વલસાડ જિલ્લાના વાપી ખાતે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રેરિત હિન્દૂ ધર્મ સેના વલસાડ, વાપી અને ડાંગ આયોજિત વિરાટ હિન્દૂ ધર્મ સંમેલન અને દિક્ષાન્ત સમારોહમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા નૌતમ સ્વામીએ સંત સમિતિ વતી હાર્દિક પટેલને હિન્દુવાદી પાર્ટી માં જોડાય તેવી અપીલ કરી હતી.
અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના પ્રમુખ નૌતમ સ્વામીએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સમય સંદર્ભે હું અખિલ ભારતીય સંત સમિતિ વતી હાર્દિક પટેલને અપીલ કરું છું કે તેણે ગુજરાતને નવી દિશા આપવા માટે હિન્દુવાદી પાર્ટીમાં જોડાવું જોઈએ. ગુજરાતમાં તેમણે છેડેલા આંદોલન બાદ તેના યુવા ફોલોઅર્સ ખૂબ વધારે છે. પટેલ આંદોલન બાદ મોટી સંખ્યામાં યુવાનો તેની સાથે જોડાયેલ છે.
ગુજરાત હિન્દુત્વની લાયબ્રેરી છે. આઝાદીના સમયે ગુજરાતે દેશને ગાંધી-સરદાર આપ્યા હતા. હાલમાં દેશને નરેન્દ્ર મોદી અને અમિતશાહ મળ્યા છે. હવે પછીના સમય માટે હાર્દિક પટેલ જેવા યુવા નેતાની જરૂર છે. અને એટલે તેમણે હિન્દુવાદી પાર્ટી જોઈન કરવી જોઈએ તેવું નૌતમ સ્વામીએ જાહેર મંચ પરથી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વાપીમાં આયોજિત અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રેરિત હિન્દૂ ધર્મ સેના વલસાડ, વાપી અને ડાંગ આયોજિત વિરાટ હિન્દુ ધર્મ સંમેલન અને દિક્ષાન્ત સમારોહમાં મુખ્ય વક્તા તરીકે નૌતમ સ્વામી ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ હિન્દૂ જાગૃતિ માટે સંત સમિતિ દ્વારા થઈ રહેલા કાર્યોની રૂપરેખા ઉપસ્થિત હિન્દુ સમાજના લોકો સમક્ષ રજુ કરી હતી. સાથે સાથે હાર્દિકને હિન્દુવાદી પાર્ટીમાં જોડાવાની અપીલ કરતો ઈશારો કરી રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.