22મી માર્ચ વિશ્વ જળ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ગુજરાત સરકારે તાજેતરના બજેટમા દાવો કર્યો છે કે નલ સે જલ યોજનામાં 93 ટકાથી વધુ ઘરોમાં નળ જોડાણ કરીને સિદ્ધિ મેળવી છે. પરંતુ, ખુદ નાણાપ્રધાન કનું દેસાઈના વિધાનસભા વિસ્તાર સહિત વલસાડ જિલ્લામાં આજે પણ આ યોજના અધ્ધરતાલ છે. એમાં પણ નાણાપ્રધાન જે શહેર માં રહે છે તે વાપી શહેર તાલુકાના જ ગામોમાં આ યોજના હેઠળ હર ઘર નલ ના દાવા ની હવા નીકળી ગઈ છે.
વલસાડ જિલ્લામાં વલસાડ, પારડી, વાપી, ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકા છે. તમામ વિધાનસભા ક્ષેત્ર પર ભાજપનો કબજો છે. પરંતુ આ વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ શુદ્ધ પીવાનું પાણી નળ વાટે ઉપલબ્ધ નથી. જિલ્લામાં આમ તો ચોમાસા દરમ્યાન સરેરાશ 140 ઇંચ જેટલો વરસાદ વરસે છે. લોકો જમીનમાં બોર કરી તે પાણી પીવા માટે તેમજ અન્ય ઉપયોગ માટે વાપરે છે.
નાણાપ્રધાન કનું દેસાઈની વાત કરીએ તો કનું દેસાઈ પારડી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. પરંતુ તેમનું રહેઠાણ વાપી શહેર માં છે. વાપી તાલુકા હેઠળ આવતા તેમજ વાપી નજીક જ આવેલા છીરી, છરવાડા, બલિઠા, સલવાવ, કુંતા, ચણોદ, નામધા, ચંડોળ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ ગામલોકો ઘરે પીવા માટે તેમજ અન્ય વપરાશ માટે બોરિંગના પાણીનો ઉપયોગ કરે છે.
બલિઠા જેવી ગ્રામ પંચાયત માં તો છેલ્લા 3 વર્ષથી પાણીની ટાંકી બની છે. પરંતુ હજુ પણ દરેક ફળિયા સુધી અને ઘર સુધી પાણીની પાઇપલાઇન પહોંચી છે. ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે વિવિધ ઉજવણીઓમાં મહાલતી અને ઉજવણીઓના નામે મત ભેગા કરતી ભાજપ સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા છે. આશા રાખીએ કે આગામી દિવસોમાં વાપી સહિત દરેક તાલુકામાં નલ સે જલ યોજના, હર ઘર નલ ના સૂત્રો સાકાર કરે. આજના વર્લ્ડ વોટર ડે નિમિતે તમામ દર્શકોને પાણીનો સાચો ઉપયોગ કરવા, પાણીનો બગાડ અટકાવવાના જાગૃત બનો તેવી અપીલ છે.