Friday, January 31News That Matters

રાજ્યમાં રાત્રી કરફ્યુ ને બદલે કોવિડ ટેસ્ટ વધારો, વલસાડ કોંગ્રેસ

દેશ સહિત ગુજરાત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર હાહાકાર મચાવી રહી છે. ત્યારે ભાજપની સરકાર પોતાની નિષ્ફળતા છુપાવી રાત્રી કરફ્યુ અમલમાં મૂકી જનતાને પરેશાન કરી રહી છે. હકીકતે સરકારે દરેક શહેરમાં વધુમાં વધુ કોવિડ ટેસ્ટ થાય તેવી સુવિધા ઉભી કરવી જોઈએ તેવા આક્ષેપ વલસાડ જિલ્લા કોંગ્રેસે કર્યા છે.
ગુજરાતમાં સતત વધતા કોરોના પોઝિટવ કેસ બાદ સરકારે 27 જેટલા શહેરોમાં રાત્રીના 10 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ અમલમાં મુક્યો છે. ત્યારે આ પ્રકારે પ્રજાને પરેશાન કરવાને બદલે કોવિડ ટેસ્ટ ની સુવિધા વધારવી જોઈએ તેવી માંગ સાથે વલસાડ જિલ્લા કોંગ્રેસે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા છે. કે સરકાર તેમની નિષ્ફળતા છુપાવવા રાત્રી કરફ્યુ લગાવે છે.
વાપીમાં આ અંગે કોંગ્રેસના વાપી શહેર પ્રમુખ નિમેષ વશીએ જણાવ્યું હતું કે, ભારતની જેમ જ ચીન અને અમેરિકામાં કોરોનાના કેસ વધ્યા છે. ત્યાંની સરકારે કરફ્યુ અમલમાં મુકવાને બદલે રોજમાં એક કરોડ ટેસ્ટ કરી શકાય તેવી સુવિધા ઉભી કરી છે. જેનાથી કોવિડ ફેલાવવા પર નિયંત્રણ આવ્યું છે. જ્યારે ગુજરાત સરકાર આ મામલે પોતાની નિષ્ફળતા છુપાવવા રાત્રી કરફ્યુ લગાવે છે.
આવા કરફ્યુથી જે વ્યક્તિ ઇમરજન્સી માટે બહાર નીકળે છે. અથવા તો ટ્રેનના સમય મુજબ નીકળે છે. કે નોકરી અર્થે શિફ્ટમાં કામ કરવા ઘર બહાર નીકળે છે તે દંડાઈ રહ્યા છે. અને કોરોના વકરી રહ્યો છે. જો સરકાર ખરેખર કોરોના પર નિયંત્રણ મેળવવા માંગતી હોય તો તેમણે આવા રાત્રી કરફ્યુ ના ફતવા બહાર પાડવાને બદલે દરેક શહેર અને દરેક વિસ્તારમાં કોરોના ટેસ્ટની સુવિધાઓ વધારવી જોઈએ જો તેવું થશે તો લોકોમા જાગૃતી આવશે કોવિડ પર નિયંત્રણ આવશે. લોકો પણ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સહિતના જરૂરી પગલાં અંગે સભાન બનશે.
શહેર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે આ મામલે સરકાર જાગે, કોરોના મામલે કઈક કરી રહી છે તેવું બતાવવા રાત્રી કરફ્યુ અમલમાં મૂકવાને બદલે કોવિડ ટેસ્ટની સુવિધા વધારે તે માટે અમે કોંગ્રેસના મોવડીઓ સાથે પણ રજુઆત કરીશું અને તેમના દ્વારા સરકારમાં રજુઆત કરીશું જેથી કરફ્યુ ના ફતવાને બદલે સરકાર કોરોના ટેસ્ટ અંગેની સુવિધાઓમાં વધારો કરે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *