Sunday, November 24News That Matters

ઉમરગામના ચિત્રકૂટ વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 3 ગોડાઉન બળીને ખાખ

વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકાના ચિત્રકૂટ વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં ગત રાત્રે ભીષણ આગ લાગી હતી. જેને બુઝાવવા ઉમરગામ પાલિકા, ઉમરગામ નોટીફાઇડ, સરિગામ અને વાપી મળી ચાર ફાયર ફાઇટરોને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યાં હતાં. જેઓએ ચારેક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. 

 

ઉમરગામ નગરપાલિકાના પરપ્રાંતીય રહેણાક  વિસ્તારોમાં ગેરકાયદેસર ઉભા થયેલા ભંગારના ગોડાઉન સ્થાનિક લોકો માટે જોખમી બન્યા છે. તેવું વધુ એકવાર પુરવાર થયું છે. પાલિકાના ચિત્રકૂટ વિસ્તારમાં ગત રાત્રે એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની વિકરાળ જ્વાળાએ નજીકમાં આવેલ અન્ય 2 ગોડાઉનને પણ તેની ચપેટમાં લઈ લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર ભભૂકેલી આગને બુઝાવવા માટે ઉમરગામ પાલિકા, ઉમરગામ નોટીફાઇડ, સરિગામ અને વાપી મળી ચાર ફાયર ફાઇટરોને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યાં હતાં. ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી લગભગ ચારેક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જે બાદ વહેલી સવાર સુધી કુલિંગ ની કામગીરી ચાલી હતી.
આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ 3 ગોડાઉનમાં પ્લાસ્ટિક વેસ્ટ સહિતનો ભંગાર પડ્યો હોય આગની વિકરાળ જ્વાળામાં ખાખ થયો હતો. દૂર દૂરથી પણ લોકોએ આગની વિકરાળ જવાઓ જોઈ ગભરાટ અનુભવ્યો હતો. ત્યારે પાલિકા વિસ્તારમાં આવા ગેરકાયદેસર ભંગારના છાશવારે બનતી આગની ઘટનાને ધ્યાને રાખી આવા ગોડાઉન પર તંત્ર તવાઈ બોલાવે તે જરૂરી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *