Friday, October 18News That Matters

વલસાડ જિલ્લામાં SSC/HSC બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, પરીક્ષાર્થીઓ લકી ચીજવસ્તુઓ સાથે પરીક્ષા આપવા આવ્યા!

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડ દ્વારા લેવાતી ધોરણ દસ અને બારની બૉર્ડ પરીક્ષાઓનો શુભારંભ થયો છે. પ્રથમ દિવસે વિવિધ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી હોંશભેર આવકાર અપાયો હતો. જેમાં પ્રથમ દિવસે પ્રથમ ભાષા મુજબનું પેપર હોય અને તે સહેલું નીકળતા વિદ્યાર્થીઓએ પેપર સારું ગયું હોવાની ખુશી વ્યક્ત કરી હતી. પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરવા ઘણાં પરીક્ષાર્થીઓ પોત-પોતાની લકી ચીજવસ્તુઓ સાથે લઈને પરીક્ષા આપવા આવ્યા હતા.

કારકીર્દિ માટે અત્યંત મહત્વની ગણાતી ધોરણ 10 અને બારની બૉર્ડ પરીક્ષાનો જિલ્લામાં શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. જિલ્લામાં ધોરણ 10 અને બારના 51433 વિદ્યાર્થીઓ નોંધાયેલાં છે. જેમાં, અંધ અને અપંગ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી રહ્યાં છે. વલસાડ જિલ્લામાં વાપી સહિતના કેન્દ્ર પર વિવિધ સામાજીક-સ્વૈચ્છિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી, તેમનું મોઢું મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રો પર આવકાર આપ્યો હતો.

પરીક્ષાનું આયોજન સુચારુ ઢબે પાર પડે તે માટે ઝોન મુજબ જિલ્લાને વહેંચી દેવાયો છે. પરીક્ષા કેન્દ્રો પર પોલીસ, હોમગાર્ડઝ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ 144ની કલમ હેઠળ બેથી વધુ વ્યક્તિના એકઠાં થવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે. તો, પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્સ કોપીની દુકાનો બંધ રાખવા આદેશ કરાયો છે. કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.

બૉર્ડની પરીક્ષામાં પ્રથમવાર બેસતાં વિદ્યાર્થીઓનું આજે પ્રથમ પેપર ભાષાનું હતું. જેમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, મરાઠી, ઉર્દુ ભાષાનું પેપર સરળ હોઈ વિદ્યાર્થીઓ ખુશખુશાલ જણાતા હતા. સહેલાં પેપરથી પ્રથમ દિવસે જ બોર્ડની પરીક્ષાનો છૂપો હાઉ જતો રહ્યો હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.

પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરવા ઘણાં પરીક્ષાર્થીઓ પોત-પોતાની લકી ચીજવસ્તુઓ સાથે લઈને પરીક્ષા આપવા આવ્યા હતા. ધોરણ 10ની એક પરીક્ષાર્થી દુઆ પઢી ને પરીક્ષા આપવા આવી હતી. તેમનું માનવું છે કે દુઆ પઢી ને આવ્યા બાદ તેનું પેપર સારું જાય છે. અન્ય એક કન્યા સ્વામીનારાયણ ભગવાનની કંઠી અને તિલક કરી પરીક્ષા આપવા આવી હતી. તિલક કરી કંઠી પહેરાવાથી પોતાનું ધાર્યું કામ હરહંમેશા પાર પડી જતું હોવાની માન્યતા તે ધરાવે છે. અન્ય એક વિદ્યાર્થી કંપાસમાં એક રૂપિયાનો સિક્કો લઈને આવ્યો હતો. તેનું માનવું છે કે તે પરીક્ષામાં 1 રૂપિયાનો સિક્કો સાથે રાખે છે. એનાથી તે દરેક પરીક્ષામાં સારા માર્ક્સ મેળવતો આવ્યો છે.

તો અન્ય કેટલાક વિદ્યાર્થીઓ ખાસ ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાની તસવીરની પ્રીન્ટવાળું ટી શર્ટ પહેરીને આવ્યા હતા. કેટલાંક વિદ્યાર્થી ઈષ્ટદેવના મંદિરે દર્શન કરી સીધા પરીક્ષા કેન્દ્ર ખાતે આવ્યા હતા. ઘણાં ચોક્કસ રંગની પર્સ, પેન, કંપાસ, બેલ્ટ કે રુમાલ જેવી તેમની લક્કી ચીજવસ્તુઓ લઈને પરીક્ષાકેન્દ્ર પર આવ્યાં હતા. લક્કી કે અનલક્કી ચીજમાં માનવું કે ના માનવું એ વ્યક્તિગત શ્રધ્ધાનો વિષય છે પરંતુ, તણાવના સમયે આવી શ્રધ્ધા વ્યક્તિમાં આત્મવિશ્વાસ પૂરો પાડતી હોય છે તે પણ હકીકત છે. આશા કરીએ કે આ તમામ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ પરીક્ષા ના અંત સુધી કાયમ રહે.

ધોરણ 10માં જિલ્લામાંથી કુલ 32914 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જેમાંથી ગુજરાતીનું પેપર સૌથી સહેલું હોવાં છતાં પ્રથમ દિવસે વલસાડ ઝોનમાં 543 વિદ્યાર્થીઓએ આ વિષયની પરીક્ષા આપી નહોતી. અંગ્રેજી વિષયમાં 34 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. હિન્દી વિષયમાં 2 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. વાપી ઝોનમાં ગુજરાતી વિષયમાં 6 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. અંગેજી વિષયમાં 0.65 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી નહોતી, એ જ રીતે હિન્દી વિષયમાં 2.59 ટકા, ઉર્દુ વિષયમાં 1.92 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. સમગ્ર જિલ્લામાં ક્યાંય એકપણ કોપી કેસ નોંધાયો નહોતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *