Friday, October 18News That Matters

વાપી નજીક તીઘરા ગામે ચપ્પુના ઘા મારી યુવકનું મોત નિપજાવવાના ગુન્હામાં આરોપીને આજીવન કેદ

વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલ એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં 2017માં હત્યાના ગુન્હામાં આરોપીને આજીવન કેદની સજા ફરમાવામાં આવી છે. બીજા અધિક સત્રના ન્યાયધીશ કે. જે. મોદીએ આ ચુકાદો આપ્યો છે. જેમાં આરોપી હિતેશ જીવણ પટેલ ને આજીવન કેદની સજા ઉપરાંત 5 હજારના દંડની સજા ફરમાવી છે.
આ અંગે વિગતો જોઈએ તો વર્ષ 2017માં 30મી માર્ચના પારડી તાલુકાના તીઘરા ગામે મૃતક મોહનભાઈ નાનુભાઈ હળપતિની સ્મશાનયાત્રામાં આવેલા ફરિયાદી મનીષ મંગુ હળપતિ ના બનેવી પ્રકાશ ખાલપભાઈને આરોપી હિતેશ જીવણ પટેલે ચપ્પુથી માથાના અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જે બાદ ઘાયલ પ્રકાશને પારડીમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં વધુ લોહી વહી જવાને કારણે તેનું મૃત્યુ નિપજ્યુ હતું.
આ કેસમાં આરોપી હિતેશ જીવણ પટેલને પારડી પોલીસે ઝડપી લઈ તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. જે અંતર્ગત 31મી ઓગસ્ટ 2021ના રોજ વાપી એડિશનલ સેસન્સ કોર્ટ ખાતે સરકારી વકીલ અનિલ ત્રિપાઠી અને બીજા વધારાના સરકારી વકીલ રાકેશ એમ. ચાંપાનેરીયાની ધારદાર દલીલોને ગાહ્ય રાખી સેકન્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ કે. જે. મોદીએ આરોપીને આજીવન કેદની સજા ફરમાવી હતી.
વાપી સેસન્સ કોર્ટમાં બીજા અધિક સત્રના ન્યાયધીશ કે. જે. મોદીએ કલમ 302 હેઠળ ફરમાવેલ આજીવન કેદની સજા ઉપરાંત 5 હજારનો દંડ એ ઉપરાંત કલમ 324ના ગુન્હા સબબ 1 વર્ષની સખત કેદની સજા અને એક હજાર રૂપિયા દંડની સજા પણ ફરમાવી હતી.
ઉલ્લેખનીય છે કે વાપી સેકન્ડ એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ ખાતે પ્રથમ વખત કોઈ આરોપીને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી છે. એ સાથે જ મૃતકની પત્નીને પુનઃ નિર્વાસન માટે કલમ 357-એ અન્વયે યોગ્ય વળતર મળે તે માટે જિલ્લા કાનૂની સહાય સત્તા મંડળ વલસાડને રીફર કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *