મહારાષ્ટ્રના અમલિયારથી સંઘપ્રદેશ દમણના કચિગામ ખાતે આનંદ મેળામાં કમાણી કરવા આવેલા 40 લોકોને 5 લાખનું નુકસાન થયું છે. દમણ કલેકટરે મેળામાં રાઈડ ચાલુ કરવાની પરમિશન આપ્યા બાદ સ્થાનિક અન્ય અધિકારીઓએ મંજૂરી નહિ આપતા 40 લોકો પાસે ખાવાના પૈસા પણ ખૂટી ગયા હોય ભૂખે મરવાની નોબત આવી છે.
દમણના કચિગામ ફ્લિઆ માર્કેટમાં વાપીના ડુંગરાના પરાગસિંગ પુલસિંગ રઘુવંશીને એમ્યુઝમેન્ટ, આનંદ મેળા ના આયોજનની દમણ કલેકટર તપસ્યા રાઘવે પરમિશન આપી છે. અહીં 27મી ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધીની પરમિશન આપવામાં આવી છે. આ આનંદ મેળામાં કમાણી કરવા મહારાષ્ટ્રના એહમદ ખાન અને તેનો પરિવાર અલગ અલગ રાઈડ જેવી કે ચકડોળ, ટોરાટોરા, બ્રેક ડાન્સ, હોડી, ડ્રેગનરાઈડ, કટરપિલર વગેરેનો સમાન ભરી કચિગામ આવી તમામ રાઈડને ઉભી કરી દીધી છે. પરંતુ દમણ ના ડેપ્યુટી કલેકટર અને મામલતદારે સ્થળ પર આવી કોઈપણ પ્રકારની તપાસ કર્યા વિના જ તેને બંધ કરાવી દીધી છે.
છેલ્લા એક સપ્તાહથી મેળાના આ વેપારીઓ પોતાની સાથે લાવેલા 40 લોકોને વગર કમાણીએ ખાવા પીવાનું અને મજૂરીનું ભાડું ચૂકવી રહ્યા છે. અને 5 લાખ જેવું નુકસાન વેઠી ચુક્યા છે. રાઈડ માલિક એહમદ ખાનનું કહેવું છે કે હવે અમારી પાસે ખાવાના અને માલસામાન ને ફરી ટ્રાન્સપોર્ટમાં લઈ જવાના પૈસા નથી.

મહાશિવરાત્રી ના પર્વ નિમિત્તે અમે અહીં બે પૈસા કમાવા આવેલા જે કમાઈ નથી શક્યા. પર્વનો દિવસ કમાણીનો મુખ્ય દિવસ હતો જે જતો રહ્યો છે. હવે માત્ર 3 દિવસ બચ્યા છે. જો દમણ કલેકટર આ અંગે અમારી મજબૂરી સમજી રાઈડ ચલાવવાની મંજૂરી આપે તો જ અમે કમ સે કમ અમારું નુકસાન સરભર કરી શકીશું. એ માટે દમણ પ્રશાસન સમક્ષ રાઈડ ચાલુ કરવા આજીજી કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં મેળાના આયોજન પર પાબંધી લાગ્યા બાદ આ વર્ષે અનેક સ્થળો પર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કચિગામ માં પણ સવારના 10 થી રાત્રીના 9 વાગ્યા સુધીના મેળાની પરમિશન લેવામાં આવી હતી. 27મી ફેબ્રુઆરી થી 6 માર્ચ સુધીની મેળાની મંજૂરી છે. પરંતુ દમણના ડેપ્યુટી કલેકટર અને મામલતદાર ની આડોળાઈને કારણે મહારાષ્ટ્રથી બે પૈસા કમાવા આવેલા રાઈડ માલિકો 5 લાખની ખોટ ખાઈ ભૂખે મરવાના દિવસો કાઢી રહ્યા છે.