ્યાણ હિતાર્થે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં કથા પાછળના મુખ્ય ઉદ્દેશ્ય અંગે ગજાનંદ મહારાજે જણાવ્યું હતું કે હિંદુ સનાતન ધર્મમાં 51 શક્તિઓનું ખૂબ મહત્વ છે. જેના દર્શન માટે ધર્મપ્રેમી જનતાએ પુરા દેશમાં અલગ અલગ સ્થળો પર જવું પડે છે. તેમ છતાં એવા કેટલાય ભક્તો છે. જે 51 શક્તિપીઠ પૈકીના પાકિસ્તાનમાં બિરાજમાન હિંગળાજ માતાજીના તેમજ અન્ય દુરસુદુર રહેલા શક્તિપીઠોમાં જઇ માતાજીના દર્શન કરી શકતા નથી. આ તમામ 51 શક્તિપીઠમાં બિરાજમાન માતાજીઓના દર્શન ભાવિક ભક્તો એકજ સ્થળે કરી શકે તે માટે 51 શક્તિપીઠના નિર્માણ ની નેમ સેવી છે.
ત્રીનેશ્વર મહાદેવ ના પટાંગણમાં જ આ ભવ્ય શક્તિપીઠના નિર્માણ સાથે ગૌશાળા, ધર્મશાળા, અન્નક્ષેત્ર ઉભા કરવાનું આયોજન છે. અંદાજિત 10.50 કરોડના ખર્ચે નિર્માણ થનાર આ 51 શક્તિપીઠ ના નિર્માણનું ખાત મુહરત કરી હાલમાં શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વમાં વધતા દુઃખો સામે શક્તિરૂપી માતાજી લડવાની શક્તિ આપે તેવા ઉદેશ્ય સાથે 11 વર્ષથી શક્તિપીઠ નિર્માણ માટે દાતાઓનો સહયોગ માંગવામાં આવી રહ્યો છે. જેમ જેમ દાતાઓનો સહયોગ મળતો જશે તેમ વહેલામાં વહેલી તકે અહીં સુંદર 51 શક્તિપીઠ નું નિર્માણ કરી વલસાડ જિલ્લાના અને ગુજરાત મહારાષ્ટ્રના ભાવિક ભક્તો માટે હિન્દૂ સનાતન ધર્મને ઉજાગર કરતા ધાર્મિક સ્થળનું નિર્માણ પરિપૂર્ણ થશે.