વાપી ટાઉન પોલીસ વિસ્તારના ચલા પ્રમુખ ગ્રીનના 10માં માળે ફ્લેટમાં IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 6 સટોડીયાઓને પોલીસે દબોચી લીધા છે. સટોડીયાઓ પાસેથી પોલીસે કાર, મોબાઈલ, લેપટોપ સહિત કુલ 41,87,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલ સટોડીયાઓમાં તમામ મૂળ મુંબઈના વતની છે. અને વાપીના પોશ ગણાતા પ્રમુખ ગ્રીન બિલ્ડીંગમાં ફ્લેટ ખરીદી 18 દિવસથી સટ્ટા બેટિંગનો કારભાર ચલાવતા હતાં.
આ અંગે વાપી ટાઉન પોલીસે આપેલ વિગતો મુજબ ટાઉન પોલીસના પોલીસ ઇન્સ્પેકટર બી. જે. સરવૈયા તથા PSI એચ. પી. ગામીતને બાતમી મળી હતી કે ચલામાં આવેલ પ્રમુખ ગ્રીનમાં કેટલાક સટોડીયાઓ IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડે છે. આ બાતમી આધારે પોલીસે 30મી સપ્ટેમ્બરના રાત્રે પ્રમુખ ગ્રીનમાં B-1 ટાવરના 10માં માળે ફ્લેટ નંબર 1002માં રેઇડ કરી હતી.
પોલીસની રેઇડ દરમ્યાન સટોડીયાઓ સનરાઈઝ હૈદરાબાદ વર્સીસ ચેન્નાઇ સુપરકિંગની IPL મેચ પર મોબાઈલના માધ્યમથી ઓનલાઈન સટ્ટો રમતા હતાં. પોલીસે તમામને જુગારધાર કલમ હેઠળ દબોચી લીધા હતાં. જેમાં પકડાયેલ સટોડીયા મનન અનિલ નાયક, અમિત અનિલ નાયક રહેવાસી બોરીવલી મુંબઈ, જતીન નંદલાલ નેલવાલ, અજય જ્ઞાનદેવ કદમ, અરવિંદ શ્રીનાથ ચતુર્વેદી, અંકિત આત્મારામ રામાણે તમામ રહેવાસી મુંબઈ મહારાષ્ટ્રના હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે તમામ 6 સટોડીયાઓને ઝડપવા સાથે ફ્લેટમાંથી રોકડા રૂપિયા 1.37 લાખ ઉપરાંત ઓનલાઈન જુગાર રમાડવા માટે 4.70 લાખના 77 મોબાઈલ જેમાં આઈફોન, સેમસંગ સહિતની બ્રાન્ડના ફોન હતાં. 35 હજારના 7 મોનીટર, 2 લાખના 5 લેપટોપ, 10 હજારનું ટેબ્લેટ, 10 હજારનું પ્રિન્ટર, 30 લાખની એન્ડેવિયર કાર, 2.50ની સ્વીફ્ટ કાર, વાઇફાઇ રાઉટર, 28 સીમકાર્ડ સહિત કુલ 41,87,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સટોડીયાઓ પાસેથી જપ્ત કરેલ મોબાઈલ, લેપટોપ અને કાર….
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે સટોડીયાઓની આ ગેંગનો મુખ્ય સૂત્રધાર મનન અનિલ નાયક છે. જે વર્ષોથી સટ્ટા બેટિંગ સાથે સંકળાયેલ રીઢો સટોડીયો છે. અને વર્ષ 2017માં પ્રમુખ ગ્રીન જેવી હાઇફાઈ સોસાયટીમાં પોતાના નામે ફ્લેટ ખરીદ્યો હતો. મનનને 2012માં મુંબઈ પોલીસે પણ સટ્ટા બેટિંગના જુગાર માં પકડી પાડ્યો હતો. આ તમામ સટોડીયાલ હાઈ પ્રોફાઈલ સોસાયટીમાં અદ્યતન કમ્પ્યુટર સિસ્ટમ, 55ઇંચના 50 હજારની કિંમતના LED tv પર IPL Live મેચ પર સટ્ટા બેટિંગનો જુગાર રમાડતા હતાં. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.