Wednesday, December 25News That Matters

Delhi-Mumbai Industrial Corridor હેઠળ આવતા ExpressWayમાં Talasari To Karvad Section માં કામગીરી હજુ માત્ર 30 ટકા જ…!

 

વાપી :- વલસાડ જિલ્લામાંથી પસાર થઈ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાંથી મહારાષ્ટ્રના મુંબઈ સુધી જતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે કોરિડોર અંતર્ગત પેકેજ 10 માં આવતા કરવડ થી તલાસરી સુધીના માર્ગ નિર્માણની કામગીરી ત્રણ વર્ષ બાદ પણ માંડ 30 ટકા આસપાસ પહોંચી છે. ત્યારે આવો જાણીએ ભારત સરકારનો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રિમ પ્રોજેકટ કેવો છે. અને કેમ વિલંબિત થઈ રહ્યો છે.

National Highways Authority of India (NHAI) દ્વારા ભારત માલા પરિયોજના હેઠળ 1386 કિલોમીટર લાંબા અને 1 લાખ કરોડના ખર્ચે દિલ્હી થી મુંબઈ વચ્ચે ઝડપી વાહનવ્યવહાર માટે 8 લેનના એક્સપ્રેસ વે બનાવવાની કામગીરી હાથ ધરી છે.

આ હાઇવે દિલ્હીથી શરૂ થયા બાદ હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રના મુંબઈ જવાહરલાલ નહેરુ પોર્ટ વચ્ચે 24 કલાકના સમયને ઘટાડી 12 કલાકમાં પહોંચાડશે. આ પ્રોજેકટ હેઠળ હાલ આખા રૂટ પર વિવિધ એજન્સીઓ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. પરંતુ આ કામગીરી વલસાડ, દાદરા નગર હવેલીમાં ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે.

વલસાડ જિલ્લામાં પેકેજ 8,9 અને 10 હેઠળની પ્રથમ તબક્કાની કામગીરી ROADWAY SOLUTIONS INDIA INFRA LTD. નામની ઠેકેદારી કંપનીને આપવામાં આવી છે. જેમાં હજુ સુધી ક્યાંય આખે ઉડીને વળગે એવી ઝડપી કામગીરી દેખાતી નથી. આ અંગે સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ જમીન સંપાદન પ્રક્રિયામાં અનેક ખેડૂતોને યોગ્ય વળતર નહિ મળતા તેઓનો વિરોધ ચાલી રહ્યો છે. કોન્ટ્રકટરની પણ મજૂરોને પગાર ચુકવણી સહિતની રાવ, અને પાવર ગ્રીડના હાઇટેંશન ટાવર હટાવવાની બાકી કામગીરી આ પ્રોજેકટને ખોરંભે પાડી રહ્યા છે.

આ પ્રોજેકટ અંતર્ગત હાલમાં વલસાડ જિલ્લાના કરવડથી મહારાષ્ટ્રના તલાસરી વચ્ચે કોન્ટ્રાકટર દ્વારા જમીનનું લેવલિંગ, નદી નાળા પરના પુલ, બ્રિજ, ઝાડી કટિંગ, માટી પુરાણ સહિતની પ્રથમ તબક્કાની કામગીરી ચાલી રહી છે. સેલવાસમાં નારોલી પાસે બ્રિજ, દમણગંગા નદી પરના બ્રિજની કામગીરી ચાલી રહી છે. 100 થી 120 મીટર પહોળાઈના 8 લેનના અને જરૂર પડ્યે 12 લેન સુધી કરી શકાય તેવા અયોજન સાથેના આ મહત્વના પ્રોજેકટમાં હાલ તો ઝડપી કામગીરી ક્યાંય દેખાતી નથી.

એક્સપ્રેસ વે વલસાડ જિલ્લામાંથી પસાર થઈ મુંબઈ સુધી જવાનો છે. જેમાં પેકેજ 10 હેઠળ આવતા રૂટ પર 33 નદી નાળા પર નાના પુલ બનશે. આસપાસના વિસ્તારના લોકોના આવાગમન માટે 25 અન્ડરપાસ બનશે. વાપી-સેલવાસમાંથી પસાર થતી દમણગંગા નદી અને મહારાષ્ટ્રના તલાસરી માં આવેલ કોચાઈ નદી પર બ્રિજ બનશે. જે તમામ કામગીરી અધૂરી છે. કેટલાક સ્થળે તો કામગીરીમાં વપરાયેલ સળિયા (Steel) કાટ ખાઈ ચુક્યા છે.

ત્યારે, ઝડપી વાહન વ્યવહાર, ઔદ્યોગિક ઉત્પાદનો, ઘરેલુ ચીજવસ્તુઓ, ખાદ્ય સામગ્રીને વહેલામાં વહેલી તકે તેના નિયત સ્થળે પહોંચાડી. સમયનો, અકસ્માતનો, ઇંધણનો બચાવ કરનારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રિમ પ્રોજેકટ વર્ષ 2024-25માં થવાનો હતો પરંતુ હાલની ધીમી કામગીરી જોતા અને કોન્ટ્રકટરની કામગીરી કરવાની પદ્ધતિ જોતા કદાચ 2027માં પણ પૂર્ણ થશે કે કેમ તે સવાલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *