દમણ પોલીસે 9 મહિના પહેલા 23 જુલાઈ 2021ના રોજ નોંધાયેલ એક ફરિયાદમાં મહત્વની સફળતા મેળવી એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી દમણની એક યુવતીને ઇન્ટરનેશનલ કોલના માધ્યમથી અશ્લીલ વીડિઓ કોલ તેમજ વીડિઓ મોકલી પરેશાન કરતો હતો.
ગત 23મી જુલાઈએ દમણ પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ફરિયાદી યુવતીએ જણાવ્યુ હતું કે તેના મોબાઈલ પર 21 જુલાઈથી 22 જુલાઈ દરમ્યાન કોઈ વ્યક્તિ અલગ અલગ ઇન્ટરનેશનલ નંબરો પરથી અશ્લીલ મેસેજ મોકલી રહ્યો છે. અને વીડિઓ કોલ કરી અશ્લીલ હરકતો કરે છે. યુવતીએ તે યુવકનો નંબર બ્લોક લિસ્ટમાં નાખ્યા બાદ અને સમજાવ્યા બાદ પણ અટક્યો નથી. અને પોલીસ ફરિયાદ કરી તો બદનામ કરી દેવાની ધમકી આપતો હતો. દમણ પોલીસે કલમ 354 એ, 509, 506 આઇપીસી અને 64 એ આઇટી એક્ટ મુજબ ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે લગાતાર 8 મહિના સુધી ટેક્નિકલ સર્વેલન્સની મદદથી તપાસ ચાલુ રાખી હતી, જેમાં SHO સોહિલ જીવાણીની ટીમને આખરે સફળતા મળી છે. નાની દમણ પોલીસે દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લામાં જઇ આરોપી સૈયદ અબ્દુલ્લાની ધરપકડ કરી દમણ કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પકડાયેલ આરોપી સૈયદ અબ્દુલ્લાની મોડ્સ ઓપરેન્ડી અંગે SHO સોહિલ જીવાણીએ વધુમાં જણાવ્યું હતું કે આરોપી સય્યદ અબ્દુલ્લા પોતાના કુકર્મોને પોલીસથી છુપાવવા માટે થર્ડ પાર્ટી પ્લેસ્ટોર, સેકન્ડ લાઈન અને ફ્રેન્ડ ટૂલ્સ જેવા હાઇડન એપનો ઉપયોગ કરતો હતો, અને ઇન્ટરનેશનલ નંબરથી વોટ્સએપ પર વીડિઓ કોલ કરી, અશ્લીલ વીડિઓ મોકલી પીડિતાને પરેશાન કરતો હતો. જો કે તેને ખબર નહોતી કે ગુનેગાર આધુનિક વસ્તુઓનો ઉપયોગ કરીને ગમે તેટલો ચાલાક કેમ ના થઇ જાય એકના એક દિવસ તો તે પોલીસ પકડમાં આવે જ છે,
આરોપી સુધી પહોંચવા માટે દમણ પોલીસે ટેક્નિકલ સંસાધનો, હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીની ઓળખ, આરોપીનું ચોક્કસ સ્થળ જાણ્યું હતું જેમાં તે દમણથી 1250 કિમી દૂર રવિન્દ્ર નગર, જિલ્લો કડપ્પા આંધ્રપ્રદેશ હતું. દમણ પોલીસ ટીમે ત્યાં ગઈ ત્યારે ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો, આ વિસ્તાર એકદમ દુર્ગમ હોવાથી લોકલ પબ્લિક સાથે કોમ્યુનિકેશન સ્થાપવું પણ પોલીસ માટે લોખંડના ચણા ચાવવા જેવું અઘરું થઇ પડ્યું હતું, અને જયારે આરોપીનું લોકેશન ટ્રેસ થયું ત્યારે દમણ પોલીસ જે વિસ્તારમાં તેને પકડવા ગઈ ત્યાં તેનો સ્થાનિક લોકોએ ઘેરાવ કર્યો હતો. દમણ પોલીસની ટીમે કડપ્પાની લોકલ પોલીસ ટીમના સહયોગથી અંતે સાયબર ક્રાઇમના મુખ્ય સૂત્રધાર સય્યદ અબ્દુલ્લાને દબોચી લઈ દમણ લઈ આવી હતી.
દમણ પોલીસે આરોપીની ધરપકડ કરી સૌ પ્રથમ તેને કડપ્પા મેજિસ્ટ્રેટ સમક્ષ પ્રસ્તુત કરીને તેના ટ્રાન્જીટ રિમાન્ડ મેળવીને નાની દમણ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો, અહીં આરોપીને ફરી દમણ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીને કસ્ટોડિયલ રિમાન્ડ મંજુર કર્યા હતા, આરોપીની ધરપકડ દરમ્યાન પોલીસે તેની પાસેથી બે મોબાઈલ પણ કબ્જે કર્યા છે. 8 મહિના બાદ મહત્વના કેસમાં સફળતા મેળવી દમણ પોલીસે જાહેર જનતાને અનુરોધ કર્યો છે. કે, આવા સાયબર ક્રાઇમને અટકાવ માટે કોઈ પણ પ્રકારના અજાણ્યા નંબરો પર વાત કરવાથી જેમ બને તેમ બચીને રહેવું, કોઈ પણ પ્રકારની અજાણી સાઈટ પરથી કોઈ કાર્ય ન કરવું, જો તેમ છતાં કોઈ વ્યક્તિ પરેશાન કરતુ હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો, જેથી આવા ગુનાઓને ઉગતા જ ડામી શકાય