Friday, October 18News That Matters

દમણમાં પ્રશાસની વુમન્સ ડે ઉજવણીમાં દાદરા નગર હવેલીના પ્રથમ મહિલા સાંસદની ગેરહાજરી! લોકોમાં અનેક તર્કવિતર્ક

8મી માર્ચે વિશ્વ મહિલા દિનની કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના કાર્યક્રમમાં દમણના પદ્મશ્રી પ્રભાબેન શાહથી લઈને અનેક નામી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. દાદરા નગર હવેલી અને દમણ અને દિવ પ્રશાસન દ્વારા આયોજિત કાર્યક્રમમાં જો કે એક મહિલાની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી. અને એ મહિલા એટલે દાદરા નગર હવેલીના મહિલા સાંસદ કલાબેન ડેલકર, જે પ્રશાસન મહિલાઓના સન્માન ની વાતો કરતું હોય તેના કાર્યક્રમમાં મહિલા સાંસદની ગેરહાજરી કેટલી ઉચિત કહેવાય તેવી પ્રતીતિ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવના લોકો અનુભવી રહ્યા છે.
એક તરફ દમણમાં આયોજિત કાર્યક્રમમાં દાદરા નગર હવેલીના અધિકારીઓને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હોય, નગરપાલિકાના ભાજપના સભ્યો, આરોગ્યકર્મીઓ ને આમંત્રણ આપવામાં આવ્યું હોય તેવા કાર્યક્રમમાં તે જ પ્રદેશની મહિલા સાંસદ ગેરહાજર રહેતા હોય તો એ વુમન્સ ડે ની ઉજવણી અને મહિલાઓ પ્રત્યેના માનસન્માન ની વાત કેટલી સાચી કહેવાય?
કલાબેન ડેલકર દાદરા નગર હવેલીના પ્રથમ મહિલા સાંસદ છે. ઐતિહાસિક મતોથી તેમણે વિજય મેળવ્યો છે. એ જ બતાવે છે કે આ મહિલાને પ્રદેશના લોકો કેટલું માન આપે છે. ત્યારે પ્રશાસને કમ સે કમ એટલું વિચારીને પણ આજના મહિલાઓ માટેના કાર્યક્રમમાં આમંત્રિત કરવા જોઈતા હતાં. તેવી ચર્ચા દાદરા નગર હવેલીના લોકો ઉઠી છે.
જો કે એક વાત ચોક્કસ છે કે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવના નામ માં દાદરા નગર હવેલી ભલે સૌપ્રથમ બોલાતું હોય પરંતુ અહીંના પ્રશાસનિક અધિકારીઓ માટે આ પ્રદેશના લોકો અને એમાં પણ પ્રશાસન સામે અવાજ ઉઠાવનારા લોકો સાથે અણગમો જરૂર છે. કદાચ આ જ દહેશત સંઘપ્રદેશના વિલીનીકરણ વખતે દાદરા નગર હવેલીના લોકોને હતી એટલે જ મર્જર વખતે વિરોધનો સુર ઉઠ્યો હતો. જો કે તેમાં તેઓ સફળ થયા નથી. અને હવે મોટાભાઈ નું બિરુદ મેળવીને પણ કદાચ આ પ્રકારના પ્રશાસનિક કાર્યક્રમોમાં મને કમને બાકાત રહેવું પડશે અથવા રાખશે એટલું ચોક્કસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *