Friday, October 18News That Matters

ઘોલ-ચારોટી IRB ટોલનાકાની એમ્બ્યુલસના પીધેલા ડ્રાઇવરે 3ને કચડી નાખ્યા, બગવાડા IRB ટોલ એમ્બ્યુલન્સ વિહોણું?

મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ ઘોલ-ચારોટી નાકા પર IRB ની એમ્બ્યુલસના ડ્રાઇવરે બાઇક પર સવાર 3ને કચડી નાખતા એકનું મોત અને 2 ઘાયલ થયા હતા. આ મામલે મૃતક ના પરિવારને યોગ્ય વળતર આપવા 27મી ફેબ્રુઆરીએ વિવિધ સંગઠનો દ્વારા ઘોલ-ચારોટી પ્લાઝા બંધનું એલાન આપ્યું હતું. જે બાદ સફાળા જાગેલા IRB ના અધિકારીઓએ ગામલોકો-પોલીસ-વિવિધ સંગઠનોના નેતાઓ સાથે બેઠક કરી હતી. જેમાં 27મીનું બંધ આંદોલન મુલત્વી રાખવાનો નિર્ણય લેવાયો છે. અને 28મી ફેબ્રુઆરીએ IRB ના માલિક મહેશકર ખુદ ઘોલ-ચારોટી આવી ભોગ બનનાર પરિવારને મળી તેમની માંગણી સાંભળશે. આ બનાવમાં બગવડા ટોલ પ્લાઝાની એકમાત્ર એમ્બ્યુલસને પણ ચારોટી ટોલ પ્લાઝા પર મોકલી દેતા બગવાડા ટોલ પ્લાઝા ઇમર્જન્સી એમ્બ્યુલન્સ વિહોણું બન્યું છે.
મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર IRB દ્વારા ઉભા કરેલા ટોલ પ્લાઝા પર અવારનવાર અનેક બેદરકારી અને સરકારના નિયોમાંના ભંગ થતા આવ્યાં છે. જેનાથી વાહનચાલકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. જો કે 9મી ફેબ્રુઆરીએ IRB ના પાલઘર જિલ્લામાં આવેલ ઘોલ-ચારોટી ટોલ પ્લાઝાની એમ્બ્યુલન્સ ના ડ્રાઇવરે આચરેલું કૃત્ય અને તે બાદ તેને છાવરવામાં ટોલ પ્લાઝા ના અધિકારીઓએ ભજવેલ અમાનવીય ભૂમિકાએ ગામલોકોમાં આંદોલનની ચીંગારી ફૂંકી છે. 
રુવાંડા ઉભા કરતી આ ઘટના અંગે વાત કરીએ તો ઘોલ-ચારોટી ટોલ પ્લાઝા પર IRB એ હાઇવે પર અકસ્માતની ઘટના સમયે ઘાયલોને ઇમર્જન્સી સારવાર આપી હોસ્પિટલ પહોંચાડી શકાય એ માટે ડ્રાઇવર સહિતના સ્ટાફ સાથે એમ્બ્યુલન્સ રાખવી એ સરકારના અને નેશનલ હાઇવે ઓથોરિટીના નિયમ મુજબ એમ્બ્યુલન્સ અને ડ્રાઇવર તૈનાત કર્યા છે. જો કે આ એમ્બ્યુલસના ડ્રાઇવર ગણેશ કદમ અહીંના અધિકારીઓ-કર્મચારીઓ જેટલો જ બેદરકાર હોય 9મી ફેબ્રુઆરીએ કોઈને પણ જાણ કર્યા વિના એમ્બ્યુલન્સ લઈને નજીકના એક ગામમાં આયોજિત લગ્નપ્રસંગમાં ઉપડી ગયો હતો.
લગ્નપ્રસંગમાં ડ્રાઇવર ગણેશ ચિક્કાર દારૂ પી ને રાત્રે IRB ની એમ્બ્યુલન્સ લઈને પરત નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં નજીકના ગામનો તુકારામ સેલાત તેમની 9 વર્ષની બાળકી અને પત્ની સાથે પોતાના ઘરે આવી રહ્યા હતાં. દારૂ પીધેલી હાલતમાં એમ્બ્યુલસ હંકારીને પુરપાટ આવતા ગણેશ કદમે તેમની પર એમ્બ્યુલન્સ ચડાવી દીધી હતી. ગમખ્વાર અકસ્માતની ઘટનામાં તુકારામ નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની દીકરી કોમાં માં જતી રહી હતી. અને પત્ની પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
આ ઘાયલોને માનવતા ની ફરજે પણ હોસ્પિટલે લઈ જવાને બદલે અકસ્માત કરનાર એમ્બ્યુલસના ડ્રાઇવર ગણેશે એમ્બ્યુલસને પુરપાટ હંકારી ઘોલ-ચારોટી પ્લાઝા પર તેના મુખ્ય પાર્કિંગ સ્થળથી દૂર સંતાડી દીધી હતી. આ તરફ અકસ્માતમાં મૃતક તુકારામ અને ઘાયલ તેમની પત્ની-પુત્રીને કોઈ વાહન ટક્કર મારીને જતું રહ્યું હોય તેવું માની ગામના લોકોએ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી પોલીસ મથકમાં નોંધ કરાવી હતી. પોલીસે પણ અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધી પોતાનું કામ પૂરું માન્યું હતું.
જો કે અકસ્માતની આ ઘટના બાદ ગામલોકોએ અકસ્માત કરી ભાગી જનાર વાહનચાલકને શોધી કાઢવા અકસ્માત સ્થળે તપાસ કરતા ત્યાં એક વાહનનો બ્લ્યુ કલરનો એક પાર્ટ મળી આવ્યો હતો. આ પાર્ટ ક્યાં વાહનનો હોઈ શકે તેની છાનબીન કરતા એ એમ્બ્યુલસ નો હોવાનું જણાયું હતું. જો કે તે બાદની ઘટના ત્યારે પ્રકાશ માં આવી જ્યારે બીજા દિવસે ઘોલ-ચારોટી ટોલ પ્લાઝા નજીક હાઇવે પર એક કારને ટ્રકે ટક્કર મારી અને ઘાયલ કાર ચાલકને હોસ્પિટલે લઈ જવા નજીકના હોટેલ માલિકે IRB ની એમ્બ્યુલસ માટે ટોલ પ્લાઝના ઇમર્જન્સી નંબર પર ફોન કર્યો.
હાઇવે પર કારના અકસ્માત બાદ ટોલ પ્લાઝા ની એમ્બ્યુલન્સ 15 મિનિટમાં આવી જવી જોઈતી હતી પરંતુ એક કલાક બાદ પણ આવી નહિ અને ટોલ પ્લાઝા ના ઇમર્જન્સી કેસ હેન્ડલ કરતી કર્મચારીએ એમ્બ્યુલન્સ માટે પેટ્રોલિંગ યુનિટનો નંબર આપ્યો જેની સાથે વાત કરતા જાણવા મળ્યું કે ટોલ પ્લાઝા ની એમ્બ્યુલન્સ નો અકસ્માત થયો છે. આ વાત જાણ્યા બાદ તુકારામ ના પરિવારને નડેલા અકસ્માતના સ્થળેથી મળી આવેલ પાર્ટ્સ ને IRB ની અકસ્માતગ્રસ્ત એમ્બ્યુલસના પાર્ટ્સ સાથે સરખાવતા તે એક જ હોવાનું અને આ જ એમ્બ્યુલસના ડ્રાઇવરે અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું હતું. કે જેના કારણે તુકારામ નું મોત થયું હતું. એ એમ્બ્યુલન્સ વળી પાછી સમયસર હાઇવે પરના એક્સીડેન્ટ વખતે પણ નહીં પહોંચતા કાર ચાલકે પણ દમ તોડી દીધો હતો.
ઘટનામાં વળી બીજું ટ્વીસ્ટ એ આવ્યું કે તુકારામ ની બાઇકને અકસ્માત થયો તે બાદ પોલીસ ફરિયાદ અજાણ્યા વાહન ચાલક સામે નોંધાઇ હતી. જે વાહન ચાલક અને વાહન મળી ગયા બાદ તેને અલગથી નોંધ કરવામાં આવી એટલે IRB ની એમ્બ્યુલસનો ડ્રાઇવર ગણેશ કદમ એક જ દિવસમાં જામીન પર છૂટી ગયો. જ્યારે આ તરફ તુકારામ ની ઘાયલ પત્ની અને કોમાં માં રહેલી દીકરી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
જેઓની સારવારનો ખર્ચ ઉપાડવા પાલઘરનું આદિવાસી એકતા મિત્ર મંડળ, ભાજપ પાલઘર જિલ્લો, સુરજલ કાર્ય કાટકરી મહાસંઘના સભ્યો આગળ આવ્યા અને બનતી મદદ કરી તેમજ IRB દ્વારા મૃતક તુકારામ ના પરિવારને મદદરૂપ થાય 9 વર્ષની દીકરી અને પત્નીની તમામ સારવારનો તેમજ દીકરીના અભ્યાસનો અને લગ્ન સુધીનો ખર્ચ ઉપાડે તેવી માંગ સાથે પાલઘર જિલ્લા પોલીસ વડા, પાલઘર કલેકટર અને IRB ના અધિકારીઓને આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી કે જો IRB આ માંગ પુરી નહિ કરે તો 27મી ફેબ્રુઆરીએ ઘોલ-ચારોટી ટોલ પ્લાઝા બંધનું આંદોલન કરશે.
