સેલવાસના આમલી વિસ્તારમાં ભીખ માંગવાના બહાને એક ઘરમાં ઘુસેલી પાંચ મહિલાઓની ચોર ટોળકીએ 25000 રોકડ અને ચાંદીની બંગડીઓ ચોરી કરી ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે, દુકાનદારે સોશ્યલ મીડિયામાં CCTV વાયરલ કરી લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
મળતી જાણકારી અનુસાર સેલવાસના આમલી વિસ્તારમાં જિલ્લા પંચાયત કચેરી સામે આવેલી કરિયાણાની દુકાનમાં પાંચ મહિલાઓ બે નાના બાળકો સાથે ભીખ માંગવાના બહાને આવી હતી, જેને દુકાનના માલિક કિરણ ભાનુશાલીએ ત્યાંથી ભગાડી મૂકી હતી, જે બાદ પાંચેય મહિલાઓ કરિયાણાની દુકાનમાં જ કામ કરતા અને દુકાનની પાછળ રહેતા સુરેશ દુલારામજી નામક યુવકના ઘરમાં ઘુસી હતી,

મહિલા ચોર ટોળકીએ સુરેશ ના ઘરમાં ઘુસી ઘરમાં મુકેલી 25000 રૂપિયા રોકડ અને નાની બાળકીની ચાંદીની બંગળીઓ ભરેલી બેગ તફડાવી છુમંતર થઇ ગઈ હતી, થોડા સમય બાદ સુરેશ દુલારામજી બેંકમાં પૈસા જમા કરવા માટે બેગ લેવા ઘરે ગયો તો, બેગ ગાયબ દેખાઈ હતી, આથી ગભરાયેલા સુરેશે તાત્કાલિક દુકાન માલિક કિરણ ભાનુશાલીને જાણ કરી હતી.

દુકાન માલિકે ચોરીની આશંકા સાથે દુકાનના સીસીટીવી કેમરા ચેક કર્યા હતા, જેમાં મહિલાઓની ચોર મંડળી ઘરમાંથી 25000 રૂપિયા ભરેલી બેગ કપડામાં સંતાડીને ચોરી જતી જોવા મળી હતી, બેગની ચોરી થઇ હોવાનું જાણીને દુકાન માલિક કિરણે સેલવાસ પોલીસ મથકમાં ચોર મહિલા ગેંગ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી,

સેલવાસ પોલીસે દુકાનના સીસીટીવી ફૂટેજના આધારે મહિલાઓની ચોર મંડળીને પકડવાની તજવીજ હાથ ધરી છે. ચોરીની આ ઘટના બાબતે શહેરના અન્ય લોકો પણ સજાગ રહે તે માટે ભીખ માંગવાના બહાને શેરીઓ- સોસાયટીમાં ફરતી આ મહિલા ટોળકીના CCTV ફૂટેજ સોશ્યલ મીડિયામાં વાયરલ કરી લોકોને સાવચેત રહેવા અને મહિલાઓ દેખાય તો જાણકારી આપવા અપીલ કરી છે.