વાપીમાં આવેલ ફોર્ચ્યુન ગેલેક્ષી હોટેલમાં શિલ્પકાર બીના પટેલ દ્વારા 4 દિવસીય વારલી ચિત્રકલાનું એક્ઝિબિશન આયોજિત કરવામાં આવ્યું છે. વારલી આદિવાસીઓની આ ચિત્રકલા ધીરેધીરે લુપ્ત થઈ રહી છે. આ કલાને જીવંત રાખવા બીનાબેન છેલ્લા 28 વર્ષથી વારલી ચિત્રકલાના અનેક અદભુત ચિત્રોનું પ્રદર્શન યોજી તે અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છે.
વલસાડ જિલ્લાના પારડી ખાતે જન્મેલા અને હાલ ગાંધીનગરમાં રહેતા બીના પટેલે બરોડા યુનિવર્સિટીમાંથી શિલ્પકલામાં ફાઇન આર્ટસ કર્યું છે. જેઓ છેલ્લા 28 વર્ષથી વારલી ચિત્રકલાના અદભુત ચિત્રો બનાવી આ કલાને જીવંત રાખવા પ્રયાસ કરી રહ્યા છે. અલગ અલગ શહેરોમાં તેમના વારલી ચિત્રોનું એક્ઝિબિશન પણ યોજે છે. આવું જ તેમનું 23મુ એક્ઝિબિશન વાપીમાં આવેલ ફોર્ચ્યુન ગેલેક્ષી હોટેલમાં યોજયું છે. આ 4 દિવસીય વારલી ચિત્રકલાના એક્ઝિબિશનનું વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા સહિતના મહાનુભાવોના હસ્તે 1લી માર્ચના ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એક્ઝિબિશનમાં અનેક મનમોહક વારલી ચિત્રો પ્રદર્શનમાં મુક્યા છે.
શિલ્પકાર બીનાબેન પટેલે જણાવ્યું હતું કે, 1996માં વારલી ચિત્રકલા ઉપર તેમની કોલેજમાં એક Demonstration યોજાયું હતું. જે જોઈ આ અદભુત કલા પ્રત્યે આકર્ષાયા હતાં. છેલ્લા 28 વર્ષથી તેઓ આ ચિત્રકલા હેઠળ અવનવા ચિત્રો તૈયાર કરે છે. આ વારલી ચિત્રકલા જીવતી રહે, તે કલા શીખી લોકો રોજગારી મેળવે. આ કલા સાથે સંકળાયેલ આદિવાસી સમાજને આજીવિકા મળે તેવા પ્રયાસ કરી રહ્યા છે. સમાજમાં જાગૃતિ કેળવવા એક્ઝિબિશનનું આયોજન પણ કરતા રહે છે. આ એક્ઝિબિશન તેમનું 23મુ એક્ઝિબિશન છે.
વારલી ચિત્રકલાના મૂળ અંગે તેઓએ જણાવ્યું હતું કે, વારલ એટલે જમીનનો ટુકડો. તે જમીન પર જે ખેતી કરે તે વારલી આદિવાસી અને તેઓ જે ચિત્રકલા કરતા હતાં તે વારલી ચિત્રકલા. આ વારલી ચિત્રકલા મોટેભાગે તેઓના ઘર, ઝુંપડી બહાર કે અંદરના ભાગે છાણ-માટીના લિપણ પર ભૌમિતિક અકારમાં કરતા હતાં. આ ચિત્રો બનાવવા તેઓ મોટેભાગે ચોખાને 24 કલાક પલાળી તેની પેસ્ટ બનાવી એ પેસ્ટને બામ્બુ સ્ટીકની કે હાથની આંગળીની મદદથી બનાવતા હતાં.
વારલી ચિત્રોમાં મોટેભાગે રોજબરોજની જે જીવનશૈલી છે. જે દિનચર્યા છે. આસપાસના જે દ્રશ્યો છે. તને ભૌમિતિક આકારમાં નિરૂપવામાં આવતા હતાં. જેમાં વિવિધ માનવીય હાવભાવ પણ પ્રદર્શીત કરવામાં આવતા હતાં. જો કે, આજકાલ સિમેન્ટ કોન્ક્રીટના આધુનિક ઘરોમાં તેના ચિત્રોને ફોટોફ્રેમમાં રાખવામાં આવે છે. જે માટે બીનાબેન પટેલ આ વારલી ચિત્રોને કેનવાસ માટે એક્રેલીક કલરમાં અને પેપર માટે પોસ્ટર કલરમાં તૈયાર કરે છે. બીનાબેન પટેલે તૈયાર કરેલા અદભુત વારલી ચિત્રોને નિહાળવા મોટી સંખ્યામાં કલારસિકો ઉપસ્થિત રહે છે. તેમના ચિત્રોની સરાહના કરે છે.
ઉલ્લેખનીય છે કે, વારલી પેઇન્ટિંગ્સ માં ગ્રામીણ જીવનની ગહન અભિવ્યક્તિ વ્યક્ત થાય છે. આ અમૂલ્ય વિરાસતને જાળવી રાખવા બીનાબેન પટેલના પ્રયાસની સરાહના સમાજના દરેક વર્ગે કરવી આવશ્યક છે. આ કલાના કારીગરોને અને કલા ને યોગ્ય પ્રોત્સાહન મળે તે માટે દરેકે ટેકો આપવો જરૂરી છે.