Friday, January 31News That Matters

મુંબઈમાં રજિસ્ટ્રેશન અને વાપીના દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભાડાના પ્લોટમાં લાઈટર બનાવતી Sagacity Works નામની કંપની આગમાં સ્વાહા, કંપની સંચાલકોની ગતિવિધિ શંકાસ્પદ…? 

સોમવારે વાપી GIDC નજીક કરવડ ગામની હદમાં બનેલ દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ Sagacity Works Private Limited નામની લાઈટર બનાવતી કંપનીમાં આગ લાગી હતી. ઘટનામાં આખી કંપની સ્વાહા થઈ ગઈ છે. તો, આગની ઘટનાએ જે રીતે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાવ્યો હતો. એટલું જ રહસ્ય પણ ઉભું કર્યું છે.

આ કંપનીમાં આગ કઈ રીતે લાગી તેના ચોક્કસ કારણો કંપની સંચાલકોએ જણાવ્યા નથી. આગ મામલે તેમજ કંપનીમાં થતી ગતિવિધિ મામલે ફાયર, પોલીસ, ફેક્ટરી ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓને પણ ગાફેલ રખાયા હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે.

આગની ઘટના દરમ્યાન કંપનીમાં 15 જેટલા કામદારો કામ કરતા હતાં. સદનસીબે તેમાંથી કોઈની જાનહાની થઈ નથી. પરંતુ ભાગદોડમાં એક વ્યક્તિને સામાન્ય ઇજા જરૂર પહોંચી છે. કંપનીમાં સેફટીને લઈને અનેક બેદરકારી પણ આ ઘટના દરમ્યાન છતી થઈ છે. પરંતુ જે મહત્વની વાત કહી શકાય તે ખૂબ જ ચોંકાવનારી છે.

દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી આ કંપની અહીં જે પ્લોટમાં ભાડે કાર્યરત હતી. એ પ્લોટના મૂળ માલિકનું નામ તરબઉલ્લા ખાન હોવાનું જાણવા મળ્યું છે. જેણે મૂળ મુંબઈમાં Sagacity Private Limited નામેં કંપની રજીસ્ટર્ડ કરનાર Raja Anandani અને Sanjay Shivlani નામના ડિરેક્ટરને ભાડે આપ્યો હતો. આ બને ડાયરેક્ટરોએ Sagacity Works Private Limited ના નામે અહીં લાઈટરનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું હતું.

જો કે, આ Sagacity Works Private Limited નામની કંપનીનું રજિસ્ટ્રેશન મુંબઈનું છે. મુંબઈમાં Shop 101, Floor 1, Plot 505, Owners Industrial Estete, mahim નું તેની કંપની પ્રોફાઇલમાં જણાવે છે. પરંતુ, વાપીમાં કાર્યરત કંપનીનો કયાંય ઉલ્લેખ કર્યો નથી. જે ખૂબ જ શંકાસ્પદ હોય એ મામલે તપાસ જરૂરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કંપની ભાડે ચાલે છે. એની વિગતો પણ પ્લોટ માલિક દ્વારા પ્રશાસનને અપાઈ નથી. એટલું જ નહીં જે કામદારો કામ કરવા આવતા હતાં. તેઓ મોટેભાગે કપરાડા તાલુકાના હતાં. મેનેજર પરપ્રાંતીય છે. અને 6 મહિના પહેલા જ આ સ્થળે કંપની કાર્યરત થતા તે તમામ અહીં નોકરી પર લાગ્યા છે. જેઓની સુરક્ષા માટે પણ સંચાલકોએ તદ્દન લાપરવાહી વર્તી છે. ત્યારે, આ સમગ્ર મામલે જે તે વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરાય તેવી માંગ ઉઠી છે.

ઉલ્લેખનીય છે કે, વાપી GIDC માં અને ખાસ કરીને કરવડ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ઉભી કરેલી આવી કેટલીક કંપનીઓ બોગસ હોવાનું કે કાયદાનું ઉલ્લંઘન કરતી હોવાનું છાશવારે પ્રગટ થતું આવ્યું છે. ત્યારે, આ મામલે તપાસ કરવી અતિ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *