Thursday, February 6News That Matters

Bordi Beach પર 8 અને 9 ફેબ્રુઆરીના યોજાશે પ્રસિધ્ધ 11મો Chikoo Festival

દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેબ્રુઆરી મહિનાની 8 અને 9મી તારીખે બોરડી ખાતે Rural Enterpreneurs Welfare Foundation (REWF) દ્વારા ‘Chikoo Festival’ નું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે એસ. આર. સાવે કેમ્પીંગ ગ્રાઉન્ડ, બોર્ડી બીચ, દહાણુ, જિ. પાલઘર, મહારાષ્ટ્ર ખાતે તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

દર વર્ષે આ ચીકુ મહોત્સવને ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે. ત્યારે, આ 11માં ચીકુ મહોત્સવ માં પણ સ્થાનિક લોકોનો અને મુંબઇ, ગુજરાતના વલસાડ જિલ્લાના, દમણ, સેલવાસના પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળવાની આશા આયોજકોએ સેવી છે.

વર્ષ 2013માં સૌપ્રથમ વખત Chikoo Festivalનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાનો અને કૃષિ, ગ્રામીણ ઉદ્યોગસાહસિકતા, સમૃદ્ધ ગ્રામીણ સંસ્કૃતિને પ્રવાસન સાથે જોડીને ગ્રામીણ જીવનને મહત્વનું યોગદાન આપવાનો છે. આયોજકો પાલઘર જિલ્લામાં વિકસતા પર્યટનને દિશા આપીને એક પર્યટન સ્થળ તરીકેની ઓળખ ઊભી કરવાના મૂળ ઉદ્દેશ્યને અવરોધ્યા વિના દર વર્ષે આ કાર્યક્રમમાં કંઈક નવીનતા લાવવાનો પ્રયાસ કરે છે. આ બેદિવસીય મહોત્સવમાં લાખો પ્રવાસીઓ મુલાકાતે આવે છે.

આ Chikoo Festival માં Veg-Non Veg Stalls, Traditional Food, Chikoo Safari, Tent Camping, Handicrafts, Workshops, Beach Sports, Run for Farmer જેવા વિવિધ આયોજનો કરવામાં આવ્યાં છે. પ્રવાસીઓને અહીં ઉભા કરેલા 150 થી વધુ સ્ટોલ પરથી ચીકુના ફળો, ચીકુના પ્રોસેસ્ડ ઉત્પાદનો, ગ્રામીણ હસ્તકલા, વારલી ચિત્રો ખરીદવાની તક મળશે. સાથે સ્થાનિક કલાપ્રેમી કલાકારો દ્વારા રજૂ કરવામાં આવતા સ્થાનિક નૃત્ય, સંગીત અને નૃત્યના કાર્યક્રમોને માણવાનો લ્હાવો મળશે.

આ ફેસ્ટિવલમાં અનોખી મીઠાસને કારણે દેશ-વિદેશમાં જાણીતા ઘોલવડ-દાહણુંના ચીકુમાથી બનતી ખાદ્ય વેરાયટીઓ જેવી કે, ચીકુ પિકલ્સ, ચીકુ પાવડર, ચીકુ ચિપ્સ, ચીકુની મીઠાઈ, વિવિધ પ્રકારના મુખવાસ, ચીકુ મિલ્કશેક, ચીકુ કતરી, ચીકુરોલ, ચીકુ મોહનથાળ, ચીકુ બદામી હલવો, ચીકુ પેંડા, ચીકુ બરફી જેવી વેરાયટીઓના સ્ટોલ ઉભા કરવામાં આવે છે. આ તમામ વેરાયટીઓની નાસિક, મુંબઈ અને સુરતથી આવતા લોકો ખરીદી કરે છે. ઉપરાંત તેનો સ્વાદ ચાખે છે.

તો, ચીકુ ફેસ્ટીવલમાં ચીકુની વિવિધ વેરાયટી સાથે અન્ય સાજ શણગારની ચીજવસ્તુઓ, ક્રાફટ, વારલી પેઇન્ટિંગ, વાંસની કલાકૃતિઓના સ્ટોલ પણ ઉભા કરવામાં આવે છે. આ 11માં ‘ચીકુ મહોત્સવ’ માં One District One Product (ODOP) હેઠળ GI ટેગ ધરાવતા ચીકુ, વારલી પેઇન્ટિંગ, સાતપાટીની સિલ્વર પાપલેટ અને ખાદી ગ્રામોદ્યોગ આયોગ દ્વારા ઘોલવડ ગામને ‘હની વિલેજ’ તરીકે મળેલ માન્યતાની પૃષ્ઠભૂમિને પ્રવસીઓ સમક્ષ રજુ કરવામાં આવશે.

આ સમારોહનું ઉદ્ઘાટન બોરડીના ચીકુ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીના શ્રીમતી શારદા ગજાનન પાટીલ કરશે. સમારોહની અધ્યક્ષતા સંદીપ સીતારામ રાઉત, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ REWF કરશે. સમારોહના મુખ્ય મહેમાનોમાં અતુલ મોરેશ્વર સાવે, ઓબીસી વિકાસ, ડેરી વિકાસ, પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી અને વિશેષ અતિથિ હેમંત સાવરા, સંસદ સભ્ય, પાલઘર લોકસભા મતવિસ્તાર, વિનોદ નિકોલે, ધારાસભ્ય, મહારાષ્ટ્ર વિધાનસભા, શ્યામ લક્ષ્મણ દુબલા, સરપંચ, ગ્રામ.પં. બોરડી તેમજ શતરુપા દત્તા, મદદનીશ નિયામક, ભારત પ્રવાસન, ભારત સરકાર અને હનુમંત હેડે, સંયુક્ત નિયામક, પ્રવાસન નિયામક, કોંકણ વિભાગ, આ કાર્યક્રમમાં હાજરી આપીને આ કાર્યક્રમની શોભા વધારશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *