કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં લોકસભા સીટના અપક્ષ સાંસદ મોહન ડેલકરના આકસ્મિક નિધન બાદ 30મી ઓક્ટોબરે લોકસભાની પેટા ચૂંટણીનું મતદાન છે. જે માટે 1લી ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર દરમ્યાન ઉમેદવારનું નામ જાહેર કરી ફોર્મ ભરવાનું છે. આ પ્રક્રિયા પુરી કરવા અને ચૂંટણીમાં ભાજપ તરફી ચૂંટણી પ્રચાર કરવા, કાર્યકરો સાથે ચૂંટણીની સમીક્ષા કરવા આવેલા કેન્દ્રીય રેલ પ્રધાન અને પેટા ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્ણવ સામે ઉમેદવારનું નામ જાહેર કરવામાં અનેક પડકારો આવતા ગુપ્ત બેઠકમાં દાવેદારી માટે ચાલતી અટકળોનો અંત આણ્યો હતો. પણ ઉમેદવારને ટીકીટ આપવાનું કોકડું ગુંચવાયું ગયુ છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા સીટની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનું નામ જાહેર કરવા સોમવારે ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવ દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્યાં હતાં. વૈષ્ણવે દાદરા નગર હવેલીમાં કાર્યકરો સાથે બેઠક યોજતા પૂર્વે મોવડીઓ કોર કમિટીમાં ગુપ્ત ચર્ચા કરી હતી. જો કે સવારથી સાંજ સુધી કાર્યકરો સાથે બેઠકનો દૌર ચલાવ્યા બાદ પણ ટીકીટ આપવા મામલે કોઇ નિર્ણય લેવાયો નથી અને તે અંગે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે નામ જાહેર કરવા તે ફરી મીડિયા સમક્ષ આવશે.
લોકસભા સીટના અપક્ષ સાંસદ મોહન ડેલકરના આકસ્મિક નિધન બાદ 30મી ઓક્ટોબરે દાદરા નગર હવેલી લોકસભા સીટ માટે પેટા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં દરેક પક્ષોએ 8મી ઓક્ટોબર સુધીમાં પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી ફોર્મ ભરાવવું ફરજીયાત છે. જે અંગે ક્યાં ઉમેદવારને ટીકીટ આપવી તેની ચર્ચા કરવા અને ચૂંટણી પ્રચાર કરવા ભાજપના સહપ્રભારી એવા ગુજરાતના પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા, નવસારીના ધારાસભ્ય પિયુષ પટેલ સાથે આવેલા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે દાદરા નગર હવેલીની પેટા ચૂંટણી પક્ષ માટે મહત્વની ચૂંટણી છે. જે જીતવા તેઓ તૈયાર છે. કાર્યકરોમાં જોશ છે. જનતાનો વિશ્વાસ જીતવા ભાજપ મેદાનમાં ઉતર્યું છે. અને જીત મેળવીને રહેશે.
જો કે ઉમેદવારનું નામ જાહેર કરવા ફરી પાછા આવવાની વાત કરતા ચૂંટણી પ્રભારીએ જણાવ્યું હતું કે, જનતા સમક્ષ લોકસભાની આ પેટા ચૂંટણીમાં ભાજપ વિકાસના મુદ્દા પર તેમજ દાદરા નગર હવેલીની સંસ્કૃતિ-ઇતિહાસને જાળવી રાખી આ પ્રદેશને વિકાસની ઉંચાઈએ લઈ જવાની નેમ ધરાવે છે. પ્રદેશમાં મોટાપાયે ધમધમતા ઔદ્યોગિકરણને નવી દિશા આપવી. દરેક નાગરિકને રોજગારી, જન સુવિધા જેવા મુદ્દાઓ પર ચૂંટણી લડી રહ્યા છે. તો અભિનવ ડેલકરની ભાજપ ટીકીટ આપી રહી છે. તેવી ઉડેલી ચર્ચા પર તેમણે ભાજપનું સંગઠન ખૂબ જ મજબૂત છે. કાર્યકરો ના બળ પર પક્ષને વિશ્વાસ છે. ભાજપ રાષ્ટ્ર પ્રથમ સદૈવ પ્રથમની ભાવનાથી ચૂંટણી લડે છે. તેમની લડત આઇડીયોલોજીકલ લડત છે. તેમની જીત કાર્યકરોની જીત હશે. તેવું જણાવી અભિનવ મામલે ચાલતી અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે દાદરા નગર હવેલીની લોકસભાની પેટા ચૂંટણીમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પૂર્વ સાંસદ નટુભાઇ પટેલ, પ્રદેશ મહામંત્રી જીતુ માઢા, અને જિલ્લા પંચાયત ના પૂર્વ ઉપપ્રમુખ મહેશ ગાવિતના નામોની ચર્ચા ચાલી રહી છે. પરંતુ, મુખ્ય લોકસભા ચૂંટણી આડે પણ માંડ 2 અઢી વર્ષનો સમય બાકી હોય આ પેટા ચૂંટણીમાં એટલા સમય માટે કરોડોનો ધુમાડો કોણ કરે? અને એ બાદ ફરી ટીકીટ ના મળે તો હવાતિયાં મારવાનો વખત આવે એવી ગણતરીએ ટિકિટની માંગણી કરનાર કાર્યકરોએ કેટલીક શરતો પક્ષ સમક્ષ મૂકી હતી. જેને લઈને હાલ ઉમેદવારનું નામ જાહેર કરવાનું કોકડું ગુંચવાયું છે. જે અંગે હવે બાકી બચેલા 3 દિવસમાં મોવડીઓ જ કોઈ નિર્ણય લઈ યોગ્ય મુરતીયાને ટીકીટ આપશે અને તે સર્વ માન્ય હશે તેવી ચર્ચાએ જોર પકડયું છે.