વર્ષ 2022ના પહેલા જ દિવસે બોગસ NGOનો લેટર લઈને કેટલીક મહિલાઓ દમણમાં સગીરાઓ સાથે ઉઘરાણી કરવા નીકળી પડી હતી, જેમાની એક મહિલા દમણની સરકારી કોલેજ સામે ઉભી રહીને કોલેજમાં આવતા જતા વિદ્યાર્થીઓ સામે કાકલૂદી ભર્યા ચહેરે 20 થી 50 રૂપિયાની ઉઘરાણી કરતી નજરે ચઢી હતી.
વલસાડ જિલ્લામાં અને દમણમાં અવારનવાર કેટલીક મહિલાઓ NGO ના ખોટા પત્ર બતાવી શહેરીજનોને લૂંટતી હોય છે. આવી ગેંગ સામે આ પહેલા અનેકવાર લોકોએ જાગૃતિ બતાવી ભગાડી છે. જે બાદ દમણમાં ફરી નવા વર્ષના પ્રથમ દિવસે જ આવી મહિલાઓ સક્રિય થઈ છે. દમણમાં શનિવારે ત્રણ નાની ઉંમરની સગીરાઓ સાથે એક મહિલા કોલેજના વિદ્યાર્થીઓ પાસે પૈસાની ઉઘરાણી કરતી હતી. મહિલા રોડ પર આવતા જતા વાહન ચાલકોને ઉભા રાખીને બોગસ લેટરની કોપી બતાવતી હતી.
સવારથી બપોર સુધી આ મહિલા કોલેજના ગેટ સામે જ ઉભી રહીને અનેક લોકો પાસે ઇમોશનલી બ્લેકમેઇલ કરીને નાણાં ઉઘરાવતી હતી, જે બાદ મીડિયાના પ્રતિનિધીઓએ મહિલાને પૂછતાં તેણે પોતે જ બનાવેલા એક NGOનો લેટર બતાવ્યો હતો, અને તે નાના બાળકોના કપડાં અને અનાજ માટે ફંડ જમા કરી રહી છે એમ જણાવ્યું હતું, પરંતુ આ NGOનું રજીસ્ટ્રેશન છે કે નહિ એ બાબતે પૂછતાં મહિલા રઘવાઈ બની હતી, અને અમે દર વર્ષે દમણમાં ફંડ ઉઘરાવવા આવીયે છીએ અને તમે અમને હેરાન કરી રહ્યા છો એવો ઉલ્ટા ચોર કોટવાળને દંડે એવો આરોપ મુક્યો હતો,
જો કે પત્રકારોએ આગળ સવાલો પૂછ્યે રાખતા તેણે પોતે અંકલેશ્વરથી આવી છે, અને દમણમાં પહેલીવાર જ આવી છે નો રાગ આલાપ્યો હતો, અંતે અહીં કોઈ દાળ નહિ ગળે એમ સમજીને મહિલા તેની સાથે લાવેલી સગીરાઓને લઈને કોઈ અન્ય સ્થળે ફર્જી એનજીઓની દુકાન ખોલવા ચાલતી પકડતા વિદ્યાર્થીઓ લૂંટાતા બચ્યા હતા.
મળતી માહિતી મુજબ આ મહિલાની આખી ટોળકી વાપીમાં રહે છે. અને દરરોજ દમણને જોડતા અલગ અલગ માર્ગો પર ઉભી રહીને આવતા જતા રાહદારીઓ પાસે ક્યારેક આંસૂ સારીને તો ક્યારેક કડકાઈ દાખવીને નાણા ઉઘરાવવાનું કામ કરે છે.
જો કે નવાઈની વાત તો એ છે કે દમણની 55 વર્ષ જૂની આ સરકારી કોલેજમાં એક પણ સિક્યુરિટી ગાર્ડ નથી. કોલેજમાં હાઉસીકીપિંગ કરતી મહિલાઓ સિક્યુરિટીનો વધારાનો હવાલો પણ નિભાવી રહી છે. આ બાબતે કોલેજના આચાર્ય સાથે વાત કરતા તેમણે દિવસમાં કોઈ ગાર્ડ નથી માત્ર રાત્રે જ ગાર્ડ રાખવામાં આવે છે તેમ જણાવ્યું હતું. પરંતુ હકીકતે કોલેજમાં સિક્યુરિટી ગાર્ડ રાખવા માટે દોઢ વર્ષથી પ્રોસેસ ચાલી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવ્યો નથી, જેને લીધે કોલેજના વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પણ સવાલો ઉઠ્યા છે, અહીં કોઈ જ રોકવાવાળું ન હોવાથી અવારનવાર વિદ્યાર્થીનીઓની છેડતી અને મારામારીના બનાવો પણ બની ચુક્યા છે,
શહેરના રોડ રોમીયો દરરોજ સરકારી કોલેજની આસપાસ જ આંટાફેરા મારતા નજરે ચઢતા હોય છે, ત્યારે ખુબ જ પંકાઈ ચુકેલી દમણની સરકારી કોલેજના વિદ્યાર્થીઓની સુરક્ષા અને શાંતિ માટે વહીવટી તંત્ર કોલેજની વર્ષોથી ખાલી પડેલી કેબિનમાં એક સિક્યુરિટી ગાર્ડ બેસાડે અને ખાડે ગયેલા કોલેજ મેનેજમેન્ટમાં સુધારો લાવે તેવી માંગ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉઠી રહી છે.