Tuesday, December 24News That Matters

વલસાડ જિલ્લાની સબ જેલ માટે જે 25 એકર જમીનની જરૂર છે. તે ભિલાડ ચેકપોસ્ટ નજીક બંધ પડેલ દમણગંગા સુગર ફેક્ટરીની જગ્યામાંથી મળી શકે છે

વલસાડ જિલ્લાના ભિલાડ ખાતે 1990માં શ્રી દમણગંગા સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ ની સ્થાપના કરવામાં આવી હતી. જે માટે ભિલાડ ચેકપોસ્ટ નજીક મુંબઈ થી સુરત લેન તરફ અંદાજીત 130 એકર જગ્યા ફાળવાઈ હતી. અને મશીનરી સહિતનો શેડ ઉભો કરવામાં આવ્યો હતો. પરંતુ તે બાદ આ સુગર ફેક્ટરી ક્યારેય કાર્યરત થઈ નથી. 35 વર્ષથી બંધ આ ફેકટરીનું સ્થળ વલસાડની સબ જેલ માટે આદર્શ સ્થળ છે. જો પોલીસ આ દિશામાં પ્રયાસ કરે તો તેમને જેલ માટે જે 25 એકર જમીનની જરૂર છે. તે આ સુગર ફેક્ટરની જગ્યામાંથી મળી શકે છે. 

વલસાડ જિલ્લામાં પોતાની સબ જેલ નથી. જે માટે છેલ્લા ઘણા સમયથી પ્રયાસો ચાલી રહ્યા છે. પરંતુ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ જિલ્લા જેલ માટે અંદાજીત 25 એકરની જમીનનો ખપ છે. જેનો મેળ પડતો ના હોય જિલ્લા જેલની સગવડ ખોરંભે પડી છે.

હાલમાં વલસાડમાં સબ જેલની માંગ તીવ્ર બની છે. સબ જેલ માટે વલસાડ શહેર અને તાલુકામાં જમીન માટેના પ્રયાસ થયા છે. જેમાં પણ પોલીસને સફળતા મળી નથી. સબ જેલ માટે અંદાજીત 25 એકર જમીનની જરૂરત છે. ત્યારે જો વલસાડ જિલ્લાની સબ જેલ માટે વલસાડ શહેર અને તાલુકાને બદલે વાપી કે ભીલાડની પસંદગી કરવામાં આવે તો તે પોલીસ માટે, કેદીઓ માટે તેમજ કેદીઓના પરિવાર માટે વધુ અનુકૂળ સાબિત થઈ શકે છે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લો ખૂબ જ મહત્વનો સરહદી જિલ્લો છે. જે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને મહારાષ્ટ્રની સરહદ થી જોડાયેલ છે. પરંતુ આ જિલ્લામાં સબજેલ નથી. એટલે કેદીઓને નવસારી સબજેલમાં મોકલવા પડે છે. જે વલસાડ પોલીસ માટે કપરું પડી રહ્યું છે. વલસાડ જિલ્લામાં જો ભિલાડ ચેકપોસ્ટ પાસે બંજર બની ગયેલ દમણગંગા સુગરની જગ્યામાં સબ જેલ બને તો, પારડી, ઉમરગામ કે કપરાડા, ધરમપુરના પોલીસ મથકેથી કેદીઓને લાવવા કે લઈ જવા અનુકૂળ પડે.

ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતા પહેલાં નવસારી જૂના વડોદરા રાજ્યનું મુખ્ય શહેર હતું. 1 લી મે, 1949 થી નવસારીને સુરત જીલ્લામાં સમાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 1964 ના જુન મહિનામાં સુરત જીલ્લામાં સુધારો કરવામાં આવ્યો અને વલસાડ જિલ્લામાં નવસારી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2 ઓક્ટોબર 1997 ના રોજ નવસારી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. એટલે નવસારી જેલ નવસારી જિલ્લામાં રહી અને વલસાડ જિલ્લો જેલ વિહોણો રહ્યો. એટલે વલસાડ જિલ્લા પોલીસ મથકના કેદીઓને નવસારી જેલમાં મોકલવા પડે છે. જે પોલીસ માટે જેટલું કપરું છે. એટલું જ કેદીઓ અને તેના પરિવાર માટે પણ કપરું પડી રહ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *