વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બાબરખડક ગામે વાલીદેન ફાર્મહાઉસમાં વર્ષ 2018 માં એક નર તથા માદા કાળિયારને ગેરકાયદેસર રીતે ગોંધી રાખનારા 2 લોકો સામે તેમજ વર્ષ 2020માં એક જળબીલાડીને વેંચવા માટે વડોદરા, નવસારી, ખેડાના 4 લોકો સાથે સોદો કરતા ઓઝરડા ગામના એક ઇસમ સહિત પાંચ લોકોની ધરપકડ કરી નાનાપોંઢા RFO અભિજીતસિંહ રાઠોડ દ્વારા તપાસ હાથ ધરી હતી. જેમાં કપરાડા જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ, દીલીપ વ્રજલાલ સાવલીયાએ કુલ 7 આરોપીઓ પૈકી 6 આરોપીઓને 3 વર્ષની સજા અને 60 હજારનો દંડ જ્યારે એક ને 2000નો દંડ ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.
આ અંગે વધુ મળતી વિગત મુજબ ગત 01/06/2020ના નાનાપોંઢા RFO અભિજીતસિંહ સુરસિંહ રાઠોડને બાતમી મળતા વન્યજીવ સંરક્ષણ અધિનિયમની કલમ 55 મુજબ કપરાડા તાલુકાના આમધા ગામે આવેલ આરોપીના ઘરમાં તપાસ હાથ ધરી હતી. જેમાં શાકભાજી મુકવાના એક કેરેટમાંથી જળબીલાડી (ઓટર, માદા ઉંમર આશરે 1વર્ષ) મળી આવી હતી. અને 4 લોકો ઘરમાં હાજર હોય તેની અટક કરી હતી. આ લોકો જળ બિલાડીની ખરીદી-વેંચાણ કરવા એકઠા થયા હોય વનવિભાગે શીડયુલ 2, પાર્ટ 2 ના વન્ય જીવને પોતાના કબજામાં લઈ વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ કલમ નોંધી આરોપીઓને સમન્સ બજવણી કરી કિ.પ્રો. કોડની કલમ 207 અન્વયે પોલીસ કાર્યવાહી કરી હતી.
File photo…. સૌજન્ય સોશ્યલ મીડિયા…..
જેમાં કપરાડાના ઓઝરડા ગામના આરોપી બાપુ બાબલુ ઓઝરીયાએ પોતાના ઘરમાં વેંચાણના ઇરાદે શિડ્યુલ 2 પાર્ટ 2 ના વન્યજીવ જળબીલાડીને પકડીને રાખી હતી. જેને ખરીદવાના ઇરાદે આવેલા ખેડા જિલ્લાના જ્યોતીન્દ્ર શશીકાંત પંડયા, વડોદરાના ચિરાયુ આનંદ પટેલ અને ઈન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા તથા નવસારીના અશોક વિનુ બારીયા સામે RFO અભિજીતસિંહ સુરસિંહ રાઠોડે વધુ તપાસ હાથ ધરી હતી.
File photo…. સૌજન્ય સોશ્યલ મીડિયા……
જે અંગે 18 એપ્રિલ 2022ના કપરાડા નામદાર કોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં વકીલની ધારદાર રજુઆત બાદ પાંચેય આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજા તથા દરેકને 10 હજાર લેખે કુલ પચાસ હજાર રૂપિયા નો દંડ કરવાનો હુકમ અને જો આરોપી દંડ ની રકમ ભરપાઈ કરવામાં કસુર કરે તો વધુ દિન નવ માસની કેદની સજા ભોગવવાનો હુકમ કપરાડા જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ દીલીપ વ્રજલાલ સાવલીયા દ્વારા કરવામાં આવ્યો છે.
મળતી વિગત મુજબ આરોપીઓએ પકડેલ જળ બિલાડીનો તાંત્રિક વિધીમાં ઉપયોગ લેવાના હતાં. આરોપીઓએ પોતાના ફાયદા માટે એક મુંગા વન્ય જીવની સાથે ક્રુરતા આચરેલી હોય તેમજ આજનાં આધુનિક યુગમાં પણ આરોપીઓ પોતાના આર્થિક લાભને પોસવા આવા ગેરકાયદેસરના ક્રુત્યો કરતા હતાં.
નાનાપોંઢા RFO અભિજીતસિંહ સુરસિંહ રાઠોડ દ્વારા અલગ અલગ વન્યજીવ ગુનાના 2 કેસમાં નામદાર કપરાડા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં બીજા કેસમાં બાબરખડક ગામે વાલીદેન ફાર્મહાઉસમાં વર્ષ 2018 માં એક નર તથા માદા કાળિયારને ગેરકાયદેસર રીતે કબજામાં રાખવાના ગુનામાં આરોપી અરશદખાન ઇલિયાસ્ખાનને ત્રણ વર્ષની કેદની સજા તથા 10000 રૂ. નો દંડ તથા અન્ય એક આરોપી રફીક બાબુ મન્સૂરીને 2000 રૂ. ના દંડ ની સજા ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કપરાડા ડી.વી.સાવલિયા દ્વારા કરવામાં આવતા અને 2 અલગઅલગ કેસમાં ધાક બેસાડતો ચુકાદો આપતા નાનાપોંઢા RFO અને તેની ટીમને વનવિભાગે પણ અભિનંદન પાઠવ્યા હતાં.