મૃતક તુકારામના પરિવારને મદદરૂપ થવા IRB એ શરૂઆત સારવારનો ખર્ચ આપવાની બાંહેધરી આપી હતી જો કે એ ખર્ચ વિવિધ સંગઠનોએ પહેલેથી જ અન્ય દાતાઓ મારફતે મેળવી સારવાર કરાવી રહ્યા હોય તુકારામ ની ઘાયલ પત્નીએ ન્યાયની અને તેમના પરિવારનો આધાર ખોયા બાદ IRB દ્વારા આપેલી મામુલી રકમ લેવાનો ઇનકાર કરી દીધો છે. જ્યારે વિવિધ સંગઠનોનું 27મી ફેબ્રુઆરી ટોલ પ્લાઝા બંધના એલાન બાદ ફફડી ગયેલા IRB ના અધિકારીઓએ પોલીસની હાજરીમાં સંગઠનો અને મૃતકના પરિવાર સાથે બેઠક કરી. જે બેઠકમાં કોઈ નિષ્કર્ષ નહિ નીકળતા મામલો છેક IRB ના માલિક મહેશકર સુધી પહોંચ્યો એટલે તેમણે 27મી નું આંદોલન રોકવા અને 28મી ફેબ્રુઆરીએ તેઓ પોતે ઘોલ-ચારોટી આવી આ ઘટનામાં મૃતક પરિવારને મળી સંગઠનની દરેક માંગ સાંભળશે અને બનતી મદદ કરવાની ખાતરી આપતા હાલ 27મીની ટોલ પ્લાઝા બંધ નું એલાન મોકૂફ રહ્યું છે.
આ આખી ઘટનામાં વલસાડ જિલ્લા માટે માઠાં સમાચાર એ છે કે  ઘોલ-ચારોટીના ઇમર્જન્સી એમ્બ્યુલન્સ ના અકસ્માત બાદ વાપી નજીક બગવાડા ટોલ પ્લાઝા પર ઇમર્જન્સી સેવા માટે ડ્રાઇવર સાથે કાર્યરત એમ્બ્યુલન્સ ને ચારોટી મોકલી દેવાઈ છે. હવે ન કરે નારાયણ અને જો આવી ઘટના વાપી આસપાસ હાઇવે પર બનશે તો ઇમર્જન્સી માટે ખાનગી એમ્બ્યુલન્સ નો અથવા તો 108નો સહારો લેવો પડશે.
ઉલ્લેખનીય છે કે, IRB ના ઘોલ-ચારોટી ટોલ પ્લાઝા હોય કે બગવાડા ટોલ પ્લાઝા આ દરેક ટોલ પ્લાઝા પર અનેકવાર આવા બનાવો બની ચુક્યા છે. ટોલ પ્લાઝા પર અવારનવાર અનેક બેદરકારી અને સરકારના નિયોમાંના ભંગ થતા આવ્યાં છે. જેનાથી વાહનચાલકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. અનેકવાર ઇમર્જન્સી વખતે એમ્બ્યુલન્સ આવતી નથી. સારવાર માટે રખાયેલ સ્ટાફ પાસે ક્યારેક મેડીકલની કોઈ ડીગ્રી નથી હોતી. ક્યારેક તો ઇમર્જન્સી સારવાર માટે રખાયેલ દવા પણ એક્સપાયરી ડેટ હોવાનું સામે આવ્યું છે. ટોલ પ્લાઝા પર અકસ્માત કે આગની ઘટના સમયે પણ પૂરતા સેફટીના સાધનો તો ઠીક સરકારના નિયમ મુજબ વાહનચાલકો માટે સારા શૌચાલયની પણ સુવિધા ના હોવાના આક્ષેપો વહનચાલકોએ કર્યા છે. ત્યારે ઘોલ-ચારોટી ટોલ પ્લાઝા સામે પાલઘરના લોકોએ ફંકેલું આંદોલનનું રણશીંગુ આગામી દિવસોમાં બગવાડા જેવા ટોલ નાકે પણ પહોંચી શકે છે કેમ કે irb ના અધિકારીઓની બેદરકારી અહીં પણ મોટી આફતને તેંડુ આપે તેવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *