વલસાડ જિલ્લાની ભિલાડ ચેકપોસ્ટ પર સોમવારે દારૂ બિયરની 7,19,798 બોટલો અને ટીનના ડબ્બાઓ પર પોલીસે રોલર-JCB ફેરવી કુલ 9,93,59,586 રૂપિયાના જથ્થાનો નાશ કર્યો હતો. જિલ્લાના 15 પોલીસ મથકમાં જપ્ત કરેલા કરોડોના દારૂના નાશથી ચેકપોસ્ટ પર આલ્કોહોલની તીવ્ર વાસ સાથે આ પ્રવાહીની નદી વહી હતી.
વલસાડ જિલ્લો લિકર ફ્રી સ્ટેટ ગણાતા મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદને જોડતો ગુજરાતનો સરહદી જિલ્લો છે. આ વિસ્તારમાં મોટેપાયે દારૂની હેરાફેરી થાય છે. જેના પર વલસાડ જિલ્લા પોલીસ અનેકવાર તવાઈ બોલાવી મોટી માત્રામાં દારૂના જથ્થા સાથે બુટલેગરોની ધરપકડ કરે છે.
આવી જ પ્રોહીબિશન હેઠળની કાર્યવાહી દરમ્યાન વલસાડ જિલ્લાના પારડી, વાપી ટાઉન, વાપી GIDC, ડુંગરા, ઉમરગામ, ભિલાડ, મરીન, વાપી રેલવે, ધરમપુર, કપરાડા, નાના પોન્ઢા, વલસાડ સીટી, વલસાડ રૂરલ, ડુંગરી અને વલસાડ રેલવે પોલીસ મથક દ્વારા જપ્ત કરેલા કુલ 7,19,798 બોટલો અને ટીનના ડબ્બાઓ પર પોલીસે રોલર-JCB ફેરવી કુલ 9,93,59,586 રૂપિયાની કિંમતના માતબર જથ્થાનો નાશ કર્યો હતો.
જિલ્લાના કુલ 15 પોલીસ મથકમાંથી આ તમામ જપ્ત કરેલા કરોડોના દારૂના જથ્થાને ટ્રક, ડમ્પર, છોટા હાથી જેવા વાહનોમાં ભિલાડ ચેકપોસ્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. જે બાદ આ જથ્થા પર રોડ રોલર, JCB ફેરવી નાશ કરાયો હતો.
ભિલાડ ચેકપોસ્ટ ખાતે વલસાડ જિલ્લાના SDM, વાપી ડિવિઝનના DySP બી. એન. દવે, નશાબંધી શાખાના ઇન્સ્પેકટર, તમામ 15 પોલીસ મથકના PI, PSI અન્ય પોલીસ કર્મચારીઓની હાજરીમાં આ દારૂ બિયરના જથ્થાને જમીન પર પાથરી તેના પર રોડ રોલર, ફેરવ્યું હતું. દારૂ-બિયરની બોટલો, ટીન પર રોલર ફરતા તેમાં રહેલા આલ્કોહોલની નદી વહેતી થઈ હતી. તેમજ તીવ્ર વાસથી ચેકપોસ્ટનો વિસ્તાર માથું ફાડતી દુર્ગંધથી ગંધાયો હતો..
ઉલ્લેખનીય છે કે, કુલ 15 પોલીસ મથકમાં વર્ષ 1/11/2023 થી 31/10/2024 સુધીમાં જપ્ત કરેલા આ ગેરકાયદેસર દારૂમાં પારડી પોલીસ મથકનો 2 કરોડ 3 લાખ 47 હજાર 790 રૂપિયાનો દારૂ હતો. જ્યારે વાપી ટાઉન પોલીસ મથકનો 1,86,46,510 રૂપિયાનો, ભિલાડ પોલીસ મથકમાંથી 1,30,29,095 રૂપિયાનો, વલસાડ રૂરલ પોલીસ મથકમાંથી 1,50,63,528 રૂપિયાનો, વાપી રેલવે પોલીસનો 1,39,18,25 રૂપિયાનો મળી આ 5 પોલીસ મથકનો જ કુલ રૂપિયા 5,54,49,653 ની કિંમતનો દારૂ હતો. એ સિવાય બાકીના વાપી GIDC, ડુંગરા, ઉમરગામ, મરિન, ધરમપુર, કપરાડા, નાનાપોન્ઢા, વલસાડ સીટી, ડુંગરી, વલસાડ રેલવે મળી 10 પોલીસ મથકનો રૂપિયા 4,39,09,933 ની કિંમતનો દારૂ હતો. આમ કુલ, 7,19,798 દારૂ-બિયરની બોટલો, ટીન મળી કુલ 15 પોલીસ મથકમાંથી લેવાયેલ રૂપિયા 9,93,59,586 ની કિંમતના દારૂ-બિયરનો નાશ કરાયો હતો.