Friday, December 27News That Matters

વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેક્ટ નિર્માણમાં આદિવાસીઓના વિરોધને દબાવવા કોન્ટ્રકટરે મહારાષ્ટ્ર પોલીસનો કાફલો ખડકયો, જમીનની ચૂકવણી મામલે પીડિત ખેડૂતની પત્નીએ આત્મહત્યા કરી હોવાની પણ ચર્ચા?

 

પાલઘર જીલ્લાના તલાસરી તાલુકાના કોચાઈ તથા બોરમલ આસપાસનાં ગામોમાંથી પસાર થતો સુચિત વડોદરા – મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેક્ટ નિર્માણમાં આદિવાસીઓની જમીન (મિલકતો) સંપાદનનાં વળતર બાબતે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે. 

આદિવાસી સમાજના હજારો લોકો સૂચિત પ્રોજેક્ટના સ્થળે એકત્ર થયા હતાં. જેઓએ  મુંબઈ વડોદરા એક્સપ્રેસ વેનું કામ અટકાવ્યું હતું. ઉપસ્થિત ગ્રામજનો, ખેડૂતો, કોંગ્રેસ અને ભૂમિ સેનાના કાર્યકરો ઉગ્ર રોષ ઠાલવવા સાથે ફડણવીસ સરકાર મુર્દાબાદ… મુર્દાબાદ, સરકાર હમસે ડરતી હૈ, પુલીસ કો આગે કરતી હૈ…. જમીન હમારા હક્ક હૈ….. નહીં છોડેન્ગે છોડેન્ગે… નહિ સહેન્ગે અત્યાચાર હમ લડ કે કો હૈ તૈયાર… હમારે ગાંવ મેં હમારા રાજ… જેવા નારા લગાવ્યાં હતાં.

ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓએ જમીનના પૈસા ચૂકવ્યા વગર કામ શરૂ કર્યું હતું. ખેડૂત સંગઠનોએ ચૂકવણી વિના કામ નહીં કરવાની ચેતવણી આપી છે. જેને કારણે સદર એક્સપ્રેસવે નિર્માણ કામગીરીમાં રૂકાવટ આવી રહી છે. આ રૂકાવટને ડામી દેવા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એક્સપ્રેસવે પ્રોજેક્ટનાં પેકેજ 10 ની ઠેકેદારી કંપની રોડવેઝ સોલ્યુશન્સ ઇન્ડિયા ઈન્ફ્રા લિમિટેડ પાસે નિર્માણ કામગીરી શરૂ કરાવી દીધી છે.

તો, મુંબઈ-વડોદરા એક્સપ્રેસ વેના જમીન સંપાદન અંગેનો વિવાદ દરમ્યાન જમીનની ચૂકવણી ન થવાના કારણે પીડિત ખેડૂતની પત્નીએ આત્મહત્યા કરી હોવાની તેમજ પીડિતાના પરિવારજનોએ પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા હોવાની પણ ચર્ચા ઉઠી છે.

આ અંગે પાલઘર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું છે કે, આપઘાત કરનાર મહિલા અને તેના પતિની જમીન આ પ્રોજેકટમાં સંપાદિત થઈ છે. તેના નાણાં પણ ચૂકવાઈ ગયા છે. અને બન્ને પતિ પત્ની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયા બાદ પત્નીએ અપઘાતનું પગલું ભર્યું છે. વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, આદિવાસીઓનાં હિતોનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે. દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ જરૂરી છે. પણ, એનો મતલબ એ નથી કે, કોઈ ગરીબ અને લાચાર આદિવાસીઓની જમીન (મિલકતો) સંપાદનનાં નામે નજીવી રકમથી હડપી લેવાની..! સરકારી એજન્સીઓ આદિવાસીઓને એવું કહે કે, તમારી જમીન (મિલકતો) નાં પેપરો બતાવો. જ્યારે, આદિવાસીઓ બાપ- દાદા – પરદાદાની જમીન (મિલકતો) નાં પેપરો ક્યાંથી લાવવાનાં..! એવા સવાલ સાથે વિરોધ કરી રહ્યા છે. ત્યારે તંત્રએ સદર વિવાદનો નિવાડો લાવવાં સ્થાનિક સત્તાધિશો તથા ગામનાં આગેવાનો સાથે બેઠક યોજી બંને પક્ષોનું હિત જળવાઈ રહે તે તરફ ધ્યાન આપવું જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *