વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં રવિવારની રાત્રિથી સતત વરસાદ વરસી રહ્યો છે. સોમવારે બપોરના 12 વાગ્યા સુધીના 6 કલાકમાં પંથકમાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે મધુબન ડેમના ઉપરવાસમાંથી સતત 1.40 લાખ ક્યુસેક પાણીની આવક થતી હોય ડેમનું લેવલ 78.40 મીટરે સ્થિર રાખી ડેમના 10 દરવાજા 2.20 મીટર સુધી ખોલવામાં આવ્યાં છે. હાલમાં 1.18 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લા કલેકટર દ્વારા કપરાડા, ધરમપુર, ઉમરગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોઝવે ધરાવતા 27 માર્ગો પર વાહનવ્યવહાર બંધ કરાયો છે.
રવિવારની રાત્રિથી વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં ક્યાંક પવન અને ગાજવીજ સાથે ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સોમવારે વાપીમાં ભારે પવન સાથે વરસાદ વરસતા સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 44mm વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓની વાત કરીએ તો 6 કલાકમાં ઉમરગામમાં 36mm, કપરાડામાં 75mm, ધરમપુર માં સૌથી વધુ 88 mm, પારડી માં 9mm, વલસાડમાં 4mm વરસાદ વરસ્યો છે. જેને પગલે વલસાડ જિલ્લા કલેકટરે કપરાડા, ધરમપુર, પારડી, વલસાડ અને ઉમરગામના ગ્રામ્ય વિસ્તારની જોડતા રસ્તાઓ પર બનેલ કોઝવે પર પાણી ફરી વળતા 27 જેટલા ગ્રામ્ય રસ્તાઓ પર અવરજવર નહિ કરવા લોકોને સૂચના આપી છે.
આ તરફ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં અને દમણમાં સોમવારે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો દમણમાં અત્યાર સુધીમાં કુલ 89 ઇંચ સાથે 107 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે દાદરા નગર હવેલીના ખાનવેલમાં 79 ઇંચ, સેલવાસમાં 74 ઇંચ સાથે સરેરાશ સિઝનનો 76 ઇંચ વરસાદ નોંધાયો છે. સેલવાસમાં સિઝનનો 88ટકા તો, વલસાડ જિલ્લામાં સિઝનનો સરેરાશ 90 ટકા વરસાદ નોંધાયો છે.
વલસાડ જિલ્લામાં તાલુકા મુજબ સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો ઉમરગામ તાલુકામાં સિઝનનો કુલ 83 ઇંચ વરસાદ વરસતા 106 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કપરાડા તાલુકામાં સિઝનનો કુલ 77 ઈંચ વરસાદ નોંધાયો છે. ધરમપુર તાલુકામાં અત્યાર સુધીમાં 67 ઇંચ વરસાદ પડી ચુક્યો છે. પારડીમાં 61 ઇંચ, વલસાડ તાલુકામાં 62 ઇંચ સિઝનનો વરસાદ નોંધાયો છે. જ્યારે વાપીમાં સીઝનના કુલ 90 ટકા વરસાદ સાથે અત્યાર સુધીમાં કુલ 78 ઇંચ વરસાદ નોંધાઇ ચુક્યો છે.
સતત વરસતા વરસાદને કારણે મધુબન ડેમમાં પણ નવા નિરની આવકમાં વધારો થયો છે. ડેમના કેચમેન્ટ એરિયામાં વરસતા વરસાદને કારણે ડેમનું રુલ લેવલ 78.40 મીટર પર સ્થિર રાખી 1.40 લાખ ક્યુસેક પાણીની આવક સામે ડેમના તમામ 10 દરવાજા 2.20 મીટરે ખોલી 1.18 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે મધુબન ડેમનું વોર્નિંગ લેવલ 79.86 મીટર છે. જ્યારે હાલમાં 78.40 મીટર સુધી ડેમ વરસાદી પાણીથી છલોછલ ભરાયેલ છે. ડેમની કુલ પાણીની સંગ્રહ ક્ષમતા 520 MCM છે. ડેન્જર લેવલ 82.40 મીટર છે. ડેમમાંથી હાલ 1.18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે ડિસ્ચાર્જ વોર્નિંગ 2.50 લાખ ક્યુસેક પર હોય હાલમાં તંત્ર તરફથી કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી. પરંતુ કાંઠા વિસ્તારથી લોકોને દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.