વાપીમાં વસતા ઉત્તરભારતીય સમાજ દ્વારા ગત વર્ષે કોરોના કાળને કારણે આસ્થાના પ્રતીક સમાં છઠ્ઠી મૈયાની છઠ પૂજાનું આયોજન કરી શકાયું નહોતું. વર્ષમાં 1 વાર કારતક મહિનામાં અને બીજી ચૈત્ર મહિનામાં છઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ગુરુવારે 7મી એપ્રલે વાપીની દમણગંગા નદી કિનારે ચૈત્રી છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત છઠ વ્રતધારીઓએ ડૂબતા સૂર્યને પહેલું અર્ધ્ય અર્પણ કર્યું હતું. જે બાદ બીજા દિવસે વહેલી સવારે ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરી વ્રતના પારણા કર્યા હતાં.
બિહાર-ઉત્તર પ્રદેશમાં છઠ્ઠી મૈયાની પૂજાનું કઠોર વ્રત ગણાતા છઠ પૂજાનું અનેરું મહત્વ છે. જેમાં પ્રથમ દિવસે ઢળતી સાંજે નદી કિનારે જઇ વ્રતધારીઓ સૂર્યદેવને અર્ધ્ય આપે છે. જ્યારે બીજા દિવસે વહેલી સવારમાં ઉગતા સૂર્યને અર્ધ્ય આપી વ્રતના પારણા કરે છે. વાપી સહિત આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા તેમજ વેપાર ધંધા માટે સ્થાયી થયેલા હજારો ઉત્તર ભારતીય પરિવારો તેમની કર્મભૂમિ વાપીમાં જ છઠપૂજા કરી શકે તેવા ઉદેશયથી વાપીમાં બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા દમણગંગા નદીના કાંઠે વિશેષ આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ગુરુવારે ચૈત્રી છઠની સંધ્યાએ તેમજ બીજા દિવસે શુક્રવારે વહેલી સવારે દમણગંગા નદી કિનારે મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓ તેમના પરિવાર સાથે નદી કાંઠે આવી હતી. નદીના પાણીમાં ઉભા રહી સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી છઠ્ઠી મૈયાનો જયજયકાર કર્યો હતો.
આ અંગે છઠ પૂજા માટે ઉપસ્થિત રહેનારા વ્રતધારીઓએ જણાવ્યું હતું કે, છઠ પુજાનું ઉત્તર ભારતીય સમાજમાં ખૂબ જ મહત્વ છે. આ વ્રત દરમ્યાન વ્રતધારીઓ 3 દિવસ આખો દિવસનો ઉપવાસ કરી સાંજે અને સવારે સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી પૂજા કરે છે. નદી કિનારે ટ્રસ્ટ દ્વારા તેમજ અન્ય સામાજીક સંસ્થાઓ દ્વારા કોઇ અગવડ ન પડે તે માટે ખાસ તૈયારીઓ કરી છે. અને તમામે નદીકાંઠે પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહી સૂર્યદેવને ઢળતી સાંજનું પહેલું અર્ધ્ય તેમજ બીજા દિવસે વહેલી સવારે ઉગતા સૂર્ય ને અર્ધ્ય આપી છઠ પૂજા વિધિ કરી હતી.
તો, આવનારા દિવસોમાં દમણગંગા નદી કાંઠે છઠ વ્રતધારીઓ માટે L ટાઇપનો ઘાટ બને તે માટે બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ દેસાઈને રજુઆત કરી છે. જે રજુઆત ને વહેલી તકે પુરી કરવા ખાતરી પણ મેળવી હોય હાલમાં પડતી મુશ્કેલીમાંથી પણ રાહત મળશે. નદી કિનારે વહીવટીતંત્ર દ્વારા પણ ચુસ્ત તકેદારીના પગલાં લેવાયા હોય કોઈ અનિચ્છનીય ઘટના નહિ બનતાં સૌ કોઈએ છઠ્ઠીમૈયાનો આભાર માન્યો હતો.
કહેવાય છે કે રામ અને સીતા, કુંતી અને દ્રૌપદીએ પણ આ વ્રત કર્યું હતું વાપી સહિત સેલવાસ , દમણની આસપાસના વિવિધ વિસ્તારોમાં નદી તળાવમાં અને દરિયાકિનારે મોટી સંખ્યામાં આવેલા લોકોએ ગુરુવારે સાંજે અને શુક્રવારે વહેલી સવારે ચૈત્રી છઠ-સાતમ નિમિતે છઠ્ઠી મૈયાની જય બોલાવી સૂર્યદેવને જળ સાથેનું અર્ધ્ય અર્પણ કરી છઠ્ઠપૂજા કરી હતી.
આ પર્વ અંતર્ગત મહિલાઓ ત્રણ દિવસ કઠોર અનશન રાખે છે. રાત્રે ગોળની ખીરનો પ્રસાદ આરોગે છે. અને મહિલાઓ સવારે સાંજે સૂર્યને અર્ધ્ય આપે છે માથે શણગારેલી ટોપલીમાં કેળા, પપૈયા સહિતના ફળો કંકુ – ચોખા, શેરડી વગેરે નદીકાંઠે લઈને આવે છે. નદીકાંઠે દીવો પ્રગટાવી હાથમાં જળ લઈને ડૂબતા-ઉગતા સુર્યને અર્ધ્ય અર્પણ કરી ઘર – પરિવાર સમાજ અને દેશમાં સુખશાંતિ જળવાઈ રહે તે માટે સૂર્ય દેવ સમક્ષ પ્રાર્થના કરે છે. તો કેટલાક નિસંતાન દંપતિએ સંતાન પ્રાપ્તિ માટે છઠ પર્વની ઉપાસના કરી હતી.
સૂર્યનો જન્મ થયા બાદ દેવતાઓએ છઠ્ઠા દિવસે તેમની ઉપાસના કરી હતી. ત્યારબાદ સૂર્યનું અસલ તેજ પ્રકાશિત થયું હતું. ત્યારથી આ પર્વનો પ્રારંભ થયો હોવાની લોકકથા પ્રવર્તે છે. લોકવાયકા મુજબ માતા કુંતીએ આ વ્રત કરી પુત્ર રૂપે કર્ણ ની પ્રાપ્તિ કરી હતી. ત્યારથી આ વ્રત દરેક ઉત્તરભારતીય સમાજના લોકો ઉજવે છે . તેમના મતે આ કઠોર વ્રત છે અને સૌથી મોટું મહાપર્વ છે.