કચ્છના માંડવી તાલુકાના બાડા ગામે GHCL કંપની ગ્રીનફિલ્ડ કેમિકલ કોમ્પ્લેક્સ આધારિત 3000 TPDની ક્ષમતાનો લાઇટ સોડા એશ પ્લાન્ટ, 1500 TPDની ક્ષમતાનો ડેન્સ સોડા એશ, 600 TPD ક્ષમતાનો સોડિયમ બાયકાર્બોનેટ સાથે ધન ઇંધણ આધારિત 120 મેગાવોટનો કેપ્ટિવ કો-જનરેશન પાવર પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ માટે આગામી 6 એપ્રિલના રોજ કચ્છના માંડવી તાલુકાના બાડા ગામે જન સુનાવણી યોજાવાની છે. જો કે આ પ્લાન્ટ કચ્છના દરિયા કાંઠાને પ્રદુષિત કરશે તેવી ભીતિ પર્યાવર્ણવિદો સેવી રહ્યા છે.
સૂચિત પ્રોજેક્ટ માટે અંદાજિત 1350 એકર જમીનની દરખાસ્ત છે. પ્લાન્ટ માં કાચા માલ જેમ કે મીઠું, કોક, લિગ્નાઇટ લાઇમ સ્ટોન (ચૂનાનો પત્થર વગેરે ઉપલબ્ધતા ધ્યાને રાખી બાડા ગામ નજીક પસંદગી ઉતારી છે, પ્રોજેક્ટ સાઇટથી 10 કિમીની ત્રિજ્યાનો વિસ્તાર મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારમાં છે. જમીનમાં રેતીનું પ્રમાણ વધારે છે. અહીંના ખેડૂતો કપાસની ખેતી કરે છે. અન્ય પાકોમાં તલ, બાજરા, એરંડા અને મગફળીનો સમાવેશ થાય છે. દાડમ, પપૈયા અને કેળા સહિતના કેટલાક પાકો સાથે કેટલાક સ્થળોએ બાગાયત ખેતી થાય છે. આ પ્લાન્ટમાં 1200 લોકોને રોજગારી આપવાની ખાતરી કંપની આપે છે. પરંતુ કંપની સ્થપાયા બાદ અહીંનું પર્યાવરણ જોખમાય શકે છે. અહીંના ગ્રીન બેલ્ટ પર કોન્ક્રીટનું જંગલ ઉભું થવાની દહેશત પર્યાવર્ણવિદો સેવી રહ્યા છે.
જૈવવિવિધતા વ્યવસ્થાપન યોજના માટે રૂ 1 કરોડ ફાળવવા ભલામણ કરવા આવેલ છે. બાડા ગામ નજીક સૂચિત પ્લાન્ટની જમીનમાં સરકારી ખરાબા / પડતર જમીન અને ખાનગી બિન પિયત ખેતીની જમીનનો સમાવેશ થાય છે . મોટાભાગની ખાનગી બિન – પિયત જમીનનો ઉપયોગ સિંગલ પાક ( મોસમી પાક ) માટે થાય છે. પ્લાન્ટ સ્થપાયા બાદ તેની અસર અન્ય ખેતી પાકો માટે કાયમ પ્રદૂષણકારી રહેશે.
સૂચિત વિસ્તારમાં પ્રોસોપિસ જુલિફ્લોરા (ગાંડા બાવળ) છે. પાઇપલાઇન નાખવા માટે જરૂરી જંગલ વિસ્તારમાં મુખ્યત્વે પ્રોસોપિસ જુલિફ્લોરા અને ઝાડી વનસ્પતિનો સમાવેશ થાય છે. પાઇપલાઇનમાં ભંગાણ સર્જાશે
ત્યારે તેનું એફલયુએન્ટ આ વિસ્તારને ખરાબ કરશે.
કંપનીએ રજૂ કરેલા રિપોર્ટ મુજબનું પ્રસ્તાવિત પ્રોજેક્ટ સાઇટના મુખ્ય અને નજીકના બફર વિસ્તારમાં સરિસૃપની કોઇ દુર્લભ અથવા ઉચ્ચ સંરક્ષણ મહત્વની પ્રજાતિઓ નથી. કોઇ મહત્વપૂર્ણ પક્ષીનો વિસ્તાર (IBA) નથી. સૂચિત પ્રોજેક્ટ સીમાની નજીક દરિયાકિનારે સુપ્રા ભરતી વિસ્તારોની પહોળાઈ સાંકડી છે અને તેમાં ગાઢ વનસ્પતિ અને ઉભો ઢાળ છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ સીમાની દક્ષિણે સ્થિત 2.0 કિમીના દરિયાકાંઠાના વિસ્તાર પર દરિયાઇ કાચબાની માળખાકીય પ્રવૃત્તિઓ માટે આ પરિસ્થિતિઓ ખૂબ જ યોગ્ય ન હોઇ શકે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.
પ્રતીકાત્મક ફાઇલ તસ્વીર…
ઉલ્લેખનીય છે કે GHCL નો આ પ્રોજેકટ આ વિસ્તાર માટે અનેકરીતે મુસીબત ઉભી કરશે. પ્લાન્ટ બન્યા બાદ તેની દુર્ગંધ દૂર સુધી ફેલાશે. બોઇલરોમાંથી નીકળતી રાખ (ફ્લાય એશ અને બોટમ એશ) શ્વાછોશ્વાસ સંબંધિત રોગોને જન્મ આપશે. ધન/જોખમી કચરો જમીન, ભૂગર્ભ જળ અને ખેતી બાગાયતી પાકો માટે નુકસાનકારક સાબિત થશે. ઘોંઘાટ અને ટ્રાફિકના પ્રશ્નો કાયમી બનશે. GPCB/CPCB દ્વારા નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરવા તથા ટ્રીટ કરેલું એફલ્યૂઍન્ટ દરિયામાં છોડવામા આવશે પરન્તુ ક્યારેક નાની સરખી બેદરકારી દરિયાઈ જીવસૃષ્ટિને મોટા પાયે અસર પહોંચાડશે તેવી અનેક ભીતિ આ પ્લાન્ટને લઈને સેવાય રહી છે.