વાપીમાં કાર્યરત GST ભવનમાં વલસાડ ACB દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં બીજા માળે આવેલ સેન્ટ્રલ GST અને સેન્ટ્રલ એક્સાઇઝની કચેરીમાં ફરજ બજાવતો CGST ઇન્સ્પેકટર યશવંત રાજેન્દ્ર ગેહલોત 40 હજારની લાંચ લેતા ACB ના છટકામાં સપડાઈ ગયો હતો.
આ અંગે ACB એ આપેલી વિગતો મુજબ એક જાગૃત નાગરિકે ACB માં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ એક ખાનગી કન્સ્ટ્રક્શનની ભાગીદારી પેઢી ચલાવે છે. જે પેઢીનો સને 2020-21 ના વર્ષનો સેન્ટ્રલ જી.એસ.ટી તથા સ્ટેટ જી.એસ.ટી. ટેક્ષ ભરેલ હોવા છતા સી.જી.એસ.ટી. અને સેન્ટ્રલ એક્સાઇઝના પોર્ટલ ઉપર સી.જી.એસ.ટી. તથા એસ.જી.એસ.ટી.ના રૂપિયા ભરવા નોટીસ મળી હતી.
આ અંગે ફરિયાદી સી.જી.એસ.ટી. કચેરી ખાતે જઇ કચેરીમાં ફરજ બજાવતા CGST ઇન્સ્પેકટર યશવંત રાજેન્દ્ર ગેહલોતને મળ્યો હતો. જેમણે નોટીસનો નિકાલ કરાવી આપવાના અવેજ પેટે 40 હજારની લાંચ માંગી હતી. જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય ACBનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.
આ ફરિયાદ આધારે વલસાડ ACB પોલીસ સ્ટેશનના PI એસ. એન. ગોહિલે સુરત એકમના સુપરવિઝન અધિકારી અને મદદનીશ નિયામક આર. આર. ચૌધરી ના માર્ગદર્શન હેઠળ સ્ટાફ સાથે ટ્રેપ ગોઠવી હતી. સેન્ટ્રલ જી.એસ.ટી. અને સેન્ટ્રલ એક્સાઇઝની કચેરી, જી.એસ.ટી. ભવન, વાપી બીજા માળે આવેલ રૂમ નંબર.216માં ગોઠવેલ આ ટ્રેપ દરમ્યાન આરોપી એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી 40 હજાર રૂપિયા ની લાંચ સ્વીકારી હતી. જેને તાત્કાલિક ACB ની ટીમે દબોચી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, ACB ની ટ્રેપમાં ઝડપાયેલ આરોપી યશવંત રાજેન્દ્ર ગેહલોત હજુ માંડ 25 વર્ષનો યુવક છે. જે સી.જી.એસ.ટી. ઇન્સ્પેક્ટર, વર્ગ-2 (ગૃપ-બી), વાપી-1, ડીવીઝન-9, રેન્જ-5 તથા 6 વિભાગમાં સી.જી.એસ.ટી. અને સેન્ટ્રલ એક્સાઇઝની કચેરી, જી.એસ.ટી. ભવન, વાપીમાં ફરજ બજાવતો હતો. તેમજ 101-A, શિવાલિક એપાર્ટમેન્ટ, ચલા, વાપીમાં રહેતો હતો. અને મૂળ સુંદરનગર, થાના-બાણગંગા, તા.જિ.ઇન્દોર (મધ્યપ્રદેશ)નો વતની છે.