વાપીમાં 20 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ JCI વાપી દ્વારા નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ છરવાડા ચોકડી ખાતે 110 થી વધુ સ્ટોલ સાથેના પ્રગતિ 2022 ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. 4 દિવસના આ ટ્રેડફેરને શુક્રવારે JCI ના વર્તમાન પ્રમુખ, પૂર્વ પ્રમુખ અને સભ્યો દ્વારા ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકવામાં આવ્યો છે.
કોરોના કાળ ના 2 વર્ષ બાદ હવે ધીરેધીરે જનજીવન ફરી ધબકતું થયું છે. જો કે આ 2 વર્ષમાં અનેક પ્રકારના નાના મોટા ઉદ્યોગો, વેપારધંધાને માઠી અસર પડી છે. ત્યારે વેપારીઓને વેપાર માટેનું પ્લેટફોર્મ ઉભું કરી ગ્રાહકોને એક સ્થળેથી તેમની જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ ખરીદવાની તક મળે તેવા ઉદેશયથી 2 વર્ષના લાંબા વિરામ બાદ JCI વાપી દ્વારા પ્રગતિ 2022 ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
જુનિયર ચેમ્બર ઓફ ઇન્ટરનેશનલ (JCI) છેલ્લા 20 વર્ષથી સમાજિકક્ષેત્રે કામ કરતી સંસ્થા છે. આ 21માં વર્ષે દર વર્ષની જેમ ટ્રેડ ફેરનું આયોજન કર્યું છે. વાપીના છરવાડા ચોકડી ખાતે ઉભા કરેલા ટ્રેડ ફેર માટેના સામિયાણામાં 110થી વધુ સ્ટોલ છે. જેમાં નાના ઉદ્યોગ ગૃહના વેપારીઓ, કટલરી, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ આઈટમના તેમજ નવી પ્રોડકટને લોકો સમક્ષ પ્રદર્શિત કરવા માંગતા વેપારીઓ, બાઇક ડિલર, શૈક્ષણિક સંસ્થાઓએ, ડેવલોપર્સએ પોતાની પ્રોડકટ સાથેના સ્ટોલ રાખ્યા છે. વેપારીઓ એક જ સ્થળે તેમની પ્રોડકટનું વેંચાણ કરી શકે, જરૂરી માહિતી સાથે પ્રદર્શિત કરી શકે અને ગ્રાહકો ખાણી પીણી ની મોજ સાથે ઘરવખરીની કે તેમની જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ ખરીદી શકે, જાણકારી મેળવી શકે તેવો ઉદ્દેશ JCI નો છે.
લોકો કોરોના મહામારીમાંથી બહાર નીકળી રહ્યા છે. વેપાર ધંધાની દરેકને જરૂર છે. ત્યારે JCI દ્વારા ઉભા કરેલા આ પ્લેટફોર્મથી વેપારધંધાને વેગ મળશે. સુષુપ્ત અવસ્થામાં સરી પડેલો બિઝનેસ આગળ ધપાવી શકશે, લોકોને પણ બહાર નીકળી મનોરંજન સાથે જરૂરી ખરીદીની તક મળશે તેવું આ ટ્રેડ ફેરનું આયોજન કરનાર JCI સભ્યોનું માનવું છે.
શુક્રવારથી સોમવાર સુધીના 4 દિવસીય પ્રગતિ 2022 ટ્રેડફેરમાં બિઝનેસમેન બિઝનેસ મીટનું આયોજન કરી શકે, નવી પ્રોડકટને લોન્ચ કરી લોકો સમક્ષ રાખી શકે તેવું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ટ્રેડ ફેરના ઉદ્ઘાટન પ્રસંગે JCI પૂર્વ નેશનલ પ્રેસિડેન્ટ્સ દિપક નહાર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેમણે JCI પ્રેસિડેન્ટ્સ અમિત પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ્સ અને પ્રોજેકટ ચેરમેન રાકેશ સવજાણી, પૂર્વ પ્રેસિડેન્ટ્સ પરિત ભટ્ટ સહિત તમામ JCI મેમ્બરે કરેલા સારા આયોજનને નિહાળી શુભેચ્છા પાઠવી હતી. પ્રગતિ 2022 ટ્રેડ ફેરના પ્રથમ દિવસે જ વાપીવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાતે આવ્યાં હતાં.