વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ગામ ખાતે આવેલ કોળી પટેલ સમાજ સાંસ્કૃતિક ભવન ખાતે કિસાન મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ નિષ્ણાંતોએ ખેડૂતોને પાક વિષયક અને કીટ નાશક દવાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ખેડૂતોને ખેતીને લગતી કીટ ભેટ આપી હતી.
આ ખેડૂત સંમેલન વાપી-સરીગામમાં સ્થિત સંધ્યા ઓર્ગેનિક્સ કંપનીના સૌજન્યથી યોજાયું હતું. જેમાં વલસાડ જીલ્લા ભારતીય કિસાન સંઘ (તથા નવસારી કૃષિ યુનિવર્સિટી અને કોળી પટેલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં. ખેડૂત સંમેલનમાં નિષ્ણાંતો દ્વારા આંબા પાક અને શાકભાજી પાક વિષયક ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં સંધ્યા ગ્રુપ ઓફ કંપનીઝના કાંતિભાઈ કોળી, નાયબ બાગાયત નિયામક એન. એમ. પટેલ, ક્રોપ કેર ફેડરેશન ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેકટર નંદના પશ્રાવલ, પરિયા કૃષિ પ્રાયોગિક કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક ડૉ. સચિન ચૌહાણ દ્વારા સંમેલનમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધિત કરવામાં આવ્યાં હતાં.
સંમેલનમાં આંબા પાક અને શાકભાજીના સંરક્ષણ, તેમાં કરવામાં આવતો દવા છંટકાવ, નવા પાકની વિકસિત જાતિનું વાવેતર કરી વધુ ઉત્પાદન મેળવવું, એગ્રીકલ્ચર કેમિકલયુક્ત દવાના છંટકાવ દરમ્યાન તેની જરૂરી માત્રા અને સાવચેતી સહિત પાકની માવજત અંગે ઉપસ્થિત ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વલસાડ જીલ્લા ભારતીય કિસાન સંઘ (તથા નવસારી કૃષિ યુનિવર્સિટી અને કોળી પટેલ સમાજ તેમજ સંધ્યા ગ્રુપ ઓફ કંપનીઝના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહા ખેડૂત સંમેલનમાં સમગ્ર વલસાડ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓને ઉપયોગી પ્રાથમિક સલામતી કીટ ભેટ આપવામાં આવી હતી.