દિવાળીના તહેવાર દરમ્યાન દરેક બાળકના જીવનને ખુશીથી ભરી શકાય એવા ઉદ્દેશ્યથી વાપીના સલવાવ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં પ્રિ-પ્રાયમરી શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, તેમના વાલીઓના સહિયારા પ્રયાસથી એક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ ચેરિટી ફૂડ ફેસ્ટિવલના ઉદેશ્ય અંગે ગુરુકુળના મેનેજીંગ ટ્રસ્ટી કપિલ સ્વામી અને પ્રિ-પ્રાયમરી સ્કૂલના પ્રિન્સિપાલ નીતુ સિંહે જણાવ્યું હતું કે, બાળકોમાં બાળપણથી જ બીજા પ્રત્યે સહાનુભૂતિ, દયાભાવના અને ઉચ્ચ સંસ્કારનું સિંચન થાય તેવા ઉદ્દેશ્યથી આ એક ચેરિટી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફૂડ ફેસ્ટિવલમાં બાળકોના માતા-પિતા દ્વારા વિવિધ પ્રકાર ની ખાદ્ય ચીજો આપવામા આવી હતી. એમાથી શાળા ના શિક્ષકોએ સેન્ડવીચ, સેવપુરી, પાણીપુરી, પકોડા, ભેળ વગેરે ખાદ્ય ચીજો બનાવી તેના સ્ટોલ લગાવ્યાં છે. જે દરેક સ્ટોલ પરથી તેનું વેંચાણ કર્યા બાદ જે પણ રકમ એકત્ર થશે તે તમામ રકમ આશ્રમ શાળાના નિરાધાર, જરૂરિયાતમંદ બાળકોને દિવાળી ભેટની શુભેચ્છા રૂપે આપવામાં આવશે.શનિવારે 19મી ઓક્ટોબરે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, સલવાવ કેમ્પસમાં આયોજિત આ ફૂડ ફેસ્ટિવલ નો ઉદેશ્ય દિવાળીના તહેવાર દરમિયાન દરેક બાળકના ચહેરા પર ખુશીઓ ખીલવવાનો હતો. જે માટે, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતા-પિતાએ મળીને ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. આ ફૂડ ફેસ્ટિવલમાં શાળાના શિક્ષકોએ બનાવેલ આ સ્વાદિષ્ટ વેરાયટીની વિદ્યાર્થીઓ-વાલીઓએ હોંશેહોંશે ખરીદી કરી હતી. અને સેવાના આ કાર્યક્રમમા ઉત્સાહભેર મદદ રૂપ થયા હતાં. તો, સમાજસેવાના આ ઉત્તમ કાર્યથી અન્ય શાળાના સંચાલકો, શિક્ષકોને પણ પ્રેરણા પુરી પાડી હતી.