વલસાડ ACB પોલીસ સ્ટેશનના PI જે. આર. ગામીતે આહવા-ડાંગના સુબિર તાલુકાની તાલુકા પંચાયતની કચેરીમાં ટ્રેપ ગોઠવી લાંચિયા TDO ને 6000 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. જેને લઈને ડાંગ-વલસાડની સરકારી કચેરીઓમાં ફફડાટ ફેલાયો ગયો છે.
આ અંગે ACB એ આપેલી વિગતો મુજબ 15 માં નાણાપંચ વર્ષ-2023-24 અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી, સુબીર તરફથી મંજુર થયેલ પેવર બ્લોક બેસાડવાની કામગીરી ફરિયાદી કોન્ટ્રકટરે કરી હતી. આ કામગીરીના બનાવેલ એમ.બી.બુક તથા બીલમાં તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રકુમાર બાલુભાઈ હાથીવાલાની સહી લેવાની હતી. જેમણે સદર એમ.બી. બુક તથા બીલમાં સહી કરી આપવાના અવેજ પેટે ફરીયાદી પાસે રૂપિયા 6000/- ની લાંચની માંગણી કરી હતી.
જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય તેણે ACBનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરિયાદ આધારે ACB સુરત એકમના મદદનિશ નિયામક આર.આર.ચૌધરીના સુપરવિઝનમાં વલસાડ ACB પોલીસ સ્ટેશનના PI જે. આર. ગામીતે સ્ટાફ સાથે લાંચના છટકાનું આયોજન કર્યું હતું.
સુબિરના તાલુકા પંચાયત કચેરીમાં જ ગોઠવેલ છટકા દરમ્યાન ફરિયાદી તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં ગયો હતો. જ્યાં 57 વર્ષીય વર્ગ 2ના TDO મહેન્દ્રકુમાર બાલુભાઈ હાથીવાલાએ હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસેથી રૂા. 6000/- ની લાંચ સ્વીકારી હતી. લાંચ સ્વીકારતા જ ACB ની ટીમે ગોઠવેલ ટ્રેપમાં સપડાઈ ગયો હતો.