વાપી GIDCમાં 40 શેડ વિસ્તારમાં આવેલ કંપનીમાંથી લેપટોપ, કેમેરાનું DVR તથા કોપર કેબલની ચોરી કરી નાસી જનાર ચોરને GIDC પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ વાપી ડુંગરાની મુસા રેસીડેન્સીમાં રહેતા અને GIDC વાપીના ફોર્ટી શેડમાં પોપ્યુલર હાઇડ્રોલિક વર્ક્સ એન્ડ ફેબ્રિકેશન નામે કંપની ચલાવતા ઇર્શાદઅહેમદ શબ્બીરઅહેમદ શેખે GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની કંપનીમાં 31 ડિસેમ્બરે ચોરીની ઘટના ઘટી છે.
આ ચોરીની ઘટનામાં ઓફિસમાંથી 3 લેપટોપ, એક કેમેરાનું ડીવીઆર તથા કોપર કેબલની ચોરી થઇ હતી. અને ચોરી કરનાર ચોર સીસીટીવી કેમેરાનો વાયર પણ તોડી ગયો હતો. બાજુની કંપનીના સીસીટીવીમાં 31ની રાત્રે 12થી 12.30 વચ્ચે એક ઇસમ ઓફિસમાંથી નીકળી હાથમાં કેબલ વાયર અને બેગ સાથે નીકળતા કેદ થયો હતો.
જે આધારે GIDC પોલીસે તપાસ હાથ ધરી એક 18 વર્ષીય યુવક ઝુંબેરખાન ફહીદ ખાનની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલ આ ચોરીની ઘટના મામલે પોલીસે ઝુંબેરખાન ની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.