મુખ્યમંત્રીએ નવરચિત વાપી, નવસારી અને ગાંધીધામ મહાનગરપાલિકામાં વહીવટી ક્ષમતાવર્ધન માટે કોમ્પ્યુટર અને સ્કેનર, પ્રોજેક્ટર સુવિધા સહિત મીટીંગ હોલ, જી-સ્વાન સેટઅપ, ઓફિસ બિલ્ડીંગ અને ફર્નિચર, સહિતના કામો માટે પ્રત્યેકને રૂ.10-10 કરોડ ફાળવ્યા છે. આ ઉપરાંત વાપી મહાનગરપાલિકામાં સિટી બ્યુટિફિકેશન અને સફાઈ કામગીરી માટે રૂ. 11.50 કરોડ મળી કુલ 21.50 કરોડ ફાળવ્યા છે. તથા નવસારીને રૂ. 10 કરોડ અને ગાંધીધામ મહાનગરપાલિકાને રૂ. 10 કરોડની મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરમાં નવી મહાનગરપાલિકાઓની રચનાની જાહેરાત સાથે જ આ મહાનગરપાલિકાઓને ત્વરાએ સક્ષમતાથી જન સેવા કામો માટે કાર્યરત થવા પુરતું માનવ સંસાધન પૂરું પાડ્યું છે.
મુખ્યમંત્રીએ હવે, આ નવરચિત મહાનગરપાલિકાઓ નગરજનોની જન સુખાકારી માટેના કામો પણ ફુલ ફલેજ્ડ હાથ ધરી શકે તે માટે વહીવટી ક્ષમતાવર્ધન અને સાધન સામગ્રી સહિતની આંતરમાળખાકીય સુવિધા માટે છ મહાનગરપાલિકાઓ માટે 208 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી રચાયેલી આણંદ, નડિયાદ, મોરબી, વાપી, નવસારી અને ગાંધીધામ એમ છ મહાનગરપાલિકાઓ સહિત સુરત, રાજકોટ, વડોદરા અને જામનગર તથા ભાવનગર મહાનગરપાલિકા અને પાટણ, વડનગર, સિદ્ધપુર અને કડી નગરપાલિકાને એક જ દિવસમાં સમગ્રતયા 710 કરોડ રૂપિયા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વિકાસ કામો માટે મંજૂર કર્યા છે.
તદઅનુસાર, આણંદ મહાનગરપાલિકામાં સિટી બ્યુટિફિકેશન અને સફાઈ કામગીરી અંતર્ગત સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તા, વેસ્ટ કલેક્શન અને ડિસ્પોઝલ, શહેરી બ્યુટિફિકેશન અને IEC પ્રવૃત્તિઓ માટે રૂ. 10 કરોડ તેમજ મહાનગરપાલિકાની વહીવટી ક્ષમતામાં વધારો કરવાના કામો અંતર્ગત ઇન્ફોર્મેશન ટેકનોલૉજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો હાથ ધરવા માટે રૂ. 10 કરોડ મળી કુલ રૂ. 20 કરોડ વિકાસકામો માટે મંજૂર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત આગવી ઓળખના કામ અન્વયે આણંદમાં નવા ટાઉનહોલના નિર્માણ માટે રૂ. 25 કરોડ ફાળવવામાં આવ્યા છે.
એવી જ રીતે, મોરબી મહાનગરપાલિકામાં સિટી બ્યુટિફિકેશન અને સફાઈ કામગીરી અંતર્ગત ડિવાઇડર, લાઇબ્રેરીના પેઇન્ટિંગ કામ, સ્ટ્રીટ લાઈટ મેન્ટેનન્સ, જેસીબી તથા રોડરોલર ખરીદી, ગાર્ડન મેન્ટેનન્સ, ડ્રેનેજ મેન્ટેનન્સ, યાંત્રિક સાધનો દ્વારા સફાઈ, ગાર્બેજ સ્પોટ કલેક્શન, લાઈટ સુશોભન સહિતના વિવિધ કામો માટે રૂ. 12.20 કરોડ ફાળવવાની મુખ્યમંત્રીએ અનુમતિ આપી છે.
તો, મોરબી મહાનગરપાલિકા મચ્છુ-2 સિંચાઈ યોજનાની મુખ્ય નહેર લીલાપર ચોકડીથી રવાપર ચોકડી થઈને કંડલા બાયપાસ સુધીની ખુલ્લી નહેરને કોંક્રિટમાં કંડ્યુટ(બોક્ષ)માં ફેરવવા રૂ.55.80 કરોડની મંજૂરી આપવામાં આવી છે.
એટલું જ નહિ, આ મહાનગરપાલિકામાં વહીવટી ક્ષમતાવર્ધન માટે કોમ્પ્યુટર અને સ્કેનર, પ્રોજેક્ટર સુવિધા સહિત મીટીંગ હોલ, જી-સ્વાન સેટઅપ, ઓફિસ બિલ્ડીંગ અને ફર્નિચર, સહિતના કામો માટે રૂ. 12 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ આ ઉપરાંત, નવરચિત નડિયાદ મહાનગરપાલિકામાં વિવિધ સુવિધાઓ સભર સિટી બસ સ્ટેન્ડના નિર્માણ માટે રૂ. 1.88 કરોડ તથા સિટી બ્યુટિફિકેશન રૂ. 10 કરોડ અને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ. 10 કરોડ મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ છ નવરચિત મહાનગરપાલિકાઓ ઉપરાંત સુરત, રાજકોટ, વડોદરા અને જામનગર તથા ભાવનગર મહાનગરપાલિકાઓને પણ આગવી ઓળખના કામો, ખાનગી સોસાયટી જનભાગીદારી કામો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો તથા સ્પેશ્યલ આસીસ્ટન્સ ફોર કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ અંર્તગતના કામો માટે નાણાં ફાળવણી કરી છે.
વડોદરા મહનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ દક્ષિણ ઝોનમાં રોડ-રસ્તા તથા સ્ટ્રીટ લાઈટના 7 કામો માટે રૂ. 67.07 લાખ અને પશ્ચિમ ઝોનમાં સી.સી. રોડ તથા પેવર બ્લોકના 102 કામો માટે રૂ. 13.25 કરોડ તેમજ રખડતા ઢોરના નિયંત્રણ માટે રૂ. 22.50 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂર કરવામાં આવ્યાં છે.
મુખ્યમંત્રીએ સુરત મહાનગરપાલિકામાં ભૌતિક આંતરમાળખાકીય સુવિધા અને સામાજીક આંતરમાળખાકીય સુવિધાના વિવિધ કામો માટે 147.57 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
જામનગર મહાનગરપાલિકામાં આંતરમાળખાકીય ઘટક હેઠળ મંજૂર થયેલા વિકાસ કામો માટે રૂ. 13.22 કરોડની રકમ આ SJMSVY અંતર્ગત મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત 120 કરોડ રૂપિયા ગૌરવ પથ નિર્માણ, સિટી બ્યૂટિફિકેશન, એલીવેટડ ફ્લાયઓવર તથા સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને મલ્ટીપર્પઝ ઓડિટોરિયમ બનાવવાના કામો માટે મંજૂર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકામાં આગવી ઓળખ ઘટક અંતર્ગત જે રૂ. 71 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે તેમાં પેડક રોડને ગૌરવપથ તરીકે વિકસાવવા રૂ. 24 કરોડ, રાષ્ટ્રીય શહીદ સ્મારક નિર્માણ કરવા માટે રૂ. 7 કરોડ, પશ્ચિમ ઝોનમાં લાઈબ્રેરી બનાવવા માટે રૂ. 7 કરોડ, સિટી બ્યુટિફિકેશન વિવિધ વિકાસ કામો માટે રૂ. 9 કરોડ તેમજ સ્પોન્જ સિટી ડેવલપ કરવા માટે રૂ. 13 કરોડ તથા રખડતા ઢોરના નિયંત્રણ માટે રૂ. 11 કરોડની ફાળવણીની મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી છે.
રાજકોટ શહેરમાં વોર્ડ નં. 12માં 150 ફૂટ રિંગ રોડથી લગભગ 500 મીટર અંતરે પશ્ચિમ તરફ બહારના ભાગમાં સ્પોન્જ સિટી નિર્માણ કરાયું છે. તેમાં પાણીના પ્રવાહનું ચેનલાઈઝેશન, પાણીનો સંગ્રહ, કેનાલ, પાણીની જાળવણીમાં વધારો, પરંપરાગત જળ સંરક્ષણના ઉપયોગની વ્યૂહરચના, હરિયાળી જગ્યાઓમાં વધારો, જમીનની સપાટીની સંભાળને વધારીને લોકો માટે આવી જગ્યાઓ ઉપભોગ્ય બને તેવું આયોજન કરવામાં આવ્યું છે.
આવા આગવી ઓળખના કામ અંતર્ગત વોટર બોડી લેન્ડસ્કેપિંગ, તળાવ બ્યુટિફિકેશન, રિવરફ્રન્ટ તથા પાર્ક, ગાર્ડન અને અમ્યુઝમેન્ટ પાર્ક જેવા વિકાસકામો હાથ ધરાશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પેશ્યલ આસીસ્ટન્સ ફોર કેપિટલ ઈન્વેસ્ટેમેન્ટ અંતર્ગત સુરત, જામનગર અને આણંદ મહાનગરપાલિકા સાથે જ ભાવનગર મહાનગરપાલિકા માટે પણ 44.30 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે.
ભાવનગર મહાનગરમાં આ રકમમાંથી રોડ રી-કાર્પેટીંગ મહાપાલિકાના શોપિંગ સેન્ટરની મરામત, ઓડિટોરિયમ નિર્માણ, ફાયર સ્ટેશન નિર્માણ, ઈ-બસ ડેપો, પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીના મજબૂતીકરણ તથા I.T. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના કામો હાથ ધરવામાં આવશે.
આ મહાનગરપાલિકાઓ ઉપરાંત સિદ્ધપુર નગરપાલિકાને કુલ બે રેલવે અન્ડર બ્રિજ માટે રૂ. 50.79 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પાટણ નગરપાલિકાને પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 16.98 કરોડ રૂપિયા ટાઉનહોલના નિર્માણ માટે, વડનગર નગરપાલિકાને પીઠોરા ગેટના રીસ્ટોરેશન માટે રૂ. 1.27 કરોડ તથા કડી નગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ રૂ. 39.65 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરો-નગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં ઉત્તરોત્તર વધારો થાય તેવો જનહિતકારી અભિગમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયેની આ નાણાં ફાળવણીમાં રાખ્યો છે.