Friday, October 18News That Matters

વાપીમાં ટ્રાન્સપોર્ટ નગર બનશે! ચૂંટણી ઢુંકળી આવતા કનુંભાઈને ફરી ટ્રાન્સપોર્ટ નગર યાદ આવ્યું? 

વાપી GIDC માં ટ્રાન્સપોર્ટ નગર માટે વર્ષોથી માંગ કરતા ટ્રાન્સપોર્ટ એસોસિએશન ને ખુશ કરવા અને ચૂંટણી નજીક આવતા નાણાપ્રધાન કનું દેસાઈએ ફરી જાહેર મંચ પરથી જાહેરાત કરી હતી કે વાપીમાં આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટ નગર બનશે. આ માટે પ્રપોઝલ સબમિટ કરી છે. અને ટૂંક સમયમાં મંજુર કરાવીશું. 
વાપીમાં શનિવારે ગુંજન વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ કેબલિંગના ખાત મુહરત કાર્યક્રમમાં ઉપસ્થિત નાણાપ્રધાન કનું દેસાઈએ પોતાના વક્તવ્ય માં જણાવ્યું હતું કે વાપીમાં વાપી ઉદ્યોગકારો અને સરકારના સંકલનમાં અનેક વિકાસના કામો થયા છે. આગામી દિવસોમાં વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની વર્ષો જુની ટ્રાન્સપોર્ટ નગર માટે જમીન ફાળવવાની અને ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની માંગ છે. જે અંગે પ્રપોઝલ સબમિટ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં આ પ્રપોઝલ મંજુર કરાવીને વાપીને ટ્રાન્સપોર્ટ નગરની ભેટ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં ટ્રાન્સપોર્ટ નગરના પ્રશ્નને લઈને ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલ મતદારોએ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જે બાદ વધતા આક્રોશ ને ડેમેજ કન્ટ્રોલ કરવા કનું ભાઈએ વચન આપ્યું હતું કે તેઓ ટ્રાન્સપોર્ટ નગર માટે વાપીમાં જમીન ફળવશે. જો કે ચૂંટણીના પાંચ વર્ષના વ્હાણા વીતી ગયા બાદ પણ આ અંગે કોઈ ચોક્કસ નિર્ણય કે પહેલ કનુભાઈ તરફથી કરવામાં આવી નહોતી.
હવે જ્યારે નવી સરકારમાં કનુભાઈ નાણાપ્રધાન છે. અને હાલમાં જ આ સરકારનું છેલ્લું બજેટ રજૂ કરી ચુક્યા છે.  વિધાનસભા ચૂંટણી ને આડે ગણતરીના મહિના બાકી છે. ત્યારે ફરી ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલ મતદારો આડા ના ફાટે તે માટે શનિવારે અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગ ખાત મુહરત ના કાર્યક્રમમાં કનુભાઈએ ટ્રાન્સપોર્ટ નગર બનવા અંગેની જાહેરાત કરતા ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલ લોકો ગેલમાં આવી ગયા છે.
જો કે આ ટ્રાન્સપોર્ટ નગર ક્યાં બનશે? કેટલા એકરમાં બનશે? કેટલા સમયમાં બનશે તેવા અનેક પ્રશ્નોની કોઈ જ વિગતવારની છણાવટ કનુભાઈએ કરી નથી. અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આ અંગે પૂછપરછ કરાઈ નથી. ત્યારે હવે જોવું રહ્યું કે ટ્રાન્સપોર્ટ નગરની વાત ફરી એકવાર લોલીપોપ સાબિત થશે કે પછી ધરાતલ પર ઉતરશે તે તો આગામી વિધાનસભા ચૂંટણી સુધી માં જ ખબર પડશે. હાલ તો કનુભાઈએ જાહેરાત કરી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ને ખુશ કરતી તક ઝડપી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *