Friday, December 27News That Matters

સરીગામની આરતી ડ્રગના સોલીડવેસ્ટ મામલે GPCB ની ભૂમિકા પર શંકા?

સરીગામની આરતી ડ્રગ લિમિટેડ કંપનીમાંથી સોલીડવેસ્ટ ભરેલ ટ્રક ને GPCB એ પકડ્યા બાદ 2 દિવસથી ટ્રક હોટેલના પાર્કિંગમાં જ રાખી મૂકી હોય, આ સમગ્ર મામલે GPCB ના અધિકારીઓ પર શંકાની સોય તકાણી છે. બિલ વગરનો સોલીડવેસ્ટ આટલી મોટી કંપનીમાંથી નીકળ્યો કેવી રીતે તે અંગે કંપનીના CCTV ચેક કરવા જરૂરી
ભિલાડ નજીક હાઇવે નંબર 48 પર એક હોટેલ ના પાર્કિંગમાં સવારથી પાર્ક થયેલ ટ્રક માં સોલીડવેસ્ટ હોવાની જાણકારી GPCB ની ટીમને મળી હતી. જે બાદ આ સોલિડ વેસ્ટ સરીગામની આરતી ડ્રગ લિમિટેડ કંપનીનો હોવાનું ફલિત થતા GPCBની ટીમે તેના સેમ્પલ લઈ કંપનીમાં પડેલ સોલીડવેસ્ટ સેમ્પલ સાથે મેચ કરી ખરાઈ કરી હતી. જો કે તે બાદ આ મામલે GPCB ના અધિકારીએ આગળ કોઈ કાર્યવાહી કરી ના હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી છે.
મળતી વિગતો મુજબ આ ગેરકાયદેસર સોલીડવેસ્ટ સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ છે. જેમાં કંપનીના કરતૂત બહાર આવે તો કંપની ને ક્લોઝર મળે તેવો ફફડાટ કંપની સંચાલકોમાં ઉઠતા સમગ્ર મામલો થાળે પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. અને ટ્રકમાં રહેલ માલ બિલ પુરાવા સાથે નો હોવાનું સાબિત કરવા માથામણ આદરી છે. જો કે હોટેલના પાર્કિંગમાં પડેલ ટ્રક અંગે GPCB એ પોલીસને કેમ જાણ નથી કરી. ટ્રક મામલે કંપનીના અને હોટેલના CCTV પણ ચેક કર્યા નથી. જેને લઈને સમગ્ર મામલે GPCB અને કંપની સંચાલકો વચ્ચે કંઈક મોટું રંધાઈ રહ્યું હોવાની શંકા સૂત્રોએ વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, GPCB સરીગામના અધિકારી રાજેશ મહેતા તેમની ટીમ સાથે હોટેલ રઘુનંદન પર પહોંચ્યા હતાં. જ્યાં પાર્ક થયેલ ટ્રક નંબર MH04-EL-3892ની તલાશી લઈ ટ્રક ના માલિક-ડ્રાઇવરની ભાળ મેળવવા કોશિશ આદરી હતી. રાત્રે 10 વાગ્યા બાદ ટ્રકનો ડ્રાઇવર આવ્યો હતો. જેની પૂછપરછ કરતા ટ્રક માં સોલીડવેસ્ટ ભર્યો હોવાનું જણાવી આ સોલિડ વેસ્ટ સરીગામની આરતી ડ્રગ્સ લિમિટેડમાંથી ભરીને પાનોલી ખાલી કરવા લઈ જતો હોવાનું જણાવ્યું હતું. જેની પાસે તેના બિલ પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો નહોતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *