વાપી GIDC અને ટાઉન વિસ્તારમાં જન્માષ્ટમીના દિવસે જુગાર રમતા જુગારીયાઓ પર પોલીસે તવાઈ બોલાવી હતી. જેમાં GIDC પોલીસે 10 જુગારીયાઓની ધરપકડ કરી રોકડા રૂપિયા, મોબાઈલ, વાહનો મળી કુલ 5,98,900 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલ જુગરિયાઓમાં 4 ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલ વેપારીઓ હોય પોલીસ મથકે તેમને છોડાવવા ભીડ જોવા મળી હતી.

વાપી GIDC પોલીસ મથક વિસ્તારની હદમાં આવેલ પ્રાઈમ હોટેલ નજીક દર્શન એપાર્ટમેન્ટમાં અને વાપી GIDC ચાર રસ્તા નજીક ઓવર બ્રિજ નીચે જુગાર રમતા જુગારીયાઓ પર પોલીસે તવાઈ બોલાવી હતી. આ અંગે GIDC પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ પોલીસ ટીમને બાતમી મળી હતી કે ગુંજન વિસ્તારમાં પ્રાઈમ હોટેલ નજીક દર્શન એપાર્ટમેન્ટમાં આવેલ શેખાવત ગોલ્ડન ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં જુગાર રમાય રહ્યો છે.

પોલીસે બાતમી આધારે શેખાવત ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાં રેઇડ કરતા રાજવીર સિંગ ચુનીલાલ સિંગ રહેવાસી દર્શન એપાર્ટમેન્ટ, દેવીદાસ ઉત્તમચંદ શર્મા રહેવાસી સરગમ સોસાયટી, રમેશ રામધની શર્મા રહેવાસી રાજ રેસિડેન્સી અને વિષ્ણુ રામધની શર્મા રહેવાસી રાજ રેસિડેન્સી પૈસા વડે હારજીતનો જુગાર રમતા હતાં. પોલીસે ચારેય ઇસમોની જુગારધારા કલમ હેઠળ ધરપકડ કરી દાવમાં મુકેલ 3050 રૂપિયા, અંગઝડતીમાંથી મળેલ 7060 રૂપિયા, 17,500 રૂપિયાના મોબાઈલ, 4.60 લાખના વાહનો મળી કુલ 4.87, 610 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જ્યારે વાપી GIDC ચાર રસ્તા બ્રિજ નીચે જુગાર રમતા સુબોધ ઉર્ફે મુન્નો લાભશંકર રહેવાસી સી-ટાઈપ, મિહિર સુબોધ ઉર્ફે મુન્નો કાપડિયા રહેવાસી સી-ટાઈપ, ઉમેર અલીમ શેખ રહેવાસી ન્યુ હાઉસિંગ બોર્ડ, ગણેશ લકમાજી શિંદે રહેવાસી પ્રમુખ દર્શન, અમિત મોહન શાહ રહેવાસી LIG-2, પૂનમચંદ ચંદુલાલ ટંડેલ રહેવાસી જુના હાઉસિંગ બોર્ડને દબોચી લીધા હતાં. આ તમામ 6 જુગારીયાઓ પાસેથી પોલીસે દાવમાં મુકેલ 750 રૂપિયા, 36540 રોકડા રૂપિયા, 19000 હજારના 7 મોબાઈલ, 55000 રૂપિયાના 3 વાહનો મળી કુલ 1,11,690 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

GIDC પોલીસે 2 અલગ અલગ રેઇડમાં શહેરના નામચીન વેપારીઓ સહિત 10ને જુગાર રમતા ઝડપી પાડ્યા હોય તેમને છોડાવવા પોલીસ મથક પર ભીડ ઉમટી હતી. જ્યારે આ રેઇડમાં પોલીસે વધુ મુદ્દામાલ અને રોકડ જપ્ત કર્યા બાદ જુગારીયાઓ પર રહેમ નજર દાખવી હોવાનો ગણગણાટ પણ સંભળાયો હતો.