Friday, October 18News That Matters

દમણગંગા નહેરની સાફ સફાઈનો ખર્ચ અધિકારીઓના ગજવામાં અને કચરો નહેરના પાણીમાં

વલસાડ જિલ્લા માટે દમણગંગા નહેર યોજના આશિર્વાદ રૂપ છે. પરંતુ વહીવટીતંત્ર નહેરોના સમારકામ માં ભ્રષ્ટાચાર આચરતું હોય તમામ નહેરોને હાલ છીછરી અને પાણીના ફ્લોને અવરોધતી બનાવી છે. છીરી જેવા વિસ્તારોમાં અને કરવડ-કોચરવામાં દમણગંગા નહેરનું પાણી ગંદકી અને કચરામાં તરબોળ થયું છે. યોગ્ય સફાઈના અભાવે નહેર નું પાણી આસપાસના ઘરોમાં અને રસ્તાઓ પર વહી રહ્યું હોવા છતાં નહેર વિભાગના અધિકારીઓ નહેર ની સાફ સફાઈનો ખર્ચ પોતાના ગજવામાં સેરવી લેતા કચરો નહેરના પાણીમાં તરી રહ્યો છે.
વલસાડના ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તાર સિવાય ખેતીવાડી વિસ્તાર માટે સરકાર દ્વારા દમણગંગા કેનાલ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેના થકી આ વિસ્તારના લોકોની પાણીની જરૂરીયાત સંતોષવામાં આવી રહી છે. દમણગંગા નહેર યોજના થકી 10 ઓફટેક પોઇન્ટ થકી 77 ગામ અને 10 શહેરી વિસ્તારને પાણીનો જથ્થો પુરો પાડવામાં આવે છે. અંદાજિત 9 લાખ લોકો માટે અંદાજિત 1.50 કરોડ કિલોલીટર પાણી પુરવઠો વાર્ષિક અપાય છે. જેના દ્વારા દમણગંગા યોજનાને અંદાજિત 465 લાખથી વધુ રૂપિયાની જંગી આવક પણ પ્રાપ્ત થાય છે. એવી જ રીતે 22 ઔદ્યોગિક એકમો માટે 35 MCM પાણીનો જથ્થો તેમજ 9 પીવાના પાણીની સંસ્થાઓને 13 MCM મળી કુલ 50 MCM એમસીએમ વાર્ષિક પાણીનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે છે. જેના દ્વારા 80 લાખ રૂપિયાની આવક વસૂલવામાં આવે છે.

એવી જ રીતે દમણગંગા યોજના થકી કુલ સીસીએ 42000 હેક્ટર ઇરીગેશન માટે 40 હજાર હેક્ટર, અંદાજિત 41 હજાર ખેડૂતોને આનો સીધો લાભ મળે છે. 120 ગામડામાં પાણી પંહોચાડાય છે. જે માટે 78.94 કિમીની મેઇન કેનાલ, 20.24 કિમીની બ્રાંચ કેનાલ,
123 કિમીની જિલ્લા કેનાલ, અને 693.67 કિમી માઇનોર સબમાઇનોર કેનાલ મળી કુલ 916 કિમી સુધીની નહેર પાથરવામાં આવી છે. પરંતુ આ કેનાલની જાળવણીની વાત કરીએ તો હાલ તમામ નહેરોમાં પાણીને બદલે ઘાસની જાડીઓ ઉગી નીકળી છે તમામ નહેરોમાં માટી ભરાઇ જવાના કારણે છીછરી બની ગઇ છે. છીરી, કોચરવા, કરવડ, બલિઠા જેવા ગામોમાં નહેર આસપાસ ભંગારીયાઓ પોતાના શેડ ઉભા કરી પાણીની નહેરને કચરાની નહેર બનાવી છે. કચરાવાળું આ પાણી કેટલાક વિસ્તારોમાં નહેરની બહાર છલકાઈને આસપાસ ઘરોમાં, રસ્તાઓ પર અને ફળિયાઓમાં વહી રહ્યું છે. તો નદી પર બનાવેલા પુલ જર્જરિત થયા હોય કચરો આવા પુલિયા આસપાસ જમા થઈ રહ્યો છે. આ ગંદા પાણીમાં આસપાસના બાળકો મહિલાઓ ન્હાવા અને કપડાં ધોવા આવે છે. જેઓ ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે.
નહેર શાખા ને દર વર્ષે વિવિધ ગ્રાન્ટ થકી સમારકામ અને સાફસૂફી કરવા માટે વિશેષ જોગવાઈ મુજબ કરોડોની રકમ ફાળવવામાં આવે છે. પરંતુ ભ્રષ્ટાચાર માં રાચતા નહેર વિભાગના અધિકારીઓ તે રકમમાંથી નજીવો ખર્ચ કરી બાકીની રકમ પોતાના ગજવામાં સેરવી લેતા હોય નહેરની હાલત બદતર બની છે.
દમણગંગાના અધિકારીઓ દ્વારા ખરેખર તો નહેરોની કોઇ જ સાફસફાઇ કરાતી નથી માત્રને માત્ર સરકારી ચોપડે ગ્રાન્ટનો ખર્ચ બતાવવા જ થોડોઘણો ખર્ચ કરે છે. નહેરોની ખસતા હાલતને કારણે મોટા ભાગના વિસ્તારોમાં પાણી પંહોચવાને બદલે અન્યત્ર વેડફાઇ રહ્યુ છે અને પ્રેશરની વહેતુ નથી. ત્યારે આ અંગે જો યોગ્ય તપાસ કરવામાં આવે તો પાણીના નામે પૈસા બનાવનાર અનેક ભ્રષ્ટાચારી અધિકારીઓની પોલ ખુલી પડે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *