વલસાડ જીલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ગામે એક કોલેજીયન યુવતી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી ફરાર આરોપીને વલસાડ પોલીસે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી મૂળ હરિયાણાનો છે. 29 વર્ષનો આ અપંગ યુવક વિકૃત માનસિકતા ધરાવતો રીઢો ચોર અને સિરિયલ કિલર છે. જેણે એક મહિનામાં જ કુલ 5 જેટલી વ્યક્તિઓની હત્યા કરી છે. રેપ વિથ મર્ડરનો આ આરોપી 5 રાજ્યમાં ટ્રેનમાં સફર કરતી વખતે ચોરી, લૂંટ હત્યા જેવી ઘટનાઓને અંજામ આપતો હતો.
આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી કે, ગઇ 14મી નવેમ્બર 2024ના પારડી તાલુકાના મોતીવાડા ગામ ખાતે રહેતી 19 વર્ષીય કોલેજીયન યુવતી ટ્યુશને ગઈ હતી. જે બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીની હત્યા કરનાર તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ ગળું દબાવી હત્યા કરી ભાગી ગયો હતો.
જેને ઝડપી પાડવા વલસાડ પોલીસે જીલ્લાના 4 DySP, PI, LCB, SOG, સાયબર ક્રાઇમના પોલીસ અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. 10 દિવસની અથાગ મહેનત બાદ આરોપી રાહુલ કરમવિર જાટને વાપી રેલવે સ્ટેશનેથી ઝડપી પાડ્યો હતો.
પકડાયેલ આરોપી મૂળ હરિયાણા ના રોહતક જિલ્લાનો વતની છે. અને 29 વર્ષની ઉંમર ધરાવે છે. તેણે ધોરણ 5 સુધીનો અભ્યાસ કર્યો છે. પગે અપંગ છે. બાળપણથી ચોરી, લૂંટ જેવા ગુન્હાઓ આચરતો આવ્યો છે. કામધંધામાં તે રખડતું ભટકતું જીવન જીવે છે. ટ્રકમાં ક્લીનરીથી માંડીને ઢાબા પર કામ કરી ચુક્યો છે. અપંગ હોય ટ્રેનમાં વગર ટીકીટે વિકલાંગ ડબ્બામાં અલગ અલગ ટ્રેનમાં સફર કરતો હતો.
પોલીસે આપેલી વિગતો મુજબ મોતીવાડા ગામની યુવતીની હત્યાના દિવસે પણ તે ઉદવાડા રેલવે સ્ટેશને ઉતર્યો હતો. અને તે બાદ સ્ટેશન નજીકના સુમસામ વિસ્તારમાંથી ઘરે જતી કોલેજીયન યુવતીનું મોઢું દબાવી નજીકના અવાવરું વિસ્તારમાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરી ગળું દબાવી હત્યા કરી ફરાર થઇ ગયો હતો. જેની પહેરેલ કપડાના, સ્થળ પર મળેલી બેગ અને CCTV ના આધારે તપાસ હાથ ધરી હતી.
પોલીસના હાથે ઝડપાયેલ આ આરોપી ડાબા પગે અપંગ છે. તે કર્ણાટકથી ટ્રેન મારફતે નાસિક, મુંબઈ થઈ વાપીના ઉદવાડા રેલવે સ્ટેશને આવ્યો હતો. એ પહેલાં અને હાલના દિવસો મળી કુલ એક મહિનામાં 5 હત્યા કરી ચુક્યો છે. તેણે કર્ણાટક રાજય મેંગ્લુરમાં ટ્રેનમાં વિકલાંગ ડબ્બામાં મુસાફરી કરતી વખતે એક ઇસમ સાથે બીડી પીવા બાબતે સામાન્ય બોલાચાલીમાં ગળુ દબાવી હત્યા કરી હતી. તેમજ સર સામાનની લુંટ કરી હતી.
પશ્ચિમ બંગાળ રાજય હાવરામાં કતીહાર એક્સપ્રેસમાં એક ઇસમની લુંટ કરવાના ઇરાદે શરીરના છાતી, પેટ તથા માથાના ભાગે ચાકુ વડે ગંભીર ઇજાઓ કરી હત્યા કરી રોકડા રૂપિયા તથા સર સામાન ની લુંટ કરી હતી. તેલાંગણા રાજય સીકંદરાબાદમાં પણ એક મહિલાની હત્યા કરી હતી.
આ વિકૃત માનસિકતા ધરાવતો આરોપી હત્યા અને દુષ્કર્મ આચરતો હતો. પોલીસને આરોપીના કબજામાંથી અલગ અલગ મોબાઇલ ફોન તથા ચાકુ સહિત 25 હજાર જેટલા રોકડા રૂપિયા પણ મળી આવ્યાં છે. વલસાડ પોલીસના હાથે ઝડપાયાના એક દિવસ પહેલા પણ આ વિકૃત આરોપીએ સીકંદરાબાદથી મેનુગુરૂ સ્પેશ્યલ એક્સપ્રેસના ડબ્બામાં એક સ્ત્રીનું ગમછા વડે ગળુ દબાવી હત્યા કરી હતી. પુણે-કન્યાકુમારી ટ્રેનમાં પણ એક મહિલાની હત્યા કરી છે.
મૂળ હરિયાણાના આ આરોપીના પરિવારમાં તેના પિતાનું મૃત્યુ થઈ ગયું છે. તેની માતા સહિત પરિવારના સભ્યોએ તેને આવી વિકૃત માનસિકતાને કારણે તરછોડી દીધો છે. જે બાદ તે આ રીતે ચોરી, લૂંટ અને હત્યાને અંજામ આપતો રખડતો ભટકતું જીવન જીવે છે. અગાઉ તે રાજસ્થાનની જેલમાં બંધ હતો. જ્યાંથી છૂટીને આ હત્યા કરી રહ્યો છે.
આરોપીને ઝડપી પાડવા વલસાડ પોલીસે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઓરીસ્સા, રાજસ્થાન રાજયના અલગ અલગ રેલવે સ્ટેશનો ઉપર તપાસ હાથ ધરી હતી. અંદાજીત 300 પોલીસ જવાનો સાથે લગભગ 2000 જેટલા CCTV ફૂટેજ ચેક કર્યા હતાં. લાજપોર, નવસારી, પાલઘર, થાણે, જોધપુર જેલમાં તપાસ કરી વિગતો મેળવી હતી. જેમાં તેના પર 13 જેટલા ચોરી લૂંટના ગુન્હાની પણ વિગતો મળી છે. આ કામગીરીમાં વલસાડ જીલ્લા પોલીસની ટીમને વલસાડ સહિત ગુજરાત, મહારાષ્ટ્રની GRP, RPFની ટીમે પણ મદદ કરી હતી. અને આ સંયુક્ત પ્રયાસમાં માનસિક વુકૃત આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે.
ઉલ્લેખનીય છે કે, 24મી નવેમ્બર 2024ના આ આરોપી બાંદ્રા થી બાંદ્રા-ભુજ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હોવાની બાતમી આધારે વાપી રેલ્વે પોલીસ તથા વલસાડ જીલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. જેની હાલ વધુ પૂછપરછ ચાલી રહી છે. જેમાં પણ વધુ ચોંકાવનારી વિગતો મળવાની આશા વલસાડ પોલીસે વ્યક્ત કરી છે.