Monday, January 13News That Matters

વલવાડા ગામમાં ગૌચરણની જમીન પર 40 ફુટનો રોડ બનાવી જમીન ભાડા પટ્ટે આપવા બાબતે સ્થાનિક આદિવાસી પરિવારોએ વલવાડા ગામના ઇસમ વિરુદ્ધ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા ગામના આદિવાસી પરિવારોએ તલાટી કમ મંત્રી/ વહીવટદાર, ઉમરગામ મામલતદાર, ટી.ડી.ઓ. ઉમરગામ, પ્રાંત ઓફીસર, પારડી અને વલસાડ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં  આદિવાસી પરિવારોએ વલવાડા ગામમાં ગૌચરણની જમીન પર 40 ફુટનો રોડ બનાવી જમીન ભાડા પટ્ટે આપવા બાબતની રજુઆત કરી છે. તેમજ આ કામગીરી કરનાર વલવાડા ગામના હિતેશ કિકુભાઈ પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

આવેદનપત્ર પાઠવનાર આદિવાસી પરિવારોએ જણાવ્યું છે કે, વલવાડા ગ્રંપંચાયતમાં આવેલ સરકારી ગૌચરણની જમીન જૂનો સર્વે નંબર- 27 અને 29 વાળી જમીનમાંથી હિતેશ કિકુભાઈ પટેલ નામના ઈસમ દ્વારા આદિવાસી લોકોને ડરાવી, ધમકવી તેમને ગાયબ કરી દેવાની ધમકીઓ આપી છે. અને જોર જબરદસ્તીથી કોઈપણ જાતની સરકારી પરવાનગી લીધા વગર 40 ફૂટનો પત્થર અને માટી, મોહરમ પૂરી રોડ બનાવ્યો છે.

રોડ બનાવતી વખતે ખોટા વાયદા કરી રોડ બનાવ્યો છે. અને હિતેશભાઈની જે જમીન છે તે એક ખાનગી કંપનીને છેલ્લા 3-4 વર્ષથી ભાડા પટ્ટે આપી દીધી છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિતેશ કિકુભાઈ પટેલ વલવાડા ગામ એના ઈશારાથી ચાલતું હોય એવા ભ્રમમાં રહીને એમની ટોળકી દ્વારા લોકોને ડરાવી, ધમકાવી થાય તે કરી લેજો એવા ઠાઠમાં રહે છે. જેથી આ ગંભીર બાબતની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ અવેદનકર્તાઓએ કરી છે.

આવેદનકર્તાઓનો આક્ષેપ છે કે, હિતેશભાઈએ સાચી હકીકત છુપાવી ખાનગી કંપનીને પણ ગુમરાહ કરી છે. જેથી તેની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે. તેમજ આદિવાસી લોકોને આ જમીન જે – તે સમયે પોતાનું ગુજરાન ચલાવવા માટે આપેલ હતી એ પાછી મળે. હિતેશ કિકુભાઈએ પોતાની માત્રને માત્ર 20-30 ગુંઠા જમીનનો રોડ વગર કબજો લીધો હતો એ ભાડા પટે આપી શકે પરંતુ તે જમીનમાં આવ જાવ કરવા માટે કોઈ રોડ ના હોવાથી આ હિતેશ કિકુભાઈએ 40 ફૂટનો ગૌચરણની જમીનમાં રોડ બનાવેલ છે તેમજ દેસાઈ લોકોની પરવાનગી વગર એમની જમીનમાં માટી પુરાણ કરી રોડ બનાવેલ છે. એ માટી પાછી ઉચકી કબજો પાછો આપવા વિનંતી કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ રસ્તા અને જમીન વિવાદ મામલે આદિવાસી પરિવારોના અંદાજીત 20 જેટલા ભાઈઓ-બહેનોએ આ આવેદનપત્ર પાઠવી તંત્ર પાસે ન્યાયની આશા સેવી છે. વલવાડા ગામમાં જમીન મામલે થયેલ વિવાદ સંદર્ભે અરજીકર્તાઓએ જણાવ્યું હતું કે, આશરે 50 થી 70 વર્ષ પહેલાં તેઓના વારસદારો આ જમીન પર રહેતા હતાં. અને ખેતી કરીને ગુજરાન ચલાવતા હતાં. આ જમીન વલસાડ દક્ષિણ વન વિભાગની હતી.

ગુજરાત રાજ્ય વન વિભાગની આવી જમીન મામલે જે લોકો વન વિભાગની જમીન પર 1980 પહેલાથી બિન પરવાનગીથી ભોગવટો કરતા હતાં. તેઓને તે જમીનના માલિકી હક્ક આપવાનો નિર્ણય ગુજરાત સરકારે લીધો હતો. જે માટે 06/10/1992 ના સરકારી ઠરાવ નંબર FLD/1092/CM/13/9.3થી ઠરાવ કર્યો હતો.

આ દરખાસ્ત ભારત સરકારમાં મોકલ્યા બાદ 17/10/1994ના હુકમ નંબર 8/20/94/FC થી કેટલીક શરતોને આધીન પ્રથમ તબક્કાની મંજૂરી મળી હતી. જે અનુસંધાને વલવાડા ગામમાં આવેલ ફોરેસ્ટ વિભાગની કુલ જમીન પૈકીની 13 એકર 7 ગુંઠા જમીન જીવલાભાઈ, વલ્લભભાઈ, છનીયાભાઈ, મંગલભાઈ, છોટુભાઈ, અર્જુનભાઇ, નથ્થુ ભાઈ, ગુલાબભાઈ, જાનીયાભાઈ નામના અલગ અલગ 9 આદિવાસીઓને ખેતી માટે ફાળવી હતી.

હવે આ જે તે વખતના જમીનના ખાતેદારોના પરિવારજનોનો આક્ષેપ છે કે આ જમીન તેમની પાસેથી વલવાડા ગામના હિતેશભાઈ કિકુંભાઈ છીનવી લેવા માંગે છે. તેમજ ગામનો કચરો આ જમીનમાં ઠાલવી રહ્યા છે.

જો કે આ આદિવાસી પરિવારોના આક્ષેપ સામે હિતેશભાઈ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓએ કોઈ આદિવાસીની જમીન લીધી નથી. તેમની જમીનમાં જવા આવકા જે રસ્તો બન્યો છે. તે રસ્તો પહેલેથી જ હતો. અને જે કચરો ઠાલવવામાં આવે છે. તે ગ્રામપંચાયતે જેને કોન્ટ્રકટ આપ્યો છે. તે ઠાલવે છે. તેઓએ કોઈ આદિવાસીને અન્યાય કર્યો નથી. કે ધાકધમકી આપી જમીન પડાવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *