સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેલ મધુબન ડેમ અને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલ કુર્ઝે ડેમમાંથી ભારે વરસાદને કારણે પાણી છોડાયુ છે. મધુબન ડેમમાંથી 1,79,248 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. જ્યારે કુર્ઝે ડેમમાંથી 2600થી વધુ ક્યુસેક પાણી સંજાણ નજીક વારોલી નદીમાં છોડાયું છે. જેને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્રએ ઉમરગામ તાલુકામાં 10 જેટલા અને વાપી તાલુકાના ત્રણ જેટલા ગામમાં એલર્ટ આપી લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે.
વલસાડ જિલ્લાના સૌથી મોટા ડેમ ગણાતા મધુબન ડેમના ઉપરવાસમાં બુધવારે ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે ડેમમાં 1,92,358 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે મધુબન ડેમનું વોર્નિંગ લેવલ 79.86 મીટર સામે હાલનું લેવલ 79.55 મીટર પર હોય ડેમના તમામ 10 દરવાજા 3.20 મીટર સુધી ખોલીને દમણગંગા નદીમાં 1.79 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

જો કે 3 વાગ્યા બાદ પાણીનો પ્રવાહ ઘટ્યો છે. 3 વાગ્યા બાદ મધુબન ડેમમાં પાણીની આવક 1,71,091 થઈ હતી. જ્યારે જાવક ઘટીને 1,78,880 ક્યુસેક થઈ હતી. મધુબન ડેમનું વોર્નિંગ લેવલ 79.86 છે. જેની સામે હાલનું લેવલ પ્રવાહ ઘટતા 79.50 થયું છે. મધુબન ડેમનું ડેન્જર લેવલ 82.40 છે. ડેમમાંથી છોડાયેલ પાણીની એલર્ટ 2.50 લાખ ક્યુસેક છે. ભારે વરસાદને કારણે દાદરા નગર હવેલીના અથાલ બ્રિજ પાસે 29 મીટરના વોર્નિંગ લેવલની ઉપર 30.700 મીટર ના ડેન્જર લેવલથી પણ વધુ લેવલે ધસમસતો પાણીનો પ્રવાહ દમણગંગા નદીમાં વહી રહ્યો છે.

પોણા બે લાખ ક્યુસેકથી વધુ પાણી દમણગંગા નદીમાં ઠલવાઇ રહ્યું હોય વાપી નજીક દમણગંગા વિયર છલકાયો છે. અહીં દરિયામાં ઉછળતા મોજાથી પણ વધુ ઊંચા મોજા સાથે ધોધમાર પાણી દમણના દરિયામાં વહી રહ્યું છે. જો કે કરોડો લીટર પાણીનું પુર વહેતુ હોવા છતાં નદી કાંઠે સ્થાનિક યુવાનો માછલાં પકડવામાં મશગુલ છે. જ્યારે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય બ્રાહ્મણો નદી કાંઠે પુરના ઉછળતા પાણીના સાનિધ્યમાં પિતૃ તર્પણ કરી રહ્યા છે.

ભારે પાણીની આવક દમણગંગા નદીમાં આવતી હોય વલસાડ વહીવટીતંત્ર અને દાદરા નગર હવેલી વહીવટીતંત્ર એ લોકોને નદી કાંઠાથી દૂર રહેવા સૂચના આપી છે. તો, દમણગંગા નદી કાંઠા વિસ્તારમાં ઉમરગામ તાલુકાના અચ્છારી, વલવાડા, બોરીગામ, મોહનગામ, કરમબેલા સહિતના ગામોમાં લોકોને સાવચેત રહેવા એલર્ટ અપાયું છે. જ્યારે વાપી તાલુકાના લવાછા, ચણોદ, ડુંગરા, નામધા, ચંડોર ગામના લોકોનો પણ સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

મધુબન ડેમની જેમ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના કુર્ઝે ડેમ માંથી પણ અંદાજિત 2600 ક્યુસેક પાણી વારોલી નદીમાં છોડવામાં આવ્યુ છે. વારોલી નદી ઉમરગામના સંજાણ, હુમરણ, ટીમ્ભી, ભાઠી કરમબેલી ગામ કાંઠા વિસ્તારના ગામો હોય એ ગામોમાં પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